ભીતરમાં કંઈક તો છે એની ખાતરી જો ન હો,
તો શ્વાસની આ સતત આવજાવ હોય નહીં.
વિવેક મનહર ટેલર

કંઈ નથી – ભગવતીકુમાર શર્મા

વિશ્વમાં મંગળ અમંગળ કંઈ નથી;
આપણા હોવાનું અંજળ કંઈ નથી.

શ્વાસની સીમાની આગળ કંઈ નથી;
મૃત્યુની સરહદની પાછળ કંઈ નથી.

બત્રીસ કોઠે છે દીવાનો ઉજાસ;
આંખમાં ઝળહળ કે કાજળ કંઈ નથી.

નભ ભલે ને થૂંક ઉડાડ્યા કરે;
સૂર્ય ઊગતાંવેંત ઝાકળ કંઈ નથી.

મારી એકલતા છે મારું ઉપનિષદ;
શબ્દ, લેખણ, સાહી, કાગળ કંઈ નથી.

– ભગવતીકુમાર શર્મા

કવિ પહેલા જ શેરમાં હોવાપણાની ઘટનામાંથી હવા કાઢી નાખે છે. એટલું જ નહીં, બીજા શેરમાં એ ન-હોવાપણા (મૃત્યુ)ની ઘટનામાંથી પણ હવા કાઢી નાખે છે 🙂 ઉપરથી દેખાય એ કંઈ અંધારું કે અજવાળું નથી, ખરો ઉજાસ તો આખા શરીરમાં – બત્રીસ કોઢે – વ્યાપ્ત છે. ચોથા શેરમાં પહેલી વાર કોઈ કવિએ ઝાકળની થૂંક સાથે સરખામણી કરી છે. જોકે શેર એટલો જ ઊંડા અર્થવાળો છે.

ને છેલ્લો શેર ગઝલનો શિરમોર શેર છે – શબ્દ તો  છીછરા પાણીનું માછલું છે;  ચેતનાનો સાગર તો ખૂબ ઊંડો હોય છે.

17 Comments »

  1. Abhijeet Pandya said,

    September 14, 2010 @ 12:01 AM

    ખુબ સુંદર રચના.

    શ્વાસની સીમાની આગળ કંઈ નથી;
    મૃત્યુની સરહદની પાછળ કંઈ નથી.

    અિભજીત પંડ્યા ( ભાવ્નગર ).

  2. Rudraprasad Bhatt said,

    September 14, 2010 @ 12:05 AM

    સરસ કવિતા. મંગળ અમંગલ તો આપણા મનનો વહેમ છે. મૃત્યુનો ડર પણ આવો જ છે.મૃત્યુને આપણે યથાર્થ સમજી શકતા નથી.ચાર પંક્તિ જે મારા વિચાર છે તે લખું છું.
    [મૃત્યુ! મારું ઘર તારાથી ક્યાં અજાણ્યું છે,
    તારું આગમન મારે ત્યાં તો તહેવાર છે.
    આવકારીશ તને હું પુરેપુરા સ્નેહથી,
    તારે ને મારે તો જન્મોનો વહેવાર છે.]
    ભાઈશ્રી,આવું સારું જરૂર પીરસતા રહેજો

  3. Gunvant Thakkar said,

    September 14, 2010 @ 12:25 AM

    મારી એકલતા છે મારું ઉપનિષદ;
    શબ્દ, લેખણ, સાહી, કાગળ કંઈ નથી.
    ખુબ સુંદર અને હદયસ્પરશી રચના

  4. વિવેક said,

    September 14, 2010 @ 12:31 AM

    સુંદર રચના…

  5. DD said,

    September 14, 2010 @ 1:54 AM

    jor-dar lakhan che,,,,khub j saras

  6. Pancham Shukla said,

    September 14, 2010 @ 3:00 AM

    બધાજ અશઆર સ્પર્શી ગયા- એક ફોર્સ/ઉંડાણ અનુભવાય છે.

  7. ઉલ્લાસ ઓઝા said,

    September 14, 2010 @ 6:14 AM

    ભગવતીભાઇનુ લખાણ કંઇ ઉપનિષદથી કમ નથી.

  8. pragnaju said,

    September 14, 2010 @ 6:35 AM

    ન મંત્રો ન તીર્થં ન વેદા ન યજ્ઞઃ
    મારી એકલતા છે મારું ઉપનિષદ;
    શબ્દ, લેખણ, સાહી, કાગળ કંઈ નથી.
    ખૂબ સુંદર
    મુ શ્રી ભગવતીભાઈને તેના અણસારની અનુભૂતી થાય બાદ આ દર્શન થાય…
    ન મંત્રો ન તીર્થં ન વેદા ન યજ્ઞઃ
    અહં ભોજનં નૈવ ભોજયં ચ ભોકતા
    ચીદાનંદ રૂપં શિવોહં શિવોહં
    આ ત્રિમંત્રોનો મૂળ અર્થ જો સમજીએ તો એમાં કોઈ વ્યક્તિને કે સંપ્રદાયને કે કોઈ પંથને લાગુ પડતું નથી. આત્મજ્ઞાનીથી લઈને ઠેઠ કેવળજ્ઞાની અને નિર્વાણ પામીને મોક્ષ ગતિને પામ્યા છે એવાં ઉચ્ચ જાગૃત આત્માઓને જ નમસ્કાર લખ્યાં છે અને જે નમસ્કાર કરવાથી સંસારના વિઘ્નો દૂર થાય, અડચણોમાં શાંતિ રહે અને મોક્ષના ધ્યેય પ્રતિ લક્ષ બંધાય.
    કૃષ્ણ ભગવાન આખી જીંદગીમાં બોલ્યા નથી કે હું વૈષ્ણવ છું કે મારો વૈષ્ણવ ધર્મ છે. મહાવીર ભગવાન આખી જીંદગી બોલ્યા નથી કે હું જૈન છું કે મારો જૈન ધર્મ છે. ભગવાન રામચંદ્રજી ક્યારેય બોલ્યા નથી કે મારો સનાતન ધર્મ છે. બધાએ આત્માને ઓળથીને મોક્ષે જવાની જ વાત કરી છે. જેમ કે ગીતામાં કૃષ્ણ ભગવાને, આગમમાં તીર્થંકરોએ અને યોગવશિષ્ટમાં રામચંદ્રજીને વશિષ્ટ મુનિએ આત્મા ઓળખવાની જ વાત કરી છે. જીવ એટલે અજ્ઞાન દશા. શિવ એટલે કલ્યાણ સ્વરૂપ. આત્મજ્ઞાન પ્રાપ્તિ પછી એ જ જીવમાંથી શિવ પ્રાપ્ત થાય છે. શિવ એટલે કોઈ વ્યક્તિની વાત નથી

  9. અનામી said,

    September 14, 2010 @ 7:05 AM

    ખરેખર જબરદસ્ત…

    નભ ભલે ને થૂંક ઉડાડ્યા કરે;
    સૂર્ય ઊગતાંવેંત ઝાકળ કંઈ નથી….

  10. Bharat Trivedi said,

    September 14, 2010 @ 8:28 AM

    મુ. ભગવતીભાઈની ગઝલમાં ક્શું કહેવાપણું તો હોય જ ક્યાંથી ? ગઝલ ખૂબ ગમી.

    -ભરત ત્રિવેદી

  11. Kirtikant Purohit said,

    September 14, 2010 @ 9:23 AM

    હા, ખરેખર એક જબરદસ્ત કવિતા.

    નભ ભલે ને થૂંક ઉડાડ્યા કરે;
    સૂર્ય ઊગતાંવેંત ઝાકળ કંઈ નથી.

    ઘણુ જ સરસ.

  12. Pinki said,

    September 14, 2010 @ 11:55 AM

    મારી એકલતા છે મારું ઉપનિષદ;
    શબ્દ, લેખણ, સાહી, કાગળ કંઈ નથી.

    તદ્. ન સાચું …!!

  13. dangodara vinod said,

    September 14, 2010 @ 1:25 PM

    શ્વાસની સીમાની આગળ કંઈ નથી;
    મૃત્યુની સરહદની પાછળ કંઈ નથી.

  14. dhrutimodi said,

    September 14, 2010 @ 7:45 PM

    મારી ઍકલતા છે મારું ઉપનિષદ;
    શબ્દ, લેખણ, સાહી, કાગળ કંઇ નથી.
    ખૂબ સુંદર, અદ્ભુત.

  15. "માનવ" said,

    September 14, 2010 @ 9:29 PM

    ધવલ ભાઈ..

    આપની હવા કાઢી નાખવાની વાત રજુ કરવાની શૈલી ગમી..

  16. Monal said,

    September 15, 2010 @ 10:27 AM

    છેલ્લો શેર અને તેની ટિપ્પણિ ખૂબ સરસ!

  17. Manhar M.Mody said,

    September 17, 2010 @ 1:47 AM

    નભ ભલે ને થૂંક ઉડાડ્યા કરે;
    સૂર્ય ઊગતાંવેંત ઝાકળ કંઈ નથી.

    કેવો અદભૂત વિચાર !!!!!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment