એક ક્ષણ જો યુધ્ધ અટકાવી શકો -
ટેન્ક પર માથું મૂકી ઊંઘી લઉં…
માધવ રામાનુજ

સલામ, સબકો સલામ ! – મંગેશ પાડગાંવકર

સલામ, સબકો સલામ,
જેના હાથમાં દંડો તેને સલામ,
લાતના ભયથી
ડાબો હાથ કૂલા પર રાખીને
જમણે હાથે સલામ,
જોનારને સલામ,
ન જોનારને સલામ,
વેચાતું લેનારને સલામ,
વેચાતું લેવાનો ઈશારો કરનારને સલામ,
સલામ ભાઈ સબકો સલામ.

ડોળા કાઢેલી દરેક આંખને સલામ,
સિંદૂર થાપેલા દગડને સલામ,
લાખો ખર્ચીને બાંધેલા દેવળને સલામ,
દેવાલયના દેવીની ધાકને સલામ,
દેવ અને ધર્મનો કૉન્ટ્રેક્ટ લેનારને સલામ,
ખાલી હાથમાંથી ભસ્મ કાઢનાર ભુવાને સલામ,
હવામાંથી વીંટી કાઢનાર મોટા બાવાને સલામ,
શનિને સલામ,
મંગળને સલામ,
ભીતિના પ્રત્યેક કૉન્ટ્રૅક્ટટરને સલામ,
મા પર જિંદગીભર ધૂરકનાર બાપને સલામ,
બાપા પર ધૂરકતા સાહેબને સલામ,
સાહેબને ફાડનાર તેના સાહેબને સલામ.

જેના હાથમાં અખબાર તેને સલામ,
ભાષણોનો, સભાઓનો ફોટા સાથે રિપોર્ટ કરે તેને સલામ,
અખબારના માલિકને સલામ,
તેની નથ પકડનાર રાજ્યકર્તાઓને સલામ,
જેની સામે માઇક્રોફોન તેને સલામ,
તેમાંથી થંભ્યા વિના બોલનારને સલામ,
લાખોની ગિરદીને સલામ,
ગિરદીને ડોલાવનારને જાદુગરને સલામ,
નાકા પરના દાદાને સલામ,
હાથભઠ્ઠીવાળાને સલામ,
સ્મગલરને સલામ,
મટકાવાળાને સલામ,
તેમણે આપેલા હપતાને સલામ,
લોકશાહીને સલામ,
ઠોકશાહીને સલામ,
સત્તાની ટ્રક ચલાવનારને સલામ,
ટ્રક નીચે ચગદાયેલાં અળસિયાંને અને કુત્તાઓને સલામ,
જેના હાથમાં ચાકુ તેને સલામ,
વિમાનમાંથી બૉમ્બ ફેકનારને સલામ,
શસ્ત્રાસ્ત્રના પ્રચંડ વેપારીઓને સલામ,
કાળાબજારિયાઓને સલામ,
તેને ફાંસી દેવાની ઘોષણા કરનારઓને સલામ,
ગટરના પાણીથી ઇન્જેકક્ષન ભરનારને સલામ,
ઠાઠડીનો સામાન વેચનારને સલામ,
ઠાઠડી ઊંચકનાર ખભાઓને સલામ,
મોત સસ્તું કરનારા સર્વને સલામ.

દરને સલામ
દરના ઉંદરને સલામ,
ઘરના વાંદાઓને સલામ,
ખાટલાના માંકડોને સલામ,
દરારવાળી ભીંતોને સલામ,
કંતાયેલી પત્નીને સલામ,
દોઢ ખોલીમાં છૈયાંછોરાંને સલામ,
ગાડીમાં ચગદાતી ગિરદીને સલામ,
સડેલા ધાનને સલામ,
કાણા પડેલા પીળાં ગંજીફરાકને સલામ,
ધંધાના માલિકને સલામ,
યુનિયનના લીડરને સલામ,
હડતાલને સલામ,
ઉપવાસને સલામ,
સર્વ રંગના સર્વ ઝંડાઓને સલામ,
ચાલીચાલીના ભરાયેલા સંડાસના લીંડાઓને સલામ,
ડોક પકડનાર પ્રત્યેક હાથને સલામ.
આ મારા પરમ પવિત્ર ઇત્યાદિ દેશને સલામ,
આ દેશની સુ-ઉદાત્ત સુ-મંગળ, સુ-પરંપરાને સલામ,
સર્વ ઉસ્તાદી ઘોષણાને સલામ,
જાતિભેદના ઉકરડાને સલામ,
આ ઉકરડામાંથી સત્તાનો પાક માણનારને સલામ,
ઉપનિષદો અને વેદોને સલામ,
સાકર-કારખાનાંના દાદાઓને સલામ,
તેમની સેંકડો લોરીને સલામ,
ચૂંટણીને સલામ,
ચૂંટણીફંડને સલામ,
અદ્રશ્ય મુક્કાને સલામ,
મતના આંધળા સિક્કાને સલામ,
સસલું હાથમાં હોય એવા પારધીને સલામ,
તેની તહેનાતમાં રહેલા ભાડૂતી સૈનિકને સલામ,
હરિજનો પર અત્યાચાર કરનારાઓને સલામ,
આ બાતમી વાંચનાર સર્વ ષંઢોને સલામ.

સત્તા સંપતિના ભડવાનો દેશ કહું,
તો માથું ફોડી નાખશે,
હલકટ લાચારોનો દેશ કહું,
તો રસ્તા પર ઝૂડશે,
ખરીદવામાં આવનારાઓનો દેશ કહું,
તો રસ્તો રોકાશે.
દેવધર્મ વિશે, નેતાઓ વિશે ખરાબ બોલું
તો નાકા પર પકડીને ઠોકશે,
શોષણ કરનારાઓનો દેશ કહું,
તો નોકરી પરથી કાઢશે,
એટલે મારાં નપુંસકત્વને સલામ,
પછી ઠોકી શકનાર પ્રત્યે હાથને સલામ,
અને તે પછી અલબત્ત જ
આ મારા
પરમ પવિત્ર ઉદાત્ત સુમંગલ દેશને સલામ,
આ દેશની મહાન પરંપરાને સલામ,
સલામ, પ્યારે ભાઈઓ ઔર બહેનો સબકો સલામ.
અનેક હાથ હોત તો,
અનેક હાથથી કરી હોત સલામ,
લેકિન માફ કરના ભાઈઓ
હાથ તો બે જ
અને તેમાનો ડાબો
લાતના ભયથી રાખેલો કૂલા પર
એટલે ફકત જમણા હાથે સલામ
સલામ સબકો સલામ,
ભાઈઓ ઔર બહેનો, સબકો સલામ.

– મંગેશ પાડગાંવકર
(અનુ. સુરેશ દલાલ)

આજકાલ કોંગ્રેસ જે લટકાં કરી રહી છે એના પરના લેખની શરૂઆતમાં જય વસવડાએ આ કવિતા ટાંકી છે.

કવિતા ઘણી લાંબી છે પણ એનો ટેમ્પો ક્યાંય ઓછો થતો નથી. કવિતા ને રસ્તા પર મદારી વાંદરાને નચાવતા બોલતો હોય એમ મોટેથી વાંચવાની છે. કવિતા ઘણી જૂની છે પણ નવી જ લાગે છે. વ્યંગની આ ધારને સમય બુઠ્ઠી કરી શક્યો નથી. આ કવિતામાં જે હૈયાવરાળ છે એ તો આઝાદીના સમયથી એની એ જ રહી છે. બીજું જે થવું હોય તે થાય…. પણ વાંદરો તો ખેલ કરે રાખે છે અને સલામ પણ ઠોકે રાખે છે !

(દગડ=પથ્થર, ષંઢ=નપુંસક)

10 Comments »

  1. RAJNIKANT SHAH said,

    June 13, 2011 @ 7:41 PM

    here we are after journey of 64yerars!!

  2. Ramesh Patel said,

    June 13, 2011 @ 8:02 PM

    જબરી સલામ ઠોકી. કેટલી વેદના આવી વિષમ પરિસ્થિતિનો સામનો કરતાં અનુભવાય ..આ કવન દ્વારા.

    રમેશ પટેલ(આકાશદીપ)

  3. jaydeep said,

    June 14, 2011 @ 1:23 AM

    બે બોલ બોલવાને લાયક નહિ રાખવા માટે સલામ………………………..

  4. Atul Jani (Agantuk) said,

    June 14, 2011 @ 8:14 AM

    સલામ 🙁

  5. Maheshchandra Naik said,

    June 15, 2011 @ 12:37 AM

    સરસ વ્યંગાત્મક કવિતા, કવિશ્રીને અને અનુવાદક શ્રી સુરેશભાઈને પણ આજના સમયમા સૌને જીવન્ત રાખવા માટેની વાત લઈ આવવા માટે આભાર…………..

  6. વિવેક said,

    June 15, 2011 @ 2:10 AM

    સલામ, ભાઈ ! સલામ!!!

    કવિએ કવિતા એટલી ઘૂંટી છે કે મજા પડી ગઈ.. વળી હમણાં જ દોઢ મહિનો અમેરિકા રહીને આવ્યો છું એટલે દૂરબીનથી આપણા દેશને ફરીથી જોઈ જ રહ્યો હતો એવામાં આ કવિતા મળી આવી…

  7. DHRUTI MODI said,

    June 15, 2011 @ 5:01 PM

    જરૂર સલામ, આપણી લાચારીને…..

  8. હિતેશ માખેચા said,

    December 6, 2011 @ 2:10 AM

    સલામ સર

  9. rahul said,

    February 6, 2012 @ 4:59 AM

    હિ પ્લ્ઝ

  10. Jaldhi bhatt said,

    December 19, 2018 @ 2:20 AM

    લટકા ભાજપીયા ને ફેંકુ્મોદી કરે છે..અને હા સાહિત્મા રાજકારણ ન લાવ તો સારૂ…@Admin

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment