આજ ભલેને તારી હોડી
મજલ કાપતી થોડી થોડી,
યત્ન હશે તો વહેલી મોડી,
એ જ ઊતરશે પાર,
ખલાસી! માર હલેસાં માર.
ગની દહીંવાલા

અંગત અંગત : ૦૯ : વાચકોની કલમે – ૦૫

ક્યારેક કોઈ કવિતા  મનુષ્યની અંદરના કવિને જાગૃત કરે છે તો ક્યારેક કોઈ વેબસાઇટ પણ.. લયસ્તરો અને ફેસબુકના કારણે કવિતાની કેડી પર પગલાં પાડવાની શરૂઆત કરનાર નરેશ ડૉડીયા શું કહે છે એ આજે જોઈએ:

*

લાલાશ આખા ઘરની હવામાં ભરી જઇશ
ગુલમ્હોર મારી લાગણીનો પાથરી જઇશ.

ઊડતાં ફૂલોની કલ્પનાને સાચી પાડવા
આપી મહક પતંગિયાંને હું ખરી જઇશ.

આખું ય વન મહેકતું રહેશે પછી સદા
વૃક્ષોના થડમાં નામ લીલું કોતરી જઇશ.

હું તો છું પીછું કાળના પંખીની પાંખનું
સ્પર્શું છું આજ આભને, કાલે ખરી જઇશ.

મારો અભાવ મોરની માફક ટહુકશે
ઘેરાશે વાદળો અને હું સાંભરી જઇશ.

– મનોજ ખંડેરિયા

લગભગ દોઢ વર્ષ થયાં હું ફેસબૂકમાં જોડાયો. ત્યાર બાદ ગઝલોની અવનવી વેબસાઇટ સાથે મિલાપ થતો રહ્યો.. ફેસબુકમાં ગુજરાતનાં નામી કવિઓ સાથે જોડાતો ગયો.  આમ તો સાહિત્ય સાથે અમારે બાપેમાર્યા વેર કહેવાય કારણ કે અમારો લોંખડનો વેપાર અને અભ્યાસ પણ બહુ ન કહી શકાય… ફેસબુકમાં બધાને લખતાં જોઈ માંહ્યનો સાહિત્યરસિક જીવ સળવળી ઉઠયો અને પછી વિવેકભાઈના કારણે લયસ્તરોનો મેળાપ થયો… પછી તો ‘મોસાળે જમણવાર અને મા પીરસે’ જેવો ઘાટ થયો…. લયસ્તરોમાં નામી કવિઓની રચના વાંચી વાંચીને ધીરે ધીરે લખતા શીખ્યો. જિંદગીમાં કદી રદીફ, કાફિયા, છંદ, આછાંદસ, મક્તા, મત્લા- એવાશબ્દો સાંભળ્યા ન્હોતા. ખરેખર મારી લેખિનીને લયમાં લાવવા માટે લયસ્તરોનો જેટલો આભાર માનું એટલો ઓછો છે.

લયસ્તરોને છ વર્ષ પુરા થયા એનાં માટે હાર્દિક શૂભેચ્છાઓ, દિલ સે…!! અમારી આવનારી સાત પેઢી પણ લયસ્તરો સાથે સકળાયેલી રહેશે એવી આશા સાથે જય જય ગુર્જરી….. જય જય ગુજરાતી…

આ સાથે મારી મનગમતી અને મારા મનગમતા કવિ શ્રી મનોજભાઇની ખંડેરિયાની રચના મોક્લુ છું, જેં વાંચીને મનોજભાઇને શબ્દદેહે મારી આસપાસ ભાળુ છું.

– નરેશ કે. ડૉડીયા

9 Comments »

  1. Bharat Patel said,

    December 13, 2010 @ 2:00 AM

    હ્રદ્દય સ્પર્શિ

  2. Pushpakant Talati said,

    December 13, 2010 @ 6:20 AM

    વાહ !!! !! ! . શું ખુમારી છે ! !! !!!

    ” મારો અભાવ મોરની માફક ટહુકશે
    ઘેરાશે વાદળો અને હું સાંભરી જઇશ.”

    ગઝબ ભાઈ ગઝબ ! !! !!!

  3. pragnaju said,

    December 13, 2010 @ 8:21 AM

    ‘જેં વાંચીને મનોજભાઇને શબ્દદેહે મારી આસપાસ ભાળુ છું.’
    નરેશભાઇએ આપણા સૌની લાગણીની વાત કહી !
    ધન્યવાદ
    મારો અભાવ મોરની માફક ટહુકશે
    ઘેરાશે વાદળો અને હું સાંભરી જઇશ.
    …એમનો અભાવ ગુજરાતી સાહીત્ય રસિકો ને સાલશે
    હું તો છું પીછું કાળના પંખીની પાંખનું,
    સ્પર્શું છું આજ આભને, કાલે ખરી જઇશ.
    વાસ્તવિકતાની અદ્ભૂત અભિવ્યક્તી

  4. urvashi parekh said,

    December 13, 2010 @ 9:12 AM

    સરસ.
    મારો અભાવ મોરની માફક ટહુકશે,
    ઘેરાશે વાદળો અને હુ સામ્ભરી જઈશ.
    મારી મનગમતી પંક્તીઓ.

  5. dHRUTI MODI said,

    December 13, 2010 @ 9:21 AM

    છેલ્લ શે’ર ખરેખર દિલને અસર કર્ી ગયો.

    મારો અભાવ મોરની માફ્ક ટહુકશે
    ઘેરાશે વાદળો અને હું સાંભરી જઈશ.
    આખી ગઝલ ખૂબ જ સુંદર છે.
    સ્વ. મનોજ સાહેબને સલામ. નરેશભાઈને અભિનંદન.

  6. Bharat Trivedi said,

    December 13, 2010 @ 9:32 PM

    મારો અભાવ મોરની માફક ટહુકશે
    ઘેરાશે વાદળો અને હું સાંભરી જઇશ.

    ખૂબ સાચી વાત મનોજભાઈ.

  7. sapana said,

    December 13, 2010 @ 11:34 PM

    મારો અભાવ મોરની માફક ટહુકશે
    ઘેરાશે વાદળો અને હું સાંભરી જઇશ.!!

    મુજકો ભૂલાના ઇતના આસાન નહીં
    આંગનમે ફૂલ ખીલેગા મૈ યાદઆવુગા..
    સપના

  8. nirlep - doha/jamnagar said,

    December 13, 2010 @ 11:59 PM

    enjoying always, your quality collection & regular updates on facebook…good to know about you.

  9. naresh k.dodia said,

    December 14, 2010 @ 9:47 AM

    લોક કહે ફકત પાંચ શેરમાં આખી ગઝલ લખાય જાય છે
    ભીતરના બ્રહ્માસ્ત્રોથી હ્રદય છેદાય ત્યારે ગઝલ લખાય જાય છે

    (નરેશ કે.ડૉડીયા)

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment