અમે રાખમાંથીયે બેઠા થવાના,
જલાવો તમે તોયે જીવી જવાના.
ચલો હાથ સોંપો, ડરો ન લગીરે,
તરી પણ જવાના ને તારી જવાના.
હર્ષ બ્રહ્મભટ્ટ

હકીકત છે – જિગર જોષી ‘પ્રેમ’

હવે આગળ કશે રસ્તો નથી, એ પણ હકીકત છે,
હું પાછો ક્યાંયથી વળતો નથી, એ પણ હકીકત છે.

સતત ફરિયાદ, ઈર્ષાઓ, સખત પીડા ને સીમાઓ,
છતાં આ જિંદગી ધક્કો નથી, એ પણ હકીકત છે.

બધી ડાળે બહારો છે, બગીચાઓય મહેંકે છે,
અને ત્યાં નામનો ટહુકો નથી, એ પણ હકીકત છે.

સમય જ્યારે મળે ત્યારે તને સંભારતો રહુ છું,
સમય ક્યારેય પણ હોતો નથી, એ પણ હકીકત છે.

ભલે એમાંય છે તોફાન, ભરતી, ઓટ, મોજા, ‘પ્રેમ’,
છતાં આ આંખ એ દરિયો નથી, એ પણ હકીકત છે.

–  જિગર જોષી ‘પ્રેમ’

આપણા સુખનાં બાગ-બગીચાઓ ફુલો અને ખુશબોથી હર્યા-ભર્યા હોવા છતાંયે ક્યારેક જિંદગી જીવવા જેવી ન પણ લાગે, પણ તોય જિંદગીનો આ ફેરો માત્ર ધક્કો નથી જ- એવી પ્રતિતી માટે તો પ્રેમનાં ટહુકાની માત્ર થોડી ક્ષણો પણ પૂરતી હોય શકે…

16 Comments »

  1. pragnaju said,

    January 27, 2011 @ 11:36 PM

    ભલે એમાંય છે તોફાન, ભરતી, ઓટ, મોજા, ‘પ્રેમ’,
    છતાં આ આંખ એ દરિયો નથી, એ પણ હકીકત છે.
    સ રસ
    તેમની જ આ વાત…
    ‘આંસુ’ એ ભાવિ આનંદનું તિલિસ્મી તત્વ છે. એક એવી સામાન્ય માન્યતા છે કે સ્ત્રીઓ મન ભરીને રડી લે છે અને પુરુષને રડવામાં પહાડ જેવડો અહમ આડો આવે છે. વિજ્ઞાન પણ આ વાતનો સાથ પુરે છે કે એક હદ સુધી જ આંસુને રોકી શકાય છે. અને એ હદ દરેક જીવ એકવાર તો વટાવી જ દે છે. આંખ એ એવો દરિયો છે જેમાં તોફાન ઉઠવું એ સાહજિક બાબત ગણાવી શકાય. દરિયામાં જેટલું ઉંડાણ છે એટલુ જ ઉંડાણ આંખ પણ ધરાવે છે, અને એ પણ દરિયા જેવી જ એક નોખી સૃષ્ટિની વારસદાર છે. આંખ એ વ્યક્તિત્વને છતું કરતું દરપણ છે. ને આ દરપણમાં સચવાઇને જિવન પર્યંત એક આખું વિશ્વ પડ્યુ રહે છે.

  2. Kirtikant Purohit said,

    January 28, 2011 @ 12:14 AM

    જિગર ખોૂબ જ પ્રોમીસીઁગ ગઝલકાર છે અને નેીચેનો શેર લજવબ મને લાગ્યો છે.

    અન્ય શેર પણ સારા.

  3. Kirtikant Purohit said,

    January 28, 2011 @ 12:15 AM

    બધી ડાળે બહારો છે, બગીચાઓય મહેંકે છે,
    અને ત્યાં નામનો ટહુકો નથી, એ પણ હકીકત છે.

  4. Jiny said,

    January 28, 2011 @ 1:08 AM

    જીગરભાઈ,
    ખુબજ સરસ રિતે આપે લાગણીઓ વણી લિધી…
    તમારી કવિતા — કવિતા નહી પણ જિન્દગી છે.. એ પણ હકીકત છે…

  5. Satish Dholakia said,

    January 28, 2011 @ 1:30 AM

    સુન્દર રચના !

  6. વિવેક said,

    January 28, 2011 @ 2:05 AM

    સુંદર ગઝલ…

    મત્લાના શેરમાં કાફિયાનો આધાર ‘તો’ સ્થાપિત થયા પછી બાકીના શેરમાં ‘ઓ’કારાન્ત કાફિયા વાપર્યા ન હોત તો ગઝલ સોનામાં સુગંધ થાત..

  7. વિહંગ વ્યાસ said,

    January 28, 2011 @ 4:37 AM

    સુંદર ગઝલ જિગરભાઇ, અભિનંદન.

  8. deepak said,

    January 28, 2011 @ 4:47 AM

    ખુબજ સુંદર ગઝલ…

    આમ તો મને બધાજ શેર ગમ્યા , પણ આ શેર થોડો વધારે ગમ્યો…

    ભલે એમાંય છે તોફાન, ભરતી, ઓટ, મોજા, ‘પ્રેમ’,
    છતાં આ આંખ એ દરિયો નથી, એ પણ હકીકત છે.

  9. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

    January 28, 2011 @ 11:05 AM

    ‘જિગર’ જોઈએ ‘પ્રેમ’ કરવા.
    પછી જે લખાય એ હંધુય હાવ હાચુ હોય એ પણ હકીકત છે..

  10. bharat vinzuda said,

    January 29, 2011 @ 2:18 PM

    એ પણ હકીકત છે, રદીફને સુંદર રીતે નિભાવવા બદલ

    અભિનંદન…..

  11. jigar joshi 'prem' said,

    January 30, 2011 @ 9:06 AM

    આપ સર્વેનો આભાર

  12. sonali said,

    February 3, 2011 @ 1:23 PM

    ભલે એમાંય છે તોફાન, ભરતી, ઓટ, મોજા, ‘પ્રેમ’,
    છતાં આ આંખ એ દરિયો નથી, એ પણ હકીકત છે.

    મસ્ત લખ્યુ છે

  13. Milind Gadhavi said,

    February 4, 2011 @ 9:33 AM

    ગુજરાતી ગઝલની નવી પેઢી કેટલી નિસ્બતપૂર્વક કામ કરી રહી છે એનું ઉદાહરણ આપતી ગઝલ છે..
    વિવેકભાઇ, શાસ્ત્રનો કવિતાને ભાર લાગે એ હદે એને અનુસરવું જરૂરી નથી.. કાફીયાની છૂટથી આ ગઝલમાં કોઇ સુગંધની ખામી રહી જતી હોય એવું મને નથી લાગતું..

  14. dr.ketan karia said,

    November 17, 2011 @ 2:45 AM

    “કાફીયાની છૂટથી આ ગઝલમાં કોઇ સુગંધની ખામી રહી જતી હોય એવું મને નથી લાગતું”….મિલિન્દ સાથે સહમત…
    બલ્કિ હું એમ કહીશ કે છૂટ લેવી તો આવી કે જેમાં સહજતા તૂટે નહીં.
    વિવેકભાઈએ ધ્યાન દોર્યુ તે પણ જરૂરી ગણાય..તેનાંથી સરવાળે કવિનો જ વિકાસ થાય.
    મારાં માટે આ ગઝલ one of the all time favourites.

  15. વિવેક said,

    November 17, 2011 @ 9:24 AM

    @ મિલિન્દ ગઢવી, ડૉ. કેતન કારિયા:

    વિવેકભાઇ, શાસ્ત્રનો કવિતાને ભાર લાગે એ હદે એને અનુસરવું જરૂરી નથી.. કાફીયાની છૂટથી આ ગઝલમાં કોઇ સુગંધની ખામી રહી જતી હોય એવું મને નથી લાગતું..

    – સહમત ! ગઝલની સુગંધ કબૂલ… પણ સાથે એ પણ કહીશ કે આ નજીવો દોષ ન હોત તો આ સુગંધ સોનામાં ભળત… હું પણ જડપણે શાસ્ત્રને વળગી રહેવામાં માનતો નથી અને મારી પોતાની ઘણીબધી ગઝલોમાં આ પ્રકારની ભૂલો કરી જ ચૂક્યો છું. છતાં પણ હું નમ્રપણે તોય દૃઢતાપૂર્વક માનું છું કે ગતિ હંમેશા પરિપૂર્ણતા તરફની અને શ્રેષ્ઠમાંથી શ્રેષ્ઠતમ તરફની જ હોવી જોઈએ…

    ઉચ્ચ કોટિએ બિરાજમાન પાયાના ગુજરાતી ગઝલકારોએ નિયમોની જે ધોલાઈ કરી છે એટલી ઉર્દૂ-હિન્દીમાં કોઈ કરી બતાવે તો !

  16. dr.ketan karia said,

    November 18, 2011 @ 7:48 AM

    મેં એથી જ તો આમ પણ કહ્યું,” વિવેકભાઈએ ધ્યાન દોર્યુ તે પણ જરૂરી ગણાય..તેનાંથી સરવાળે કવિનો જ વિકાસ થાય”

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment