અમે હસીએ છીએ પણ આંસુ રોકાઈ નથી શક્તાં,
તૂટેલું સાજ હો તો સૂર પરખાઈ નથી શક્તાં
સૈફ પાલનપુરી

મન વગર – ચિનુ મોદી ‘ઈર્શાદ’

તું મને મળતી ખરી પણ મન વગર,
ઝાંઝવા બનતાં સરોવર જળ વગર.

શૂન્ય મારું મન થયું છે એટલું,
કે હવે ખડ ખડ હસું છું ભય વગર.

જ્યાં જઉં છું ત્યાં મને સામી મળે
ભીંત પણ ચાલી શકે છે પગ વગર.

દૂર તારાથી થતો હું જાઉં છું
એમ લાગે છે, હવે છું ઘર વગર.

સૂર્ય સ્પર્શે ઓસ તો ઊડી ગયું
હું તને મળતો રહ્યો કારણ વગર.

-ચિનુ મોદી ‘ઈર્શાદ’

મહેસાણાના વિજાપુરના વતની અમદાવાદ નિવાસી ચિનુ મોદી ‘ઈર્શાદ’ (જન્મ: ૩૦-૦૯-૧૯૩૯)નો ગુજરાતી ગઝલના નવોન્મેષમાં અમૂલ્ય ફાળો છે. ગઝલને બીબાઢાળ બનતી અટકાવનાર સજાગ પ્રહરીઓમાં એ મોખરે આવે. મજાના ગીત, નાટક અને સોનેટ પણ લખે. ઉર્દૂમાં પણ ગઝલો લખે પરંતુ બે ભાષા પરની હથોટી કદી સીમા વળોટતી ન ભાસે એ એમની સિદ્ધહસ્તતા. ચીલાચાલુ રદીફ-કાફિયાથી દૂર રહી આડંબરી ભાષાથી હટીને લપસણા વિશેષણોમાં લપસ્યા વિના પુનરાવર્તન અને પુનરોક્તિના ભયસ્થાનોથી અળગા ચાલતા ચિનુ મોદીની ગઝલો એ ગુજરાતી ભાષાની સવારની ચા સમી તાજગી છે. એમના જ શબ્દોમાં કહીએ તો, ” ગઝલ એ હું આત્મકથાની અવેજીમાં લખું છું એટલું જ નહીં, ગઝલના રદીફ-કાફિયા મારે માટે શ્વાસ અને ઉચ્છવાસ જેટલા જ સહજ અને અ-નિવાર્ય બન્યા છે. હજી પણ પ્રત્યેક ગઝલ શરૂ થાય ત્યારે કાબો લૂંટી જશે એવો ડર લાગે છે. ગઝલથી વધારે છેતરામણું સ્વરૂપ ન સોનેટ છે, ન ખંડકાવ્ય છે. અ-છાંદસ, ગીત અને ગઝલ મને સૌથી છેતરામણાં કાવ્ય સ્વરૂપ લાગ્યાં છે.”

કાવ્યસંગ્રહ: ‘ઊર્ણનાભ’, ‘ક્ષણોના મહેલમાં’, ‘દર્પણની ગલીમાં’, ‘ઈર્શાદગઢ’, ‘બાહુક’, ‘અફવા’, ‘ઈનાયત’. શ્રેષ્ઠ ગઝલોનો સંગ્રહ: ‘પર્વતને નામે પથ્થર’.

5 Comments »

  1. પંચમ શુક્લ said,

    November 19, 2006 @ 8:41 AM

    શૂન્ય મારું મન થયું છે એટલું,
    કે હવે ખડ ખડ હસું છું ભય વગર.

    સુંદર ગઝલ…વિવેકભાઈની સચોટ ટિપ્પ્ણી

    પંચમ શુક્લ

  2. પૂર્વી said,

    November 19, 2006 @ 4:50 PM

    સૂર્ય સ્પર્શે ઓસ તો ઊડી ગયું
    હું તને મળતો રહ્યો કારણ વગર…

    અતિસુંદર !!!

  3. ઊર્મિસાગર said,

    November 19, 2006 @ 8:23 PM

    ખુબ જ સુંદર ગઝલ!
    વિવેકભાઇનો રસ-આસ્વાદ પણ ઘણો જ સરસ છે!
    આભાર વિવેકભાઇ…

  4. Vihang Vyas said,

    November 20, 2006 @ 11:39 AM

    દુર તારાથી થતો હું જાઉં છું
    એમ લાગે છે હવે છું ઘર વગર….
    અદભુત ! પરાકાષ્ઠા !

  5. wafa said,

    November 21, 2006 @ 7:18 PM

    આનઁદો

    આનઁદો તમને મન વગર પણ એ મળી. .
    રાહ જોતાઁ જોતાઁ નહીઁતો તમેજાતે બળી..

    ભેદપણ ખુલતે નહીઁ એ છળનો કદી,
    પ્રેમ નો આસવ છે કે ઝાઝવાઁની સળી

    _________________વફા
    21નવે.2006
    ,

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment