અજવાળા અંધારા વચ્ચે
શું જોયું ચમકારા વચ્ચે?
ઇચ્છાઓએ માળો બાંધ્યો
તસ્બીહના બે પારા વચ્ચે!
– શબનમ

વરસવાનું હોય છે – નયન દેસાઈ

આંખોથી લાગ જોઈ ભટકવાનું હોય છે, ટહુકવાનું હોય છે
એકાદ વૃક્ષ થઈને પલળવાનું હોય છે વરસવાનું હોય છે.

ચકલીની પાંખ થઈને આખું ઘર ઊડે અને કલરવ સુંઘે મને
એવા સમયમાં કાવ્ય સરજવાનું હોય છે હરખવાનું હોય છે.

બિલ્લોરી સાંજ શબ્દથી વીંધાય છે કવિતા લખાય છે,
ફૂલોએ મહેંક જેવું પલળવાનું હોય છે પ્રસરવાનું હોય છે.

આ ઈંતજાર આખરે બારી બની ગયો, રસ્તો બની ગયો,
પગરવને શી ખબર કે પહોંચવાનું હોય છે ખખડવાનું હોય છે.

પંદર નવાના કાર્ડ પર આનંદમાં છું હું કુશળ હશો તમે,
શબ્દના છળકપટને સમજવાનું હોય છે વિસરવાનું હોય છે.

ગોપીપરાની ગેટમાં હાજર થઈ ગયો મારું જ ખૂન કરી;
બીજા ‘નયન’થી મારે ભટકવાનું હોય છે ચમકવાનું હોય છે.

– નયન દેસાઈ

પહેલા તો ગઝલને બે વાર વાંચો.  ને પછી ઊંડો શ્વાસ લઈને હોય છે … હોય છે… ના આવર્તનને માણો.  મૂર્ત સાથે અમૂર્ત – રીયલ સાથે સરિયલ – ની કવિએ એવી મઝાની ભેળસેળ કરી છે કે ગઝલના અર્થને બે ‘કોટ’ વધારે ચડે છે એ જુઓ.

(પંદર નવાનું કાર્ડ = પંદર પૈસાનું પોસ્ટકાર્ડ, ગોપીપુરા=સુરતનો વિસ્તાર જ્યાં કવિનું રહે છે)

10 Comments »

  1. jigar joshi 'prem' said,

    February 16, 2011 @ 12:16 AM

    બહુ જ સુઁદર પ્રયોગ છે…..આખી જ રચના સર્વાંગ મમળાવવી ગમે તેવી થઈ છે… વાહ નયનભાઈ વાહ

  2. deepak said,

    February 16, 2011 @ 1:04 AM

    વાહ!! તરતજ ગમી જાય એવી ગઝલ…

    ગઝલનો જે લય છેતે આજે આખો દિવસ મનમા ચાલ્યા રાખશે…. 🙂

    બસ આ રીતે ગઝલ મુકતા રહેવાનુ હોય છે, માણતા રહેવાનુ હોય છે 🙂

  3. Kirtikant Purohit said,

    February 16, 2011 @ 2:20 AM

    સરસ ગઝલ અને ભાવ-અભિવ્યક્તિ.

  4. વિહંગ વ્યાસ said,

    February 16, 2011 @ 4:07 AM

    બહુ સુંદર છે આ.

  5. sapana said,

    February 16, 2011 @ 7:04 AM

    આપણે આપણને સમજવાનુ હોય છે…નયનભાઈની સરસ માણવી ગમે એવી ગઝલ્!
    સપના

  6. pragnaju said,

    February 16, 2011 @ 9:32 AM

    પંદર નવાના કાર્ડ પર આનંદમાં છું હું કુશળ હશો તમે,
    શબ્દના છળકપટને સમજવાનું હોય છે વિસરવાનું હોય છે.

    ગોપીપરાની ગેટમાં હાજર થઈ ગયો મારું જ ખૂન કરી;
    બીજા ‘નયન’થી મારે ભટકવાનું હોય છે ચમકવાનું હોય છે.
    વાહ , ………….. આ તો અમારી અનુભૂતિની વાત
    યાદ આવે,
    છળકપટ થઈ રહ્યું છે
    શબ્દોના પુલ શું થયું ?
    જો શબ્દોના પુલ તુટી ગયા
    ખીણ વધારે ઉંડી થઈ ગઈ

  7. dHRUTI MODI said,

    February 16, 2011 @ 3:01 PM

    ખૂબ સરસ ગઝલ. મક્તા ખૂબ ગમ્યો.

  8. Pancham Shukla said,

    February 17, 2011 @ 12:12 PM

    રીયલ સાથે સરિયલની મઝાની ભેળસેળ. સરસ પ્રયોગશીલ કૃતિ. કવિએ બેવડા દોરે પ્રાસ-અનુપ્રાસ પ્રયોજ્યા છે. જાણીતા છંદના ઉત્તરાર્ધને બેવડાવી અને વચ્ચે યતિનોય લાભ ખાટ્યો હોય એવું લાગે છે. કવિના પઠનમાં આ રચના માણવાની વધુ મઝા આવે.

  9. Pancham Shukla said,

    February 17, 2011 @ 12:15 PM

    બિલ્લોરી સાંજ શબ્દથી વીંધાય છે *-* કવિતા લખાય છે,

    *- * જ્ગ્યાએ ‘અને’ જેવો કોઈ શબ્દ ટાઈપ/પ્રિન્ટમાં ચુકાયો હોય એવુ લાગે છે.

  10. ધવલ said,

    February 17, 2011 @ 9:01 PM

    પંચમ, મેં જોઈ જોયું… કદાચ પ્રિંટીગમાં ભૂલ હશે. વધારે તપાસ કરીને કહીશ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment