ક્યાંક તું છે ક્યાંક હું છું અને સમય જાગ્યા કરે,
આપણા વચ્ચેનું વહેતું જળ મને વાગ્યા કરે.
ચિનુ મોદી

આવ સજનવા – દિલીપ રાવળ

મને થવું તરબોળ હવે તો ભીની ભીની રાતો લઈને, આવ સજનવા;
                               તું વરસાદી વાતો લઈને આવ સજનવા.

ચૈતર ટાઢો ડામ બનીને અંગ અંગને બાળે,
પરસેવે હું રેબઝેબ ને ગામ બધુંયે ભાળે,
રોમરોમમાં ગીત મૂકીશું તું અષાઢને ગાતો લઈને, આવ સજનવા;
                               તું વરસાદી વાતો લઈને આવ સજનવા…

આવ આપણા સંબંધોને નામ આપશું થોડાં,
પળ પળ વીતી જાય વાલમા, પછી પડીશું મોડાં,
તોડ્યો જે ના તૂટે એવો એક અજાયબ નાતો લઈને, આવ સજનવા;
                               તું વરસાદી વાતો લઈને આવ સજનવા…

હૈયું રહેશે હાથ નહિ ને હાથ તમારે હાથે,
મળશું ભીના કૉલ આપશું વાદળ ઘેરી રાતે,
મસ્તીમાં ચકચૂર બનીશું જા, મોસમ મદમાતો લઈને, આવ સજનવા;
                               તું વરસાદી વાતો લઈને આવ સજનવા…

– દિલીપ રાવળ 

પાણીથી ભીંજાવું એ પ્રેમથી ભીંજાવાનું એક પગથિયું જ હોય એમ અહીં કવિએ વરસાદને ગાયો છે.  ચૈતર ટાઢો ડામ બનીને અંગ અંગને બાળે, / પરસેવે હું રેબઝેબ ને ગામ બધુંયે ભાળે, / રોમરોમમાં ગીત મૂકીશું તું અષાઢને ગાતો લઈને, આવ સજનવા; – પંક્તિઓ બહુ જ સરસ બની છે. ચૈત્રની ગરમીને ટાઢા ડામ જેવી કહીને બહુ સુંદર અસર ઉપજાવી છે. આ સાથે આગળ રજુ કરેલા પ્રેમ-ભીના ‘વરસાદી’ ગીતો પણ માણો – 1, 2 અને 3 .

8 Comments »

  1. સિદ્ધાર્થ said,

    November 10, 2006 @ 10:58 AM

    ધવલ,

    આવી જ રચના પહેલા સુરતના કવિ પાસેથી માણેલી….મુકુલ ચોક્સી અથવા તો રઈશ મણિયાર

    ભૂલ હોય તો સુધારશો.

    સિદ્ધાર્થ

  2. ધવલ said,

    November 10, 2006 @ 11:37 AM

    સિદ્ધાર્થ, તું જે ગઝલની વાત કરે છે એ મુકુલ ચોકસીની પ્રલંબ ગઝલ ‘સજનવા’ છે. ( આજથી પત્રોને બદલે નક્ષત્રો લખજે સજનવા ) ગુજરાતી ભાષાની કદાચ સૌથી લાંબી એવી એ ગઝલમાંથી થોડા શેર લયસ્તરો પર મૂકવાની ઈચ્છા છે જ. પણ, આ ગીત તદ્દન અલગ છે.

  3. Jayshree said,

    March 31, 2007 @ 10:34 AM

    કોઇ પણ મૌસમમાં વાંચો તો યે ભીંજાઇ જવાય એવું એકદમ સરસ મજાનું ગીત. આખુ ગીત 4 વાર વાંચ્યું તો યે નક્કી ન કરી શકી કે કઇ પંક્તિ મને વધારે ગમી.
    મને જો ગીતો સ્વરબધ્ધ કરતા આવડતુ હોત, તો મેં આ ગીતને જરૂર સ્વર સંગીતથી શણગાર્યું હોત. 🙂

    આભાર ધવલભાઇ, આમ જ ભીંજવતા રહેશો….

  4. sjpatel said,

    July 14, 2008 @ 6:13 AM

    If you don’t mind, please give me the address of dilip Raval.

  5. Jayesh Bhatt said,

    July 15, 2008 @ 4:27 AM

    અરે ભૈ આ જમાના મા આવિ દિલ ધડ્ક વાતો કરનારુ કોઇ રહુ નથિ આવિ વાટ કોઇ જોતુ નથિ
    સુન્દર

    જયેશ્

  6. Pravin Shah said,

    July 17, 2008 @ 5:48 AM

    મઝાનું વરસાદી ગીત!
    બધું ભૂલીને જાણે પલળ્યા જ કરીએ!

  7. nilamdoshi said,

    July 19, 2008 @ 9:22 AM

    આવ આપણા સંબંધોને નામ આપશું થોડાં,
    પળ પળ વીતી જાય વાલમા, પછી પડીશું મોડાં,
    તોડ્યો જે ના તૂટે એવો એક અજાયબ નાતો લઈને, આવ સજનવા;
    તું વરસાદી વાતો લઈને આવ સજનવા…

    વાહ…! આજે વરસાદી ગીતો વરસાદ સાથે માણવાની મજા માણી..

    આભાર..આભાર…

  8. રાવળ વિષ્‍ણુ said,

    July 24, 2008 @ 11:53 PM

    ફોરમનું ફુલ થકી બનવા માગુ હું
    મારી ગઝલને હુ તમારા સુઘી ૫હોચડવા માગુ છુ તો મારો કોન્‍ટેકટ કરો મારા રાવળ ભાઇ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment