એકધારો સો વરસ ગાતો રહ્યો,
જિંદગીની હું તરસ ગાતો રહ્યો;
વેદનાની ચીસને મેં જાળવી,
લોક સમજ્યા કે સરસ ગાતો રહ્યો.
મનહરલાલ ચોક્સી

બોન્સાઇ વૃક્ષની મનોવ્યથા – જયંત જી. ગાંધી ‘કુસુમાયુધ’

(વસંતતિલકા)
જાણો વસંતતિલકા ‘તભજાજગાગા’
—————————————–

કાપીકૂપી, નિત અરે અમ ડાળ સર્વે,
‘બોન્સાઇ’ વૃક્ષ રૂપમાં ઘરના રવેશે,
કૂંડાં મહીં જતનથી તરુ જાળવી ત્યાં,
શોભા રચો કદ કરી અમ વામણાં કાં?

આવેલ સૌ અતિથિને નિજ હુન્નરો આ,
વૃક્ષો વિરાટ સહુ વિરાટ વામન રૂપમાં ત્યાં,
કેવાં જહેમત કરી જ તમે બનાવ્યાં,
એ પોરસે બહુ કથા સહુને કહેતા.

”આ પીપળો વડ તથા ગુલમોર આંબો,
આ લીંબડો સવન બાવળ બોરડી તો,
’બોન્સાઇ’ રૂપ દઇને ઝરૂખે સજ્યા છે.”
આવું સુણી મન મહીં અમને વ્રીડા છે.

’ઓ માનવી! નિજ ઉરે કદી તો વિચારો,
‘બોન્સાઇ’ કો વપુ કરે તમ જો જગે તો?!

જયંત જી. ગાંધી ‘કુસુમાયુધ’

વપુ – શરીર ; વ્રીડા – લજ્જા , શરમ

કવિતામાં કૃત્રિમ સૃષ્ટિ આવી શકે? હા! આવી શકે.

આધુનિક અને વૈભવી જીવનની એક ચીજ ‘બોન્સાઇ’ ઉપર રચાયેલું આ સોનેટ સાવ નવા નક્કોર વિષયને જૂના છંદમાં અને હવે ઓછા ખેડાતા કાવ્ય ક્ષેત્રમાં રજુ કરી કવિએ એક નવી કેડી શરુ કરી નથી લાગતી?

અને આગળ વિચારીએ તો આપણે પણ ‘બોન્સાઇ’ જેવા નથી? કોઇ આપણી ઇચ્છા વિરુધ્ધ હંમેશ આપણી ડાળીઓ અને આપણાં મૂળ કાપી આપણને વામણા ને વામણા રાખે છે; અને આપણે તે પરમ તત્વ સામે એક હરફ પણ ઉચ્ચારી શકતા નથી !

આપણા જીવનની આ એક કરુણ નિયતિ છે.

2 Comments »

  1. Jugalkishor said,

    February 1, 2007 @ 1:03 PM

    જાપાનમાં કે ચીનમાં બાળકીઓના પગ તાણીને બાંધી દઈને નાના કરી દેવાનો ક્રૂર રિવાજ હતો.ક્યારે ક તો મોટાં થયે પગનો ફણાનો ભાગ ખરી પડતો !

    બોંસાઈ એ શોભા કે ફેશન માટેની ક્રૂર રમતનું નામ છે.વનસ્પતિ કે પશુઓ કે બાળકો ઉપરના અત્યાચારો અને સ્ત્રીઓ અને પછાત રાખી દેવાયેલાં માનવીને કરેલા અન્યાયો બોંસાઈના જ પ્રકારો છે. સમાજ આવી રમતો ક્યારે છોડવાનું શીખશે ?

  2. Jayant Meghani said,

    February 4, 2007 @ 12:06 AM

    Jugalkishorbhai,
    Lamba samaythi mari pan avi ja manyata rahi chhe. Bonsai mate tame je udahan apyum te ja hu pana apato rahum chhum.
    Jayant Meghani

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment