હું એ જ કારણે રહું સ્મરણની હદથી દૂર..દૂર..
છે ઠંડી ઠંડી આગ એ, વધારે શું નિકટ કરું ?
સંજુ વાળા

ઉમાશંકર વિશેષ :૦૧: શ્રાવણ હો ! -ઉમાશંકર જોશી

Umashankar_Joshi-311

શ્રાવણ હો !
. અરધી વાટે તું રેલીશ મા !
. મારી ભરી ભરી હેલ, છેડીશ મા !
. અરધી વાટે તું રેલીશ મા !

ઝોલાં લે ઘન ગગનમાં, સરવર ઊછળે છોળ;
છાલક જરી તુજ લાગતાં હૈયું લે હિલ્લોળ.
. અરધી વાટે…

આછાં  છાયલ  અંગનાં  જોજે  ના  ભીંજાય,
કાચા  રંગનો  કંચવો  રખે  ને  રેલ્યો  જાય.
. અરધી વાટે…

શ્રાવણ ! તારાં સરવડાં, મોરી અખિયન-ધાર;
તું વરસીને રહી જશે, એના બારો માસ નિતાર.
. અરધી વાટે તું રેલીશ મા,
. શ્રાવણ હો !

– ઉમાશંકર જોશી

શ્રાવણને અડધી રાતે અને અડધી વાટે નહીં રેલાવાની ઘેલી વિનંતી કરતું ઉમાશંકરજીનું એક ઋજુ કાવ્ય… શ્રાવણને ન વરસવાનું કહીને અંતે કવિ એને પોતાનાં જ નયનો સાથે સરખાવે છે કે શ્રાવણ તો મોસમ પૂરતો જ વરસીને રહી જશે પરંતુ એમનાં નયનોમાં તો બારેમાસ શ્રાવણનો નિતાર રહેવાનો જ છે; એના માટે ‘શ્રાવણ’નાં આવવાની રાહ જોવી પડતી નથી.  શ્રી ઉમાશંકરજીનું બીજું એક વિવિધ ઋતુઓ વિશેનું  યુગ્મગીત ગોરી મોરી, ફાગણ ફાલ્યો જાય પણ ફરી ફરીને માણવા અને સાંભળવા જેવું છે.

7 Comments »

  1. Jayshree said,

    July 22, 2010 @ 1:05 AM

    શ્રાવણ ! તારાં સરવડાં, મોરી અખિયન-ધાર;
    તું વરસીને રહી જશે, એના બારો માસ નિતાર.

    વાહ… મઝાનું ગીત.

  2. કિરણસિંહ ચૌહાણ said,

    July 22, 2010 @ 3:58 AM

    સુંદર કાવ્ય. સુંદર સમજૂતી.

  3. Kirtikant Purohit said,

    July 22, 2010 @ 10:13 AM

    શ્રાવણ ! તારાં સરવડાં, મોરી અખિયન-ધાર;
    તું વરસીને રહી જશે, એના બારો માસ નિતાર.
    . અરધી વાટે તું રેલીશ મા,

    વાહ્.ઍક્દમ સમયસરનુ ગીત….કેટલુ સરસ.

  4. Kalpana said,

    July 22, 2010 @ 4:39 PM

    સરસ ઊર્મિ કાવ્ય અને ઊર્મિસભર સમજૂતિ. કાવ્ય વાઁચતા જ હૈયુઁ લે હિલ્લોળ. વાહ કવિવર.
    આભાર ઊર્મિજી.
    કલ્પના

  5. વિવેક said,

    July 23, 2010 @ 2:34 AM

    સુંદર મજાનું ગીત… લવચિક લય અને ભીંજવી નાંખે એવા શબ્દો..

  6. Ashok Trivedi said,

    July 23, 2010 @ 11:46 PM

    ૨૪/૦૭/૧૦ મારા ગામ બામના ના કવિવરને પ્રનામ્ ટ વર્સિ ને રહિ જશએ…..

  7. Pinki said,

    July 27, 2010 @ 6:21 AM

    કવિશ્રીને જન્મશતાબ્દી નિમિત્તે શત શત વંદન !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment