સમર્પણનો રસ્તો પ્રસિદ્ધિથી પર છે,
નદી નામ પાડ્યા વિના પણ વહી છે
હરકિશન જોષી

અધૂરી વારતા – દલપત ચૌહાણ

માંડી એક વારતા સાવ રે અધૂરી
સાવ રે અધૂરા એના છંદ;
વાયરે બેસીને ક્યાંક ગ્હેક્યો’તો મોરલો
સાવ રે અધૂરા પડછંદ.
માફો ને સાફો ને ગજવેલી આંખોમાં,
રમ્યા કરે છે કંઈક બોલ,
મીઠું મલક્યા ને કૈંક લીધા રિસામણે,
જીવ્યા કર્યું છે કૈંક લોક,
ફળિયાના શ્વાસોની આછેરી પાંખોથી,
શેણે બંધાયો સંબંધ ?
માંડી એક વારતા સાવ રે અધૂરી
સાવ રે અધૂરા એના છંદ;
વાયરે બેસીને ગ્હેક્યો’તો મોરલો
સાવ રે અધૂરા પડછંદ.
પાદરથી દૂરે પેલા આભલાની પાળે,
પદરવની વારતાઓ ડૂબી.
ચાલ્યા તણો સાદ કોણ હવે દેતું ?
ગયા ઢીંગલાંની વાતને ભૂલી.
સ્હેજ ભલે વારતાઓ માંડો અધૂરી,
હૈયું તો બાંધે સંબંધ.
માંડી એક વારતા સાવ રે અધૂરી
સાવ રે અધૂરા એના છંદ;
વાયરે બેસીને ક્યાંક ગ્હેક્યો’તો મોરલો
સાવ રે અધૂરા પડછંદ.

– દલપત ચૌહાણ

[ માફો = ગાડાને ઉપરથી વીંટાળવામાં આવતું કપડું જેથી ગાડામાં બેઠેલી વ્યક્તિ દેખાય નહિ.]

5 Comments »

  1. Ramesh Patel said,

    October 31, 2010 @ 6:06 PM

    હૃદયને ભાવથી વણી દેતું ગીત.સરસ.

    રમેશ પટેલ(આકાશદીપ)

  2. P Shah said,

    November 1, 2010 @ 2:24 AM

    સુંદર લયકારી ભર્યું ભાવવાહી ગીત !

  3. Pancham Shukla said,

    November 1, 2010 @ 6:27 AM

    મજબૂત અને અર્થગર્ભિત ધ્રુવ પંક્તિ આ ગીત/કાવ્યને શાબ્દિક અર્થથી અપ્રકટ પીડાનાં સંવેદન સુધી લઈ જવામાં ઉપકારક નીવડતી હોય એમ લાગે છે.

    આપણી મનોવિચારણા આકૃષ્ટ સંકુલ એવં ગતાનુગતિક હોવાને લીધે, આ ગીત વાંચતા બીજા કન્યાવિદાયના કે શ્વસુરગૃહે સંચરતી કન્યાના મનોભાવ ઉજાગર કરતાં ગીત પણ યાદ આવી શકે.

  4. Pushpakant Talati said,

    November 1, 2010 @ 6:29 AM

    વાહ…… સરસ અભિવ્યક્તિ…….
    ભોળૂં હૈયું તો બિચારું હમેશાથી જ ભોળૂં રહ્યું , તે ઓછું કાંઈ દુનિયાના આટા-પાટા વિશે વધુ જાણે છે ? !! – તેને શી ખબર – તે તો માત્ર સંબંધ બાંધવામાં જ માને છે.

    ” સ્હેજ ભલે વારતાઓ માંડો અધૂરી – પણ હૈયું તો બાંધે સંબંધ ”

    ખુબજ સુન્દર સંધાન થયું છે .

  5. pragnaju said,

    November 1, 2010 @ 8:30 AM

    સુંદર અભિવ્યક્તી
    માફો ને સાફો ને ગજવેલી આંખોમાં,
    રમ્યા કરે છે કંઈક બોલ,
    મીઠું મલક્યા ને કૈંક લીધા રિસામણે,
    જીવ્યા કર્યું છે કૈંક લોક,
    ફળિયાના શ્વાસોની આછેરી પાંખોથી,
    શેણે બંધાયો સંબંધ ?

    આવા મૂંગા સંવેદનની વેદના પણ અસહ્ય હોય છે.ી વેદના કહેવાતા સંત પણ અનુભવી શકતા નથી! ત્યારે વીરલા જ આમ વિચારી શકે…
    લોકો જ્યારે રોવે ત્યારે શ્વાસ કરી બંધ
    ગુફામાં પુરાઇ રે’વું મને ના પસંદ;
    દીન હીનના પડે પોકારો પડછંદ
    તે સમે કરી રહું આ કર્ણ કેમ બંધ ?

    એવું સંતપણું મને કો’દી ના પસંદ
    જેને નહીં દેશનો કે સૃષ્ટિનો સંબંધ;
    દેશની ગુલામી દુઃખ સૃષ્ટિના કલંક
    જોવાં છતાં જેનામાં ના કરુણાની ગંધ !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment