એ કહે તે કરવાનું,
આ ગઝલ છે, ડહાપણ નહીં
જવાહર બક્ષી

કોઈ ચાલ્યું ગયું – રમેશ પારેખ

ખંડમાં આંખ છતની વરસતી રહી કોઈ ચાલ્યું ગયું;
શૂન્યતા ખાલી ખીંટીને ડસતી રહી કોઈ ચાલ્યું ગયું.

છાપરું શ્વાસ રૂંધી ધીમાં ધીમાં પગલાંઓ ગણતું રહ્યું,
ભીંત ભયભીત થઈને કણસતી રહી કોઈ ચાલ્યું ગયું.

બારીએ બારીએ ઘરના ટુકડાઓ બેસીને જોતા રહ્યા,
સાંકળો બારણે હાથ ઘસતી રહી કોઈ ચાલ્યું ગયું.

બેક પગલાંનો સંગાથ આપીને પડછાયા ભાંગી પડ્યા,
શેરીનાકામાં બત્તીઓ ભસતી રહી કોઈ ચાલ્યું ગયું.

– રમેશ પારેખ

પ્રિયજનનું જવું – જતા રહેવું – એટલે કે નકરા વિષાદનું ખાબકવું. પ્રિયજનના ગયા પછી ઘર એટલું ખાલી ખાલી લાગે છે કે ખુદ પોતાની હાજરી પણ ભૂલાઈ જાય છે. વિષાદ અહીં ખાલી ઘરના માધ્યમથી જ રજૂ થાય છે. ડસતી ખીંટીઓ, ભયભીત ભીંતો, ભાંગી પડેલા પડછાયા અને ભસતી બત્તીઓથી માત્ર આંઠ લીટીમાં કવિ વિષાદનું એવું ઘેરું પોત રચે છે જેની અસર મનમાંથી જવાનું નામ જ લેતી નથી.  કોઈ દરવાજો ખોલીને જાય પછી દરવાજા પરની સાંકળ થોડી વાર હાલ્યા કરે એ વાતને કવિ કેવી અલગ રીતે રજૂ કરે છે એ તો જુઓ – સાંકળો બારણે હાથ ઘસતી રહી કોઈ ચાલ્યું ગયું !

6 Comments »

  1. જ્યશ્રી said,

    November 26, 2006 @ 12:11 AM

    ખરેખર ધવલભાઇ,
    કલ્પના કરું તો પણ ધ્રુજી જવાય એવી વાત છે. કદી ન ભરી શકાતો ખાલીપો કવિએ ખુબ ચોટદાર શબ્દોમાં રજુ કર્યો છે.

    કવિ સંદીપ ભાટિયાનું ગીત યાદ આવી ગયું

    માણસ જેવો માણસ ક્ષણમાં ધુમાડો થઈ જાય એ કંઈ જેવી તેવી વાત નથી,
    ઘડી પહેલાં જે ઘર કહેવાતું દીવાલો કહેવાય એ કંઈ જેવી તેવી વાત નથી.

  2. વિવેક said,

    November 26, 2006 @ 5:01 AM

    ર.પાની ગઝલના આ ચાર શેર વિરહના ચાર મહાકાવ્ય સમા છે. એ વાંચ્યા પછી મનનો ઓરડો ખાલીખમ્મ થઈ ગયો હોય એવો શૂન્યાવકાશ લાંબા સમય સુધી અનુભવાયા કરે છે…

  3. ઊર્મિસાગર said,

    November 27, 2006 @ 10:13 AM

    કોઇ શબ્દો નથી…
    વિવેક અને જયશ્રીએ કહ્યું એમ એકદમ ચોટદાર શબ્દો એકદમ ઊંડી અસર અનુભવવા માટે મજબુર કરે છે… અને એક ગઝબનો શૂન્યાવકાશ ઊભો કરે છે!!

  4. prakash.... said,

    May 26, 2007 @ 3:07 AM

    words have never come alive ever before like this…this is what i call…soul poem.

  5. Pinki said,

    September 24, 2007 @ 9:55 AM

    ખાલીપો પણ ઝૂરવા માંડ્યો,

    આ એકલતાના શૂન્યાવકાશમાં……..

    ક્ષણભર તો ડરી જવાય એવી વિહ્.વળતા

    વ્યાપી જાય છે…………..

    શબ્દોની આ લાક્ષણિકતા તો આજે અનુભવી .

    આ એકલતામાંથી બહાર અવાય તો જ comment લખાય ને !!!

  6. Bhavna Shukla said,

    September 25, 2007 @ 9:39 AM

    કોઇ મારી લીલી છમ્મ્ વેલી…અમરેલી ને તે પુછો, વૃક્ષોએ ઓક્સિજ્ન પર અને માણસોએ કાર્બન ડાયોક્સાઇડ પ૨ જીવતા કેમ શીખ્યુ!!!!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment