ના કદી એથી વધુ પામી શક્યા
પામવાની ધારણા કેવળ હતી.
– રમેશ ઠક્કર

અંગત અંગત : ૦૫ : વાચકોની કલમે – ૦૧

‘લયસ્તરો’ની છઠ્ઠી વર્ષગાંઠની ઉજવણીમાં આજથી વાચક-મિત્રો જોડાશે… આપ પણ આપની અનુભૂતિ અમને ઇ-મેલ કરી શકો છો.

*

ફંફોસ્યું સૌ ફરીફરી અને હાથ લાગ્યુંય ખાસ્સું :
જૂનું ઝાડુ, ટૂથ-બ્રશ, વળી લક્સ સાબુની ગોટી,
બોખી શીશી, ટિનનું ડબલું, બાલદી કૂખકાણી,
તૂટ્યાં ચશ્માં, ક્લિપ, બટન ને ટાંકણી સોય-દોરો !
લીધું દ્વારે નિત લટકતું નામનું પાટિયું,જે
મૂકી ઊંધુ, સુપરત કરી, લારી કીધી વિદાય.

ઊભાં છેલ્લી નજર ભરીને જોઈ લેવા જ ભૂમિ,
જ્યાં વિતાવ્યો પ્રથમ દસકો મુગ્ધ દામ્પત્ય કેરો;
જ્યાં દેવોના પરમ વર-શો પુત્ર પામ્યાં પનોતો
ને જ્યાંથી રે કઠણ હૃદયે અગ્નિને અંક સોંપ્યો !
કોલેથી જે નીકળી સહસા ઊઠતો બોલી જાણે:
‘બા-બાપુ ! ના કશુંય ભૂલિયાં, એક ભૂલ્યાં મને કે ?’
ખૂંચી તીણી સજલ દૃગમાં કાચ કેરી કણિકા !
ઉપડેલાં ડગ ઉપર શા લોહ કેરા મણીકા !

– બાલમુકુન્દ દવે

(દૃગ=આંખ)

સાલ હતી ૧૯૬૩. હું ત્યારે કપડવણજ કોલેજમાં ભણું. ચદ્રકાન્ત શેઠ અમારા ગુજરાતીના અધ્યાપક. તેમણે અમદાવાદ જવાનું વિચાર્યુ અને તેમની જગા લીધી ચિનુ મોદીએ. બન્ને કવિઓ પણ તેમની વચ્ચે આસમાન -જમીન જેવો ફરક! શેઠ સાહેબ તો મારી પોળ નાના નગરવાડામાં જ રહે પરંતુ હું બને તેટલો દૂર રહેવા મથું જ્યારે ચિનુભાઈને ઘેર હું ક્યારેક તો વણબોલાવ્યો પણ પહોંચી જાઉં! હું કવિતા કરું ને ગઝલો પણ લખું પણ બધું અધ્ધરીયા ! એકવાર મારી થોડીક અછાંદસ કવિતાઓ બતાવા હું ચિનુભાઈને ઘેર ગયો. શનિવારની બપોર હતી. ઘરની રવેશ થોડીક અંધારિયા અને યાદ છે ત્યાં સુધી કોઈ બારી પણ નહીં! મારી કવિતાઓ ઝડપભેર વાંચી ને પછી કાગળિયાં બાજૂ પર મૂકતાં કહે : જો ભરત, રવીન્દ્રનાથ આવું બધું લખી ગયા છે એટલે આપણે આપણી કવિતા લખવાની. અમે બેઠા હતા તે ખાટલા પાસે જ એક મેજ પરથી એક પુસ્તકનાં પાનાં ફેરવતાં એક કવિતા પર પસંદગી ઉતારી- તે કવિતા તે બીજી કોઈ નહીં પણ આ હતી! આખીયે કવિતા ભાવવાહી રીતે વાંચી સંભળાવી. તે એક પળ હતી જેણે મને જૂની ઘરેડની કવિતામાંથી નવી કે આઘુનિક કવિતાના દ્વાર પર લાવી ખડો કરી દીધો ! બીજા જ અઠવાડિયે તો મારી નવી કવિતા -“રોમિયો-જૂલિયટ વાંચતાં થયેલે એક સરિયલ અનુભવ” કુમારમાં વંચાઈ ત્યારે કેવળ ચિનુભાઈ જ નહીં પણ આદિલ, મનહર મોદી, લા.ઠા. પણ હાજર હતા! એક કવિતા આપણી દિશા બદલી શકે છે.

ભરત ત્રિવેદી

7 Comments »

  1. વિવેક said,

    December 9, 2010 @ 9:07 AM

    કવિતા સાથેની ઘટનાઓ પણ ક્યારેક ખુદ એક કવિતા જેવી હોઈ શકે એ વાત આ કેફિયત વાંચીએ ત્યારે સમજાય…

    આભાર, ભરતભાઈ!!!

  2. dHRUTI MODI said,

    December 9, 2010 @ 12:02 PM

    મારી ખૂબ જ પ્રિય કવિતા.

  3. Taha Mansuri said,

    December 9, 2010 @ 9:52 PM

    ખુબ જ સરસ રચના, ખુબ જ સરસ કેફિયત.
    આપની રચના “કુમાર” માં વંચાય તે જ સૌથી મોટો પુરસ્કાર, કારણકે કવિતાની બાબતમાં બચુભાઈની પસંદગી ઘણી જ ઉચ્ચ રહેતી એવું મેં ખુદ આદિલ સાહેબના મોઢે સાંભળ્યું છે.

  4. વજેસિંહ પારગી said,

    December 10, 2010 @ 6:16 AM

    ગુજરાતી કવિતાવિશ્વનું આ એક અમર સોનેટ છે. અસંખ્ય વાર વાંચ્યું છે ને લગભગ મોઢે પણ છે. શબ્દોના કશા ઠઠારા વિના સાદા શબ્દો ને સાદી સામગ્રીમાંથી કવિએ પુત્રવિયોગની જે વેદના અવતારી છે તે સીધી હૃદયસોંસરવી ઊતરી જાય તેવી છે.

  5. pragnaju said,

    December 10, 2010 @ 11:14 AM

    ખૂબ સુંદર
    ઘણા ખરાના જીવનમા આ સોનેટમા વ્યક્ત થયેલી વેદના અનુભવાયલી હોય છે.
    વારંવાર વાંચવા છતા દરેક વખતે એક કસક અનુભવાય છે
    આદરણિય શ્રી ચિનુ મોદીએ તો અહીં ન્યુજર્સીમા સાહીત્યનો આસ્વાદ કરાવી,ખાસ કરીને ગઝલો અંગે માર્ગદર્શન આપ્યું તેની વીડિયો ચિરાગભાઇએ તેમના બ્લોગ પર મૂકી છે.આવા શ્રી ચિનુ મોદીએ તમારી દિશા બદલી..
    તેમને સલામ,તમારા ભાગ્યને પણ સલામ

  6. urvashi parekh said,

    December 11, 2010 @ 9:11 AM

    મારી ખુબજ ગમતી કવીતા.હજુ પણ મને યાદ છે. આ કવીતા,
    મારા દીકરાઓ ને જેટલી વખત ભણાવતી અને સમજાવતી,
    અને હુ હમેશા રડી પડતી,
    જો કે દીકરાઓ ઈંગ્લીશ મીડીયમ માં ભણ્યા છે પણ એક ગુજરાતી નો વીષય હતો,
    અને આ કવીતા ભણાવવાની હતી શીર્ષક શું હતુ?
    ઘર છોડતા,કે એવુ કઈંક?
    આભાર…

  7. milind gadhavi said,

    December 18, 2010 @ 9:37 AM

    સરસ મઝાનો પ્રસંગ..
    વિવેકભાઇને copy-paste કરું છું –
    કવિતા સાથેની ઘટનાઓ પણ ક્યારેક ખુદ એક કવિતા જેવી હોઈ શકે એ વાત આ કેફિયત વાંચીએ ત્યારે સમજાય…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment