ઝેર તો પીધાં છે જાણી જાણી, મેવાડા રાણા !
ઝેર તો પીધાં છે જાણી જાણી.
મીરાંબાઈ

ફગાવીને બોજ – રાજેન્દ્ર શાહ

શિર પર ઉપાડીને આટલો આ ભાર જાઉં કહીં ?
કહીં મારું ચિરંતન ધામ ?
પથ શેષ નહિ,યાત્રાનો નહિ વિરામ,
કેડીએ કેડીએ તરુછાયા,વનફલ.
ઝરણ-વિમલ જલ,
ટહુકંત સીમ ભરી ભરી રહું લહી.

જોયું તે ન જોયું કંઈ,સુણ્યું તે ન સુણ્યું કર્યું, એમ
આજ લગી ખોવાયેલું હતું કહીં મન ?
નિરંતર અભાવનું આકુલ આક્રંદ !
નીજી કોલાહલ કંઈ ધીમો
થતા,દૂરનો ય સુણાય રે સૂર ઝીણો,
અમાસને અંધકાર અરુંધતીનું લાવણ્યે સોહાયને તેમ.
રહી રહી મારા પર હું જ હવે હસું.
જતને ધરેલ બોજ
ફગાવીને ખાલીપાની માણી રહું મોજ;
પગને શું ફૂટી જાણે પાંખ !
આકાશની નીલિમાની યે નડે ન ઝાંખ !
અનંત ને અગોચર જાણે નહિ દૂર એક તસુ.

ક્યાંય કશું રહે ન અંતર,
પ્રયાણ આ કેવળ સ્વપન
મનોમન !?
જે હો તે હો.
અવકાશમય બની રહેલને નાદ સંગ નેડો,
આપમેળે બાજી રહે ઝીણેરું જંતર.

– રાજેન્દ્ર શાહ

વાત થોડી બારીક છે- Eckhart Tolle નામક લેખકે તેના પુસ્તક – ‘ Power of Now ‘ માં ‘pain body’ – ‘ દુઃખનું પોટલું ‘ – નો ઉલ્લેખ કર્યો છે. ટૂકમાં કહીએ તો લેખક કહે છે કે આપણે સૌ ભૂતકાળના અનુભવો-ખાસ કરીને દુઃખદ અનુભવો અને પૂર્વગ્રહો-નું એક પોટલું ઊંચકીને આગળ વધતા હોઈએ છીએ જેથી યાત્રા આનંદદાયક રહેતી નથી. અહી કવિ એને ‘ નિરંતર અભાવનું આકુલ ક્રંદન ! ‘ -પંક્તિ સુધીમાં સ્પષ્ટ કરે છે. જેવો નિજ કોલાહલ ધીમો થાય છે કે તરત જ જાણે એક ક્રાંતિ થાય છે…. ‘ અરુંધતી ‘ એ સપ્તર્ષિ તારાજૂથ પાસે આવેલા અત્યંત ઝાંખા તારાનું નામ છે જે અમાસના અંધકારમાં સોહે છે. જયારે કોઈ અંતર જ રહેતું નથી ત્યારે પ્રયાણ કેવું ? – ટૂંકમાં કુંડલિની જાગ્રત થાય પછી તમામ દ્રષ્ટિકોણ બદલાઈ જાય છે….

12 Comments »

  1. Rekha Sindhal said,

    October 3, 2010 @ 3:35 AM

    સુઁદર !

  2. jigar joshi 'prem' said,

    October 3, 2010 @ 5:51 AM

    વાહ. સરસ

  3. M.Rafique Shaikh, MD said,

    October 3, 2010 @ 6:08 AM

    જતને ધરેલ બોજ ફગાવીને ખાલીપાની માણી રહું મોજ!

    વાહ!
    કવિશ્રીને જે સહજ છે તે કાશ મારા માટે આટલું દુર્ગમ ન હોત!
    અહીં તો એ બોજને વેંઢારીને મહાલવાની કમનસીબ આદત પડી ગઈ છે જાણે.

  4. pragnaju said,

    October 3, 2010 @ 6:39 AM

    સુંદર ભાવભીનું કાવ્ય
    તેવો જ સ રસ રસાસ્વાદ
    પથ શેષ નહિ,યાત્રાનો નહિ વિરામ,
    કેડીએ કેડીએ તરુછાયા,વનફલ.
    ઝરણ-વિમલ જલ,
    ટહુકંત સીમ ભરી ભરી રહું લહી.
    સાંપ્રત સ્થિતીની સચોટ અભિવ્યક્તી!
    પૌલ હોરેને કહ્યું હતું કે: ‘ આપણે ઊંચાં ઊંચાં મકાનો ધરાવીએ છીએ, પણ પિત્તો તો જલદી ગુમાવીએ છીએ અને જુસ્સો ઓછો રાખીએ છીએ.’ આપણા રસ્તાઓ તો છે વિશાળ અને વિશાળ; પણ આપણા દ્રષ્ટિકોણ સંકુચિત બનતા જાય છે. જ્ઞાન ગુમાનાનાં ગાસડાં ઘણાં પણ નિર્ણયાત્મકતા ઓછી અણુ – પરમાણુને પણ અલગ કરી નાખ્યા પણ આપણા ગ્રહ-પૂર્વગ્રહને છોડી ન શક્યા.જીવનમાં સમતુલન કેવી રીતે લાવવું એ વિશેના પ્રાચીન ભારતીય સાંસ્કૃતિક ઋષિઓના શિક્ષણ અને ઉપદેશ તરફ નજર નાખીએ તો આધ્યાત્મિકતા અને વેપાર-ધંધા ઉદ્યોગ વચ્ચેના ભાવાત્મક સંબંધ વિશેની વધતી જતી માગમાં આધુનિક વિશ્વે ઓછી પ્રગતિ કરી છે એમ કહી શકાય
    જે હો તે હો.
    અવકાશમય બની રહેલને નાદ સંગ નેડો,
    આપમેળે બાજી રહે ઝીણેરું જંતર.

  5. dhrutimodi said,

    October 3, 2010 @ 2:57 PM

    અવકાશમય બની રહેલને નાદ સંગ નેડો,
    આપમેળે બાજી રહે ઝીણેરું જંતર.
    સુંદર કાવ્ય. કિંતુ છેલ્લી પંકતિ કાવ્યનો પ્રાણ છે. સાચી વાત છે જીવનના પાછલા દિવસોને બધાં જ દ્વ્ંદ્વોથી મુકત કરી દઈએ તો જ નાદ સંગ નેડો લાગી શકે.

  6. Pinki said,

    October 4, 2010 @ 1:04 AM

    ઝીણેરાં જતનથી અંદરનું જંતર વગાડ્યું છે.
    અંદરનાં કોલાહલને શાંત કરીએ, તો જ તે સંભળાશે !

  7. વિવેક said,

    October 4, 2010 @ 1:38 AM

    બારીક કવિતા… પણ આ બધા પોટલાં એમ ફગાવી દેવાતાં હોય તો? રજનીશે કહ્યું છે એમ જેમ જેમ ટોચ તરફ જતાં જઈએ, આ બધાં પોટલાંઓ ફગાવતાં જવું જોઈએ. નહિંતર બોજ વધતો જ જશે અને અંતે અસહ્ય બની રહેશે…

  8. mahesh dalal said,

    October 4, 2010 @ 9:28 AM

    લાગ્ણિ અણુ ને અડ કિ ગયુ

  9. વિહંગ વ્યાસ said,

    October 4, 2010 @ 12:36 PM

    આ તો પરમને પામેલા કવિની પરા વાણી છે.

  10. મીત સૂરત said,

    October 6, 2010 @ 10:25 AM

    વાહ વાહ ક્યા બાત હૈ..!

  11. valimohammed lakhani said,

    October 6, 2010 @ 1:08 PM

    ખરેખર ઘનુજ સુન્દેર ધ્સનયવદ લખનિ

  12. valimohammed lakhani said,

    October 6, 2010 @ 1:09 PM

    રેઅલ્ય સ્વેીત લખનિ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment