રસમ અહીંની જુદી, નિયમ સાવ નોખા
અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા
મનોજ ખંડેરિયા

દીપકાવ્ય – રમેશ પારેખ

એક દીવો છાતી કાઢીને
છડેચોક ઝળહળે,
તો એ અંધારાના
સઘળા અહંકારને દળે.
હરેક ચીજને એ આપે સૌ સૌનું
મૂળ સ્વરૂપ
આવું મોટું દાન કરે
તો પણ એ રહેતો ચૂપ
પોતાને ના કૈ જ અપેક્ષા અન્ય
કાજ બસ બળે !
અંધકાર સામે લડવાની વિદ્યા ક્યાંથી મળી ?
કિયા ગુરુની કૃપા થકી
આ રીત તપસ્યા ફળી ?
હે દીવા, એ શાશ્વત પળ, તું પ્રકટે છે જે પળે …

– રમેશ પારેખ

દિવાળી ટાણે દીપ-મહિમાનું કાવ્ય. આ કાવ્યનો મીરા ભટ્ટનો આસ્વાદ અહીં જુઓ.

7 Comments »

  1. રજની માંડલીયા said,

    November 9, 2010 @ 12:34 AM

    શું વાત છે…
    કેટ્લો બધો મર્મ એક કાવ્ય માં,
    ખુબ શિખવા મળ્યું,
    આ કાવ્ય માંથી…
    એક એક શબ્દ માં ગજબ નો ગુઢાર્થ સમાવી લીધો છે…

  2. dr.bharat said,

    November 9, 2010 @ 7:29 AM

    એક દીવો છાતી કાઢીને
    છડેચોક ઝળહળે…
    ખૂબ સરળ છતાં સાથે!
    મીરા ભટ્ટેનો અદ્રભુત કાવ્યનો આસ્વાદ વાંચી ફરી કાવ્ય વાંચ્યું!

  3. dr.bharat said,

    November 9, 2010 @ 7:31 AM

    સુધારો,
    ખૂબ સરળ છતાં ગુઢાર્થવાળું કાવ્ય.

  4. Bharat Trivedi said,

    November 9, 2010 @ 9:28 AM

    અછાંદસના દાસ કવિ માટે જ જાણે રમેશભાઈએ આ કાવ્ય લખ્યું હોય ના જાણે! છંદોબધ્ધ કાવ્યમાં જોવા મળતું જાણે બધું જ અહીં હાજર છે. શબ્દને યથાયોગ્ય સ્થળે લાવીને લય નિપજાવવો, વિચારપૂર્વક લાઈન-બ્રેક દ્વ્રારા વિચારેને આગળ કરવો, ‘ દીવો છાતી કાઢીને છડેચોક ઝળહળે’ કે
    ‘અંધારાના સઘળા અહંકારને દળે’ કહીને એક ચિત્રાત્મકતા કવિતાને આપવાની કળા. દીવાને ધ્યાનપૂવક જોશો તો દીવાની છાતી કઢવાની કે ઘંટીની જેમ દળવાની વાત સારી રીતે સમજાશે.

    ત્યારબાદ રમેશભાઈ થોડાક અવળે માર્ગે ફંટાયા છે ને કેવાં સીધાં વિધાનોમાં સરી પડ્યા છે! રમેશભાઈ જેવો કુશળ સર્જક જ એ પછીથી કવિતાને ઉગારી શકે. જૂઓઃ

    હે દીવા, એ શાશ્વત પળ, તું પ્રકટે છે જે પળે…

    આપણી ગુજરાતી કવિતાનો એક ઝગમઘતો દીવડો અકાળે ઓલવાઈ ગયો તેનો કેવળ અફસોસ રહી ગયો.

    ભરત ત્રિવેદી

  5. pragnaju said,

    November 9, 2010 @ 10:02 AM

    સુંદર કાવ્ય તેનાંથી સુંદર મીરાબેનનું રસદર્શન
    દીપ તારી ભીતર રહેલા ઉજાસ વિશે તને જાગ્રત કરે એટલો જ. એ તારે જ પ્રગટાવવાનો છે. તારે જ એના ઉજાસને સહારે રસ્તો કરવાનો છે. રસ્તા પરના ઝાંખરા કે બીજા અંતરાયો દૂર કરવાના છે.”. માણસ પોતાની પાસે જ પોતાના મોક્ષનો માર્ગ હોવા છતાં માર્ગદર્શનની તલાશમાં ભટકતો રહે છે. વહેલો કે મોડો જન્મજન્માંતર પછી પણ રસ્તો તો માણસે પોતે જ શોધવાનો છે.
    બુધ્ધે કહ્યું હતું : “શાણો માણસ અજ્ઞાનીને પ્રકાશ આપનારી મશાલ છે.” વાસ્તવમાં બુધ્ધ એમ પણ કહે કે કોઇ અજ્ઞાની જ નથી. દરેક પાસે પ્રકાશ છે. માત્ર એ પ્રકાશ ક્યાંથી મેળવવો એનો શાણા માણસને ખ્યાલ નથી. આપણને ગુરુ મળે તો એ આપણામાં પ્રકાશ ક્યાં રહ્યો છે એ મેળવવામાં જ મદદ કરે છે. દતાત્રેયની માફક ગુરુ વિના પણ આ પ્રકાશ શોધી શકાય છે. મહિમા પ્રકાશનો છે.

  6. DHRUTI MODI said,

    November 9, 2010 @ 4:44 PM

    સુંદર કાવ્ય. ખૂબ જ સુંદર શબ્દચિત્ર ઊભું કર્યુ છે.

  7. sudhir patel said,

    November 9, 2010 @ 10:01 PM

    સુંદર દીપ-કાવ્ય!

    ભરતભાઈ ત્રિવેદીની વાત સાથે સંમત થતા જણાવવાનું મન થાય છે કે આ અછાંદસ કાવ્યનો લય અને પ્રાસ ઢંગધડા વગરનાં અછાંદસ લખનારાઓ માટે બોધપાઠ સમાન છે!

    સુધીર પટેલ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment