આપણો સંબંધ બસ છૂટી ગયો,
તાંતણો કાચો હતો, તૂટી ગયો.
વિજય રાજ્યગુરુ

ધૂળિયે મારગ-મકરંદ દવે

કોણે કીધું ગરીબ છીએ ?
કોણે કીધું રાંક ?
કાં ભૂલી જા મન રે ભોળા !
આપણા જુદા આંક.

થોડાક નથી સિક્કા પાસે,
થોડીક નથી નોટ,
એમાં તે શું બગડી ગયું ?
એમાં તે શી ખોટ ?

ઉપરવાળી બેંક બેઠી છે
આપણી માલંમાલ,
આજનું ખાણું આજ આપે ને
કાલની વાતો કાલ.

ધૂળિયે મારગ કૈંક મળે જો
આપણા જેવો સાથ,
સુખદુઃખોની વારતા કે’તા
બાથમાં ભીડી બાથ.

ખુલ્લાં ખેતર અડખે પડખે
માથે નીલું આભ,
વચ્ચે નાનું ગામડું બેઠું
ક્યાં છે આવો લાભ ?

સોનાની તો સાંકડી ગલી,
હેતું ગણતું હેત,
દોઢિયાં માટે દોડતાં એમાં
જીવતાં જોને પ્રેત !

માનવી ભાળી અમથું અમથું
આપણું ફોરે વ્હાલ;
નોટ ને સિક્કા નાખ નદીમાં,
ધૂળિયે મારગ ચાલ !

કાશ મારામાં એટલું બળ હોતે કે હું આ સંદેશ અનુરૂપ જીવી શકતો હોતે….!

5 Comments »

  1. Rina said,

    June 19, 2011 @ 1:50 AM

    very inspiring….:):)

  2. ધવલ said,

    June 20, 2011 @ 8:44 PM

    માનવી ભાળી અમથું અમથું
    આપણું ફોરે વ્હાલ;
    નોટ ને સિક્કા નાખ નદીમાં,
    ધૂળિયે મારગ ચાલ !

    – સલામ !

  3. વિહંગ વ્યાસ said,

    June 21, 2011 @ 3:10 AM

    સલામ…..

  4. ડેનિશ said,

    June 21, 2011 @ 9:17 AM

    ગુણવન્તી અને ગમતીલી કવિતા!
    આથમા ધોરણથી લઈ બારમા ધોરણ સુધી આ કવિતા અભ્યાસમાં-પદ્યાર્થગ્રહણમાં વાંચી છે,માણી છે .
    કવિશ્રીએ કેટલી સરળ રીતે જીવનનો મર્મ -જીવન જીવવાની પદ્ધતિ સમજાવી દીધી! પણ ,તીર્થેશભાઈએ કહ્યું તેમ આને જીવી બતાવવું બહુ જ કઠિન છે.

    સોનાની તો સાંકડી ગલી,
    હેતું ગણતું હેત,
    દોઢિયાં માટે દોડતાં એમાં
    જીવતાં જોને પ્રેત !
    આ પંક્તિઓમાં પૈસા પાછળની આંધળી દોટ ઉપર કેવો વેધક પ્રહાર કર્યો છે !
    નોટ ને સિક્કા નાખ નદીમાં,
    ધૂળિયે મારગ ચાલ !

  5. rajesh shah said,

    June 28, 2011 @ 10:10 AM

    ઘનુ સરસ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment