જાત તોડી ધનુષ્યને બદલે
એ કથા આપણા સ્વયંવરની.
ઉર્વીશ વસાવડા

શબ્દોત્સવ – ૩: સૉનેટ: જૂનું ઘર ખાલી કરતાં – બાલમુકુન્દ દવે

ફંફોસ્યું સૌ ફરીફરી અને હાથ લાગ્યુંય ખાસ્સું :
જૂનું ઝાડુ, ટૂથ-બ્રશ, વળી લક્સ સાબુની ગોટી,
બોખી શીશી, ટિનનું ડબલું, બાલદી કૂખકાણી,
તૂટ્યાં ચશ્માં, ક્લિપ, બટન ને ટાંકણી સોય-દોરો !
લીધું દ્વારે નિત લટકતું નામનું પાટિયું,જે
મૂકી ઊંધુ, સુપરત કરી, લારી કીધી વિદાય.

ઊભાં છેલ્લી નજર ભરીને જોઈ લેવા જ ભૂમિ,
જ્યાં વિતાવ્યો પ્રથમ દસકો મુગ્ધ દામ્પત્ય કેરો;
જ્યાં દેવોના પરમ વર-શો પુત્ર પામ્યાં પનોતો
ને જ્યાંથી રે કઠણ હૃદયે અગ્નિને અંક સોંપ્યો !
કોલેથી જે નીકળી સહસા ઊઠતો બોલી જાણે:
‘બા-બાપુ ! ના કશુંય ભૂલિયાં, એક ભૂલ્યાં મને કે ?’
ખૂંચી તીણી સજલ દૃગમાં કાચ કેરી કણિકા ! દૃગ=આંખ
ઉપડેલાં ડગ ઉપર શા લોહ કેરા મણીકા !

– બાલમુકુન્દ દવે

બાલમુકુન્દ મણિશંકર દવે (જન્મ: 07-03-1916-મસ્તુપુરા, મૃત્યુ:28-02-1993,અમદાવાદ) એમના સ્વચ્છ અને સુરેખ અભિવ્યક્તિવાળાં છંદોબદ્ધ કાવ્યો તથા લયહિલ્લોલથી આકર્ષતાં, પ્રાચીન લોકગીતો અને ભજનોના ઢાળોવાળાં ગીતોથી આપણી ભાષાનો આગવો ટહુકો બની શક્યા છે. સરળતા, મધુરતા અને હૃદયસ્પર્શિતા એ એમની કવિતાની વિશેષતા.

ઘર બદલવાના સાવ સાદા ભાસતા પ્રસંગની અહીં વાત છે. કૂખેથી કાણી ડોલ, ઢાંકણ વગરની બોખી શીશી, તૂટેલાં ચશ્માં અને આવો ઘણો બધો સામાન મધ્યમવર્ગના માનવીનું એક ચિત્ર વાચકના મનોજગતમાં દોરી રહે ત્યાંથી કવિતા આગળ વધે છે. હળવી શૈલીમાં વર્ણવાયેલ આ અસબાબ છેતરામણો છે એની ત્વરિત પ્રતીતિ થાય છે પતિ-પત્ની સાથે મળીને છેલ્લી નજર નાંખે છે ત્યારે. અરે! આ તો એ જ ઘર, જ્યાં દામ્પત્યનો પહેલો મુગ્ધ દાયકો વિતાવ્યો હતો! અહીં જ તો ઈશ્વરકૃપા સમો પુત્ર મળ્યો! પણ એ સુખ ક્યાં કવિના નસીબમાં હતું જ? આ જ ઘરમાંથી એ પુત્રને ચિતા સુધી લઈ જવો પડ્યો હતો…. કાવ્યના પ્રારંભમાં સાવ તુચ્છમાં તુચ્છ ભાસતી તમામ તૂટેલી-ફૂટેલી વસ્તુને કમ-સે-કમ ગમે ત્યારે ગમે ત્યાં સાથે તો લઈ જવાતી હતી ને! મહામૂલા પુત્રરત્નને તો અહીં જ મૂકી જવાનો હતો ને! મૃત પુત્રનું બાળપણ જે આ ઘરના ખૂણે-ખૂણે કેદ છે એની યાદ લાગણીને સઘન બનાવી કાવ્યને વેધક ચોટ આપે છે. વાસ્તવચિત્રણ દ્વારા ઉત્કટ કરુણ તરફની ગતિ કાવ્યમાં ચમત્કારિક રીતે સિદ્ધ થઈ છે.

કાવ્યસંગ્રહ: ‘પરિક્રમા’., ‘કુંતલ’. બાળકાવ્યસંગ્રહ: ‘સોનચંપો’, ‘ઝરમરિયાં’, ‘અલ્લક દલ્લક’.

6 Comments »

  1. ninad adhyaru said,

    April 17, 2007 @ 10:11 AM

    સોનેટ વાચિને આખ ઝળહળ ન થાય તોજ નવાઇ !

  2. લયસ્તરો » જવું હતું ગામ - ચંદ્રિકાબહેન પાઠકજી said,

    November 23, 2007 @ 1:04 AM

    […] ચંદ્રિકાબહેનનું આ કાવ્ય વાંચતા જ શ્રી બાલમુકુન્દ દવેનું ‘જૂનું ઘર ખાલી કરતાં‘ સૉનેટ યાદ આવી જાય છે. કંઈક અંશે એના જેવો જ મિજાજ ધરાવતા છતાં કદમાં ખાસ્સા નાના અને શબ્દોમાં સાવ સરળ આ કાવ્યમાં કયા ગામ જવાની અને કઈ ઓરડી ખાલી કરવાની વાત છે? (જન્મ: ૨૬-૦૭-૧૯૧૦, મૃત્યુ:૨૦-૦૫-૧૯૯૬, કાવ્યસંગ્રહ: ‘રાતરાણી’) […]

  3. R said,

    November 18, 2013 @ 4:02 AM

    આ છંદ મંદાક્રાન્તા છે. હવેથી કાવ્યો પર છંદનું નામ લખશો તો ગમશે.

  4. Amit Langalia said,

    July 15, 2020 @ 2:56 PM

    અભ્યાસ માં ગુજરાતી પાઠ્ય પુસ્તક માં આ સોનેટ આવતું ત્યારે પણ પ્રથમ સમયે આ વાંચી ને આખો ના ખૂણા ભીંજાયેલા..ખૂબ ઓછી પંક્તિઓ માં પણ આખી ઘટના ક્રમ અને નિર્જીવ વસ્તુઓ સાથે જોડાયેલી લાગણીઓ કેટલી હોય છે એ વરણન બહુ સચોટ રીતે અહીં થયું છે..
    લયસ્તરો દ્વારા મને ફરી આ વાંચવા મળી શક્યું..આભાર..

  5. Vidhi said,

    September 30, 2020 @ 5:16 AM

    કાવ્ય નો આસ્વાદ એટલે શું?

  6. વિવેક said,

    October 1, 2020 @ 1:20 AM

    @ વિધીઃ
    આપે આવો જ સવાલ ટહુકો.કોમ પર પણ પૂછ્યો છે.
    વિગતે સમજાવશો?

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment