મે ચાહી જિંદગીને, મોતનોયે દબદબો રાખીશ,
મને મૃત્યુ સમીપે લઈ જતી હર ક્ષણનો ૠણી છું.
– સંદીપ પુજારા

આપણો ઘડીક સંગ – નિરંજન ભગત

કાળની કેડીએ ઘડીક સંગ
રે ભાઈ, આપણો ઘડીક સંગ;
આતમને તોય જનમોજનમ લાગી જશે એનો રંગ !

ધરતી આંગણ માનવીના આ ઘડીક મિલનવેળા,
વાટમાં વચ્ચે એક દી નકી આવશે વિદાયવેળા!
તો કેમ કરીનેય કાળ ભૂલે ના એમ ભમીશું ભેળા !
હૈયાનો હિમાળો ગાળી ગાળીને વહશું હેતની ગંગ !

પગલે પગલે પાવક જાગે ત્યાં ઝરશું નેનની ઝારી,
કંટકપથે સ્મિતવેરીને મ્હોરશું ફૂલની ક્યારી;
એકબીજાને જીતશું, રે ભાઈ,જાતને જાશું હારી !
ક્યાંય ના માય રે આટલો આજ તો ઉરને થાય ઉમંગ !

– નિરંજન ભગત

આ ટૂંકા જીવનને પ્રિયજનના સંગમાં માણી લેવાની વાત નિરંજન ભગત બહુ ઉત્તમ રીતે કરે છે. દરેક સંબંધમાં ઉતરાવ ચડાવ તો આવે જ છે. એવા વખતે કવિ કહે છે – હૈયાનો હિમાળો ગાળી ગાળીને વહશું હેતની ગંગ ! ને છેલ્લે ગુજરાતી કવિતાની અવિસ્મરણીય પંક્તિઓમાંથી એક આવે છે – એકબીજાને જીતશું, રે ભાઈ,જાતને જાશું હારી ! આ ગીત હંમેશા મનને સંતોષ અને આનંદ આપી જાય છે.

5 Comments »

  1. Harshad Jangla said,

    February 28, 2007 @ 10:09 AM

    ઉરને થાય ઉમંગ
    ખરેખર આ કાવ્ય વાંચીને ઉમંગ જ થાય
    આભાર
    હર્ષદ જાંગલા
    એટલાન્ટા
    યુ એસ એ

  2. વિવેક said,

    March 1, 2007 @ 1:31 AM

    શ્રી નિરંજન ભગતને આ રવિવારે જ પ્રત્યક્ષ મળવાનું થયું. એકદમ સાલસ સ્વભાવના ઋજુદિલના મળવા જેવા માણસ…. આવું સુંદર ભાવ-ગીત આવા સુંદર હૈયામાંથી જ જન્મી શકે…

    એકબીજાને જીતશું, રે ભાઈ,જાતને જાશું હારી !

    -આટલું સમજી શકીએ તો ય ઘણુ!

  3. Jaydev. Shukla said,

    April 21, 2009 @ 3:50 AM

    I have leaned this Poetry in Standard 10 in 1975. Such a beautiful and touching poem, which stimulates our sentiments, EK BIJANE JITSHUN RE BHAI JATNE JASHUN HARI…..Only this one sentence if we all put in practice, the whloe world can be changed.

  4. આપણો ઘડીક સંગ – નિરંજન ભગત | ટહુકો.કોમ said,

    February 5, 2012 @ 9:57 PM

    […] આપણો ઘડીક સંગ – નિરંજન ભગત By Jayshree, on February 6th, 2012 in નિરંજન ભગત , હેમા દેસાઇ , ટહુકો , ગીત , આશિત દેસાઇ , કાવ્ય | Leave a comment આ ટૂંકા જીવનને પ્રિયજનના સંગમાં માણી લેવાની વાત નિરંજન ભગત બહુ ઉત્તમ રીતે કરે છે. દરેક સંબંધમાં ઉતરાવ ચડાવ તો આવે જ છે. એવા વખતે કવિ કહે છે – હૈયાનો હિમાળો ગાળી ગાળીને વહશું હેતની ગંગ ! ને છેલ્લે ગુજરાતી કવિતાની અવિસ્મરણીય પંક્તિઓમાંથી એક આવે છે – એકબીજાને જીતશું, રે ભાઈ,જાતને જાશું હારી ! આ ગીત હંમેશા મનને સંતોષ અને આનંદ આપી જાય છે. (આભાર – લયસ્તરો.કોમ) […]

  5. VRUNDAVAN Chandarana said,

    January 31, 2021 @ 10:15 AM

    આ ગીત પુ.ભગવાન શ્રી બ઼હ્મવેદાંતજી એ ગાયુ અને હ્રદય સ્પર્શી ગયુ વારંવાર સાંભળી ને ભગવાન શ્રી બ઼હ્મવેદાંતજી નો સૂક્ષ્મ માં થી આશીષ મેળવવા દિલ તડપતુ રહે છે . એ જ..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment