જિંદગીને મોતનો જો ભેદ ના રાખો તમે,
જેના ખાલી હાથ છે એ સૌ સિકંદર લાગશે !
બેફામ

અર્ધસત્ય – દિલીપ ચિત્રે (અનુ. ધવલ શાહ)

ચક્રવ્યૂહમાં ઘૂસતા પહેલા
હું કોણ હતો કે કેવો હતો
એ કાંઈ મને યાદ નહીં રહે.

ચક્રવ્યૂહમાં ઘૂસ્યા બાદ
મારા અને ચક્રવ્યૂહની વચ્ચે
હતી માત્ર જીવલેણ નિકટતા
એ મને સમજાયું જ નહીં.

ચક્રવ્યૂહમાંથી નીકળીને
સ્વતંત્ર થઈ જાઉં તો ય
ચક્રવ્યૂહનો તો કાંગરો ય ખરવાનો નથી.

મરુ કે મારુ,
ખતમ થઈ જાઉં કે ખતમ કરી નાખું.
અશક્ય છે આ નિર્ણય.

સૂતેલો માણસ
ઊઠીને એક વાર ચાલવા માંડે,
પછી એ કદી સપનાના પ્રદેશમાં
પાછો નથી ફરી શકતો.

ચુકાદાના તેજ તળે
બધુ એકસરખું જ થઈ જશે ?
એક પલ્લામાં નપુંસકતા,
અને બીજામાં પૌરુષ,
અને વચ્ચોવચ ત્રાજવાની દાંડીની બરાબર ઉપર –
અર્ધસત્ય.

– દિલીપ ચિત્રે
( અનુ. ધવલ શાહ)

દિલીપ ચિત્રે એક બહુવિધ પ્રતિભા હતા. કથાકાર, ચિત્રકાર, દિગ્દર્શક, અનુવાદક એ બધુ ય ખરા પણ કવિતા એમનો પહેલો પ્રેમ. આજે એક પરથી બીજી કવિતા શોધતા એમની આ કવિતા હાથ લાગી ગઈ, જાણે અનુભવોની એક આખી પંગત સામટી બેસી ગઈ.

દિલીપ ચિત્રેએ આ કવિતા ‘અર્ધસત્ય’ ફિલ્મ માટે લખેલી. ‘અર્ધસત્ય’ ફિલ્મનો નાયક, અનંત વેલણકર, ફીલ્મમાં આ કવિતા વાંચે છે. પહેલી વાર તો સમજ નહોતી પડી પણ બીજી-ત્રીજી વારમાં જ્યારે સમજાઈ ત્યારે આ કવિતા વીજળીની જેમ પડેલી. એક આખી પેઢી માટે આ ફિલ્મ ભ્રષ્ટાચારના કલંક અને ઈમાનદાર લોકોની હતાશાનું પ્રતિક બની ગયેલી. વેવલી ગણાતી ‘આર્ટ ફિલ્મ’ જોવા લોકો લાઈન લગાડતા આ ફિલ્મ પછી થયેલા.

પહેલા આપણે જ એક અડધા સત્યને ત્રાજવાની દાંડી પર બેસાડીએ છીએ. અને પછી આપણે જ ફરિયાદ કરે રાખીએ છીએ કે નપુંસકતા અને પૌરુષમાં કોઈ ફરક નથી રહ્યો. ભ્રષ્ટાચારનો આખો ચક્રવ્યૂહ તોડવો હોય પહેલા અર્ધસત્યનો નાશ કરીને સત્યને ઉપર બેસાડવું પડે. પણ અર્ધસત્યને મહાત કરવાની આપણી ત્રેવડ નથી. ફિલ્મના અંતમાં અંનત વેલણકર તો ‘સર, મૈંને રામાશેટ્ટી કો માર દિયા’ બોલીને પોતાનું પૌરુષ પાછું મેળવી લે છે, પણ સાથેસાથે, આપણા કપાળ પર નપુંસકનું લેબલ મોટા અક્ષરે લગાડતો જાય છે. ક્રાંતિની જ્વાળા કદી બજારમાં વેચાતી નથી મળતી, એને માટે તો માણસે પોતે જ સળગીને મશાલ થવું પડે છે.

( હિંદી કવિતા)

9 Comments »

  1. pragnaju said,

    January 18, 2011 @ 11:59 PM

    ચુકાદાના તેજ તળે
    બધુ એકસરખું જ થઈ જશે ?
    એક પલ્લામાં નપુંસકતા,
    અને બીજામાં પૌરુષ,
    અને વચ્ચોવચ ત્રાજવાની દાંડીની બરાબર ઉપર –
    અર્ધસત્ય.
    અ દ ભૂ ત
    ન્યાય, નીયમ સત્યાંશ છે
    સત્ય એટલું વિશાળ છે કે તેનો કોઈ પાર પામી શકે નહિ. વળી સત્ય સર્વગ્રાહી છે. તેનામાં સર્વ વિરોધો સમાઈ જાય છે. આપણે સત્યની એક બાજુને જોઈએ છીએ અને તેને પકડીને બેસી ગયા છીએ માટે આ બધા ઝગડા છે. ભલે આપણે આપણી વાત માનીએ પણ સૌ આપણી વાતને માને અને સ્વીકારે એવો આગ્રહ શાના માટે ? આગ્રહ એ પણ હિંસાનો એક પ્રકાર છે. આ વાત જો આપણે મહાપર્વને દિવસે પણ નહિ સમજીએ તો ક્યારે સમજીશું ? અને જો આમ જ ઝગડવાનું હોય તો જગતને દોરવાનો-માર્ગ બતાવવાનો આપણે દાવો કેમ કરી શકીશું ? બ્રુનો સત્યવાદી હતો. માટે ધર્મનેતાઓને ગમ્યો ન હોતો. એને મારી નાખવાની સજા ફરમાવી હતી, પણ સજા વીશે સુચના આપી: ‘ શક્ય એટલી દયાથી, અને રક્તનું એક પણ ટીપું પાડ્યા વીના!’

    બ્રુનોને જીવતો સળગાવી દેવામાં આવ્યો …

  2. વિવેક said,

    January 19, 2011 @ 12:30 AM

    સુંદર કવિતા…. પણ મને તો આ વધુ કાવ્યાત્મક લાગ્યું: “ક્રાંતિની જ્વાળા કદી બજારમાં વેચાતી નથી મળતી, એને માટે તો માણસે પોતે જ સળગીને મશાલ થવું પડે છે.”

  3. dHRUTI MODI said,

    January 19, 2011 @ 3:54 PM

    ખૂબ જ સુંદર કવિતા.

  4. rajnikant shah said,

    January 19, 2011 @ 8:05 PM

    મને તો આ વધુ કાવ્યાત્મક લાગ્યું: “ક્રાંતિની જ્વાળા કદી બજારમાં વેચાતી નથી મળતી, એને માટે તો માણસે પોતે જ સળગીને મશાલ થવું પડે છે.”

  5. tirthesh said,

    January 20, 2011 @ 2:04 AM

    ‘કાલ’ નામના પિક્ચરમાં અજય દેવગણ એક-બે કવિતાઓ બોલે છે-તે પણ ઉત્તમ કવિતાઓ છે. હિન્દી પિક્ચર સારી કવિતોને લોકો સુધી પહોચાડવાનું એક મજબૂત માધ્યમ બની શકે તેમ છે. હાલમાં જ આવેલા ‘ઉડાન’ નામના પિક્ચરમાં પણ સુંદર કવિતાઓ છે.

  6. અલકેશ પટેલ said,

    January 20, 2011 @ 6:47 AM

    ધવલભાઈ, આવા સુંદર ભાષાંતર માટે ખૂબખૂબ અભિનંદન. ભાષાંતર આવું સરસ ન થયું હોત તો કદાચ કવિતાની અસરકારક્તા ખોરવાઈ જાત…. ફરી એક વખત અભિનંદન…

  7. Pushpakant Talati said,

    January 24, 2011 @ 8:15 AM

    મને ગમતી નીચેની પંક્તિઓ તેમજ લેખન હું અહીં REPEAT કરું છું

    ચુકાદાના તેજ તળે બધુ એકસરખું જ થઈ જશે ?
    એક પલ્લામાં નપુંસકતા, અને બીજામાં પૌરુષ,
    અને વચ્ચોવચ ત્રાજવાની દાંડીની બરાબર ઉપર – અર્ધસત્ય.
    ***********
    ક્રાંતિની જ્વાળા કદી બજારમાં વેચાતી નથી મળતી,
    એને માટે તો માણસે પોતે જ સળગીને મશાલ થવું પડે છે.

    ( અસલ હીંન્દી કવિતા – જેનો આ અનુવાદ છે તે પણ આપી હોત તો વધુ જામત તેવું મારું માનવું છે. )

    એકન્દરે સરસ સીલેક્શન – અને સુન્દરઆ TRANSLATION તેમજ આલેખન પણ. – અભિનંદન તથા આભાર.

  8. ઊર્મિ said,

    April 6, 2012 @ 12:24 AM

    વિવેકની વાત સાથે સંપૂર્ણ સહમતિ. અછાંદસમાં છેલ્લું વાક્ય જબરદસ્ત ચોટ કરે છે તો ધવલનાં આસ્વાદનું છેલ્લું વાક્ય પણ જબરદસ્ત કવિતા કરે છે…

  9. suresh shah said,

    February 5, 2019 @ 12:48 AM

    વાહ – સિવાય બીજું કાંઈ નહિ.

    સાભાર,

    સુરેશ શાહ, સિંગાપોર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment