ઉઘાડાં દ્વાર છોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ;
જગતથી મુખ મરોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ.
-ભગવતીકુમાર શર્મા

અંગત અંગત : ૦૭ : વાચકોની કલમે – ૦૩

સુનિલ શાહને એમની કવિતાઓ- કવિતાનો ક-થી નેટ જગતમાં બધા ઓળખે છે. એક જ કવિતા ક્યારેક જીવનમાં અણધાર્યો વળાંક આણી શકે છે… બાળપણમાં ગમી ગયેલી એકાદ કવિતામાંથી કે કવિનું સર્જન પણ થઈ શકે છે.. આજે માણીએ સુરતના સુનિલ શાહની વાતો…

*

નાની મારી આંખ, એ જોતી કાંક કાંક
.                 એ તો કેવી અજબ જેવી વાત છે!

નાક મારું નાનું એ સુંઘે ફૂલ મઝાનું
.                 એ તો કેવી અજબ જેવી વાત છે!

નાના મારા કાન, એ સાંભળે દઈને ધ્યાન
.               એ તો કેવી અજબ જેવી વાત છે !

નાના મારા હાથ, એ તાળી પાડે સાથ
.               એ તો કેવી અજબ જેવી વાત છે !

આંગળી મારી લપટી, એથી વગાડું ચપટી
.               એ તો કેવી અજબ જેવી વાત છે !

પગ મારા નાના, એ ચાલે છાનામાના,
.              એ તો કેવી અજબ જેવી વાત છે !

– ઉપેન્દ્રાચાર્ય

વાત..કવિતામાં સૌ પ્રથમ રસ ક્યારે પડ્યોની કરવી હોય તો પહેલા કે બીજા ધોરણમાં અને તે પછી અનેકવાર સાંભળેલ બાળગીતે મને કવિતામાં રસ જગાડેલો. કવિશ્રી ઉપેન્દ્રાચાર્યનું એ બાળગીત કે જેમાં બાળકના મનમાં છલકાતા વિસ્મયના ભાવોનું અદભૂત નિરૂપણ થયેલું છે. આ બાળગીત શાળામાં લયબદ્ધ રીતે ગવડાવાતું..તેને ગાવાની, ગણગણવાની આજેય મઝા પડે છે. શાળા કે કોલેજ કક્ષાએ તો વળી વિજ્ઞાનમય બની ગયેલો, તેથી સાહિત્ય સાથે ઝાઝો નાતો નહી, પણ અર્થસભર હિન્દી ગીતો–ગઝલો સાંભળવી ગમતી. એમ અનાયાસે મારો કવિતા પરત્વે નાતો બંધાતો ગયો. ૧૯૮૫માં સુરત સ્થાયી થયો, ૧૯૯૫ આસપાસથી કવિ સંમેલનો, મુશાયરાઓમાં શ્રોતા તરીકે સુરતના કવિઓને માણતો ગયો અને મારો ગઝલ પરત્વે નાતો બંધાતો ગયો. મને ગઝલમાં રસ લેતો કરવામાં સુરતી કવિઓનો ન ભૂલી શકાય તેવો ફાળો રહ્યો છે. મને ગમતી ગઝલો તો અનેક છે.. પરંતું મને સૌથી વધુ ગમતું ગીત…..મને વિશ્વાસ છે, એ તમને પણ ગમતું જ હશે…!

8 Comments »

  1. ડૉ.મહેશ રાવલ said,

    December 11, 2010 @ 3:07 AM

    બાળમાનસના માધ્યમે બાળસહજ અભિવ્યક્તિ સુંદર થઈ છે……સરસ રચના.
    ફરીથી બાળક થઈજવાનું મન થાય એવી…..!
    કવિતાને અનુરૂપ વાતો પણ મમળાવવા જેવી રહી.

  2. Pushpakant Talati said,

    December 11, 2010 @ 5:46 AM

    ફરીથી બચપણ યાદ આવી ગયું . મેં તો ઠીક પણ લગભગ દરેકે દરેક ગજરાતી એ આ ગીત ચોક્કસ સાંભળ્યું હશે તેટજું જ નહીં પણ આ ગીત નાનપણમાં ગાયું અને માણ્યું પણ હશેજ . ખરેખર ઉત્તમ પ્રકારનું આ કાવ્ય છે. કદાચ બાળકાવ્યોમાં આ કાવ્યને શીરોમણી સમાન લખું તો પણ યથા-યોગ્ય જ ગણાશે – ખરું ને ?

    સરસ અને આલ્હાદક રચના ની પ્રસ્તુતી માટે આભાર.

  3. ધવલ said,

    December 11, 2010 @ 6:56 AM

    આશ્ચર્યનો અનુભવ એ બધી કેળવણીનો પાયો છે… આ કવિતા આશ્ચર્યના ચમત્કારનો સાક્ષાતકાર છે.

  4. pragnaju said,

    December 11, 2010 @ 8:12 AM

    ‘ક’વાળા કવિનો ફૉટો મને બાળક જેવો ભાસે છે.વિચારના વમળ ઉભા કરે તેવી ગઝલો વાંચીએ ત્યારે અજબ જેવી વાત લાગે! ત્યાં આ ગીત ! બાળકોને સહેલા ,સહજ અને સરળ ગીત,પોતે ભજવીને ગવડાવતા રમાડવાનો આનંદ ઉપેન્દ્ર ભગવાનના આ ગીતમા વધુ આવે છે.હવે કોલેજમા જતો અમારો પૌત્ર પણ આ ગીતને યાદ કરે!

    સંતો કહે છે તે પ્રમાણે પ્રપંચ છોડવા બાળક જેવા થઈ જાવ! તેનો અણસાર થાય ત્યારે વિસ્મયની સ્થિતીમા આનંદનો અનુભવ થાય છે .અમને તો બાળકની આંખમાં થી છલકાતું વિસ્મય એ ઈશ્વરનાં શાક્ષાતકાર જેવું લાગે છે.

    “અજબ જેવી વાત” જેવું વિસ્મય આપણાં સૌમાં ધબકતું રહેવું જોઈએ.

  5. Girish Parikh said,

    December 11, 2010 @ 11:29 AM

    મારી બેઉ આંખ, એ વાંચે કાંક કાંક …

    આ બાળકાવ્યનો આનંદ કોઈ પણ ઉંમરે લઈ શકાય.
    આ બાળકાવ્ય અમર છે, પણ આપણા બીજા કેટલાક મહાન બાળકાવ્ય-સર્જકો છે ત્રિભુવન વ્યાસ, દલપતરામ, પૂજાલાલ, સુંદરમ, સ્નેહરશ્મિ, સોમાભાઈ ભાવસાર, મકરંદ દવે, સુરેશ દલાલ, વગેરે.

    ‘આપણાં ૧૦૦ શ્રેષ્ઠ બાળકાવ્યો’ નામના પુસ્તકનું સંપાદન અને બહુરંગી આકર્ષક ચિત્રો સાથે પ્રકાશન થવું જોઈએ.

    –ગિરીશ પરીખ

  6. dHRUTI MODI said,

    December 11, 2010 @ 3:41 PM

    બાળપણ યાદ આવી ગયું.

  7. mahesh dalal said,

    December 11, 2010 @ 8:22 PM

    જિ હા બાળ પ્ણ યાદ … આવ્યુ..

  8. Taha Mansuri said,

    December 11, 2010 @ 10:16 PM

    આજે રડી પડાયું યાદ કરી એ નિર્દોષતાને,
    હાથમાં પહેલા ધોરણની ચોપડી આવી ગઈ.

    – આત્મન પંડ્યા

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment