પરમ તૃપ્તિ, પરમ સંતોષ, તારા કામની વસ્તુ,
હું શાયર છું, તું મારા માટે થોડી પ્યાસ રહેવા દે.
– હિતેન આનંદપરા

એવું ગજું ક્યાં છે? -અહમદ ‘ ગુલ’

ગહનતા ઘાવની માપી શકું, એવું ગજું ક્યાં છે?
વળી હર ઝખ્મ પંપાળી શકું, એવું ગજું ક્યાં છે?

સતત ઝરતી રહે છે લૂ, છતાં પણ ચાલવું તો છે,
ઘડીભર છાંયડો પામી શકું, એવું ગજું ક્યાં છે?

પડી છે વીજળી માળા ઉપર એની ખબર છે પણ,
તણખલાંઓ હવે લાવી શકું, એવું ગજું ક્યાં છે?

અમારી દુર્દશાની વાત હર મહફીલમાં ચર્ચાઇ,
જરા હું આયનો ઝાંખી શકું, એવું ગજું ક્યાં છે?

ઘણી લાંબી બની ગઇ છે હવે ઝખ્મો તણી યાદી,
બધાં નામો ભલા વાંચી શકું , એવું ગજું ક્યાં છે?

હવે એકાંતની ઝાલી જ લીધી આંગળીઓ ગુલ
ફરીથી ભીડમાં ચાલી શકું, એવું ગજું ક્યાં છે?

અહમદ ગુલ

બહુ જ સૌમ્ય વાણી વાળા આ શાયર ત્રીસ વર્ષથી બ્રિટનના
બાટલી શહેરમાં રહે છે.
બ્રિટનમાં
ગુજરાતી રાઇટર્સ ક્લબના તેઓ સ્થાપક છે.
પમરાટ અને મૌન પડઘાયા કરે તેમના કાવ્ય સંગ્રહો .

2 Comments »

  1. Himanshu Bhatt said,

    December 1, 2006 @ 12:33 PM

    મીત ભાશી કવી છે. ઍમની કવિતાઓમાં ઊંડાણ હોય છે.ગુલ સાહેબ ના લઘુ કાવ્યો પણ સરસ હોય છે.

  2. wafa said,

    December 3, 2006 @ 6:25 PM

    ગજુઁ તો જોઇએઁ ગુલ હવાથી બાથ ભીડવાનુઁ,
    વફા એકાંતની આ આંગળી કયાઁ સુધી પકડુઁ.
    વફા

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment