પડે જેમ ખુશબૂનાં પગલાં હવામાં,
કોઈ એમ મારામાં પડતું રહે છે.
વિવેક મનહર ટેલર

હું શું કરું ? – ડૉ. રઇશ મનીઆર

મને ભાવની હો તલાશ તો પછી ભવ્યતાનું હું શું કરું ?
ઊભું સત્ય આવીને બારણે હવે માન્યતાનું હું શું કરું ?

હું અલગ રહું, તું અલગ રહે, એ વિશાળતાનું હું શું કરું ?
જવું એકમેકમાં ઓગળી હવે ભિન્નતાનું હું શું કરું ?

જે જહાજ પાર ઉતારશે એ વજન વધુ ન ખમી શકે
કરી એકઠી જે મેં ઉમ્રભર હવે એ મતાનુ હું શું કરું ?

છે કમાન તારા મહાલયે કે નમ્યા વિના ન પ્રવેશ હો
હું બહાર ઊભો વિચારતો હવે ઉચ્ચતાનું હું શું કરું ?

હશે હાથ ખાલી તો લાભ છે કે શરણ મળે તો ગ્રહી શકું
ભરી હાથ જે કરી દે અપંગ એ સહાયતાનું હું શું કરું ?

મારું શ્રેય શું, મારું ધ્યેય શું ? છું હું બેખબર છે તને ખબર
તું સજાગ છે, તું સચેત છે તો સભાનતાનું હું શું કરું ?

તું કૃપા કરે છે જો મારા પર તો ઉપેક્ષા અન્યની થાય છે
કે સમાનતાનો જ્યાં ભંગ હો , એ ઉદારતાનું હું શું કરું ?

-રઈશ મનીઆર.

રઈશભાઈ અને એમની ગઝલો પ્રત્યે મને સદા એક પક્ષપાત રહ્યો છે. એટલે નહીં કે ગઝલના ગામની ગલીકૂંચીઓમાં એમણે આપેલી આંગળી પકડીને જ હું પ્રવેશ્યો ને ફર્યો છું, પણ એટલે કે એ મને હંમેશા ગુજરાતી ગઝલની ઉજળી આજ અને દેદિપ્યમાન આવતીકાલ સમી લાગી છે. ‘હું શું કરું?’નો પ્રશ્ન લઈને આપણી અંદર કશુંક ઝંઝોળતી આ ગઝલ મારી પ્રિય ગઝલોમાંની એક છે.

12 Comments »

  1. Suresh Jani said,

    January 7, 2007 @ 9:38 AM

    હમણાં રઇશભાઇ અહીં આવ્યા હતા ત્યારે આ ગઝલ તેમના મુખેથી સાંભળવાનો લ્હાવો મળ્યો હતો. બધા જ શેર સરસ છે, પણ નીચેનો શેર વધારે ગમ્યો –

    જે જહાજ પાર ઉતારશે એ વજન વધુ ન ખમી શકે
    કરી એકઠી જે મેં ઉમ્રભર હવે એ મતાનુ હું શું કરું ?

  2. Suresh Jani said,

    January 7, 2007 @ 9:43 AM

    હશે હાથ ખાલી તો લાભ છે કે શરણ મળે તો ગ્રહી શકું
    ભરી હાથ જે કરી દે અપંગ એ સહાયતાનું હું શું કરું ?

    આ પણ સરસ છે. ગઝલ લખવામાં રસ ધરાવતા સૌને જણાવવાનું કે તેમણે ગઝલ શાસ્ત્ર પર બહુ જ સરસ પુસ્તક લખ્યું છે અને માત્ર વિવેકના જ નહીઁ પણ બધાના ગુરુ છે!
    વિવેક એક ખાસ વીનંતિ – મને તેમનો બાયો ડેટા મેળવી આપે તો હું ખોૂબ આભારી થઇશ

  3. Himanshu Bhatt said,

    January 7, 2007 @ 10:33 AM

    આ ગઝલ્ રઈશ ભાઈના પાસે સાભળી હતી. Observe this ghazal for depth of his thought and humiliy. What Raeesh is as a person comes out in this ghazal. I would call this his signature ghazal. I am a student of Raeesh and thankful to him for teaching me ghazal’s channd shastra.

  4. Jayshree said,

    January 7, 2007 @ 1:16 PM

    અરે વિવેકભાઇ… શું ગઝલ લઇને આવ્યા છો..!!
    અંદરથી કશુંક ખળભળી ગયું જાણે….

  5. વિવેક said,

    January 7, 2007 @ 1:44 PM

    રઈશભાઈના જે ગઝલ શાસ્ત્રની આપ વાત કરો છો એ પુસ્તક હું હાલ તૈયાર કરાવી રહ્યો છું, સુરેશભાઈ ! પાંચ જેટલા પ્રકરણ ટાઈપ કરાવેલા મારી પાસે તૈયાર થઈને પડ્યા છે. નેટ પર કઈ રીતે રજૂ કરવું એ વિમાસણ ઉકલી જાય એટલે ટૂંક સમયમાં આખું પુસ્તક – “ગઝલ-રંગ અને રૂપ” નેટ પર હાજર થઈ જશે…

  6. Test said,

    January 8, 2007 @ 2:11 AM

    Nice ghazal.

  7. ધવલ said,

    January 8, 2007 @ 1:36 PM

    ઉત્તમ ગઝલ !

    જે જહાજ પાર ઉતારશે એ વજન વધુ ન ખમી શકે
    કરી એકઠી જે મેં ઉમ્રભર હવે એ મતાનુ હું શું કરું ?

    અને

    છે કમાન તારા મહાલયે કે નમ્યા વિના ન પ્રવેશ હો
    હું બહાર ઊભો વિચારતો હવે ઉચ્ચતાનું હું શું કરું ?

    એ બે શેર ખૂબ ગમ્યા. આ શેર પરથી ઉદયન ઠક્કરનો સરસ શેર યાદ આવી ગયો…

    વચ્ચે આવે સોયનું નાકું, બાકી સુખ તો સામે છે;
    લોકોને મેં મોટા ભાગે, મોટા પડતા જોયા છે !

    (જુઓ : https://layastaro.com/?p=125 )

  8. UrmiSaagaar said,

    January 8, 2007 @ 9:00 PM

    સુંદર ગઝલ..
    મને તો બધા જ શેરો એટલા ગમ્યા કે કોઇ એકાદ ગમતો શેર જ પસંદ ન કરી શકી!

    મને તો હવે તમે એ ગઝલ શાસ્ત્રનું પુસ્તક ક્યારે ઓનલાઇન મુકશો એનો જ ઇન્તઝાર રહેશે…

  9. મીના છેડા said,

    January 9, 2007 @ 8:20 AM

    મિત્ર વિવેક,

    તારી પસંદ માણવી ગમી.

  10. લયસ્તરો » આપણી યાદગાર ગઝલો : ૨૧ : સ્મરણને જીવતું રાખે - રઈશ મનીઆર said,

    December 14, 2008 @ 10:18 AM

    […] રઈશભાઈને એમની શ્રેષ્ઠ ગઝલો વિશે પૂછીએ તો એ તબક્કાવાર ‘આખું જીવન અમે ધીરે ધીરે લખ્યું’, ‘સ્પર્શી શકાય ફૂલને ઝાકળ થયા પછી’ અને ‘મને ભાવની હો તલાશ તો પછી ભવ્યતાનું હું શું કરું?‘ એમ ત્રણ ગઝલ પસંદ કરે છે. પણ જ્યારે એમની યાદગાર ગઝલોની વાત નીકળી ત્યારે મને, ધવલને અને ઊર્મિને -અમને ત્રણેયને આ જ ગઝલ ગમી. મરીઝ યાદ આવી જાય એવી સરળ બાનીમાં લખાયેલી આ ગઝલના બધા જ શેર ઉત્તમોત્તમ થયા છે…. […]

  11. Nirlep Bhatt said,

    February 7, 2009 @ 1:35 PM

    This gazal took me into another world..genius creation!

  12. beena said,

    June 14, 2015 @ 5:57 AM

    ગઝલ અને કાવ્યો અંગે ઝાઝી સૂઝ કે સમજ નથી .
    પણ આ ગઝલ ગમી.
    અહીં અભાવો ની વાત નથી
    પાસે જે છે તેનાથી કઈ રીતે છૂટવું એની મથામણ છે

    કવિવર રવિંદ્ર નાથ ટાગોર ની એક કાવ્ય પંક્તિ માં કવી કહે છે

    ” નીકળી એક્લ તૂજ અભિસારે
    મૂજ સાથે સાથે કો ચાલે
    નીરવ ઘન અંધારે,

    વિધ વિધ પેર કરૂં છૂટવાને
    ફરીને જાઉં મથુ ખસવાને
    માનુ ટળી આફત ત્યાં દેખું ઊભો મુજ પછ વાડે.

    એ તો મૂજ કેરો “હું ” સ્વામી
    એણે લાજ કદી નવ જાણી
    એને લઈને હું કયમ આવું પ્રભુજી તારે દ્વારે ”
    ********
    મારી યાદદાસ્ત થી લખું છું.
    અહીં પણ ગઝલમાં ગઝલકાર પૂછે છે
    છે કમાન તારા મહાલયે કે નમ્યા વિના ન પ્રવેશ હો
    હું બહાર ઊભો વિચારતો હવે ઉચ્ચતાનું હું શું કરું ?

    જો તને મળવા માટે વિનમ્રતા એ જરૂરી પ્રી કંડીશન હોય તો આ બધી ઊંચાઈ નું શું કરૂં?

    મારા અંગત જીવનમાં આવી મુંઝવણ મેં અનુભવી છે
    અને
    છોડી દેવા જેવું છોડી શકી છું
    અને
    જ્યાં જવું હતું ત્યાં પ્રવેશ મેળવી શકી છું માટે
    મને આ ગઝલ ગમી

    મને કાવ્ય કે ગઝલ લખતા આવડતું નથી
    પણ સાચા દીલ થી જેને આવા સવાલો થાય છે તેને માર્ગ દર્શન જરૂર આપી શકું

    પણ એ લય સ્તરો નો વિષય નથી
    તમને સમય મળે અને જો મારો સમય થઈ ગયો હોય તો
    એ કમાન નીચે થી દાખલ થતા જરૂર શીખવી શકું:)

    બીના
    અપરાજિતા

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment