મને ઓ કલ્પનાનાં ઉડ્ડયનની દાદ તો આપો,
કે મેં પિંજર મહીં હોવા છતાં પાંખો પ્રસારી છે !
બેફામ

અસલ અમલે – દેવેન્દ્ર દવે

(શિખરિણી)

ઝડી સંગે ઝીણું મરમરી ગયું વ્હાલ નભનું !
હવામાં ફૉરાણી મખમલ સમી મ્હેક મધ-શી !
પછી તો પૃથ્વીનું પડ પલળી પોચું થયું જરી,
મયૂરોની કેકા, રજનીભરી દાદુર ડમક્યા !

ઉદાસીનાં ઘેરાં પડળ ખસક્યાં – કૈંક હળવા
મિજાજે માતેલી કુદરત રહી શ્વાસ નરવા
ભરી, લ્યો લીલેરી ખૂબસૂરત ઓઢી ચુનરીને
ધરાને અંગાંગે તૃણ તૃણત રોમાંચ ગરવા !

રહસ્યો આ કેવાં, પ્રહર પૂરવે પ્હાડ-વગડા
ધખેલા, અંઘોળે નભ શત કરે શીતળ કરે !
રહ્યા વાતા શીળા પવન, વન વૃંદાવન બન્યાં !
ઉમંગે ઓચિંતા પલટઈ ગયાં દૃશ્ય સઘળાં !

જુદાઈવેળાના જડ, કુરૂપ ચ્હેરા સજ ધજી
રહ્યા સૌંદર્યોના અસલ અમલે ઘૂંટ ભરવા…

-દેવેન્દ્ર દવે

વરસાદના નિતાંત સૌંદર્યસભર ભીનુંછમ્મ સૉનેટ. ઘડીક નભનું વહાલ ઝરમર ઝરી જાય છે એવામાં તો પોચી થયેલી પૃથ્વી મધ જેવી મખમલી સુગંધથી તો મોર અને દેડકાં પોતાના અવાજથી તારસ્વરે વાતાવરણને ભરી દે છે. માતેલી સૃષ્ટિ હળવા મિજાને નરવા શ્વાસ ભરે છે અને ઉદાસીના ઊંડા પડ ખસકી જાય છે. લીલી તૃણની ચાદર જાણે કે ધરતીનો રોમાંચ ન હોય! થોડી વાર પહેલાં ભડભડ બળી રહેલ પ્રકૃતિ અચાનક વનમાંથી વૃંદાવન બની જાય આ કેવું રહસ્ય છે! એક નાનકડો ઉમંગ શું આપણી જિંદગીના દૃશ્ય પણ સમૂચા બદલી નથી નાંખતો? ઉમાશંકરે ખરું જ કહ્યું છે ને કે સૌંદર્ય પી, ઉર ઝરણ પછી ગાશે આપમેળે…

9 Comments »

  1. DR Bharat Makwana said,

    September 3, 2010 @ 4:35 AM

    ઉત્તમ,
    કુદરતી લીલાનું છાંદસ સોનેટ!

  2. Pancham Shukla said,

    September 3, 2010 @ 5:59 AM

    વર્ષાવૈભવને સરળ અને સમજાય એવી રીતે આ સોનેટ મૂકી આપે છે. શેક્સપિરિયન અંદાજમાં કવિ આખરી દ્વિકમાં ‘જુદાઈવેળાના ..’થી ભાવકને અગાઉના સરળ વર્ણનથી એકદમ ખસેડી લઈ ચિંતનની પરિપાટી પર લાવી વળાંકનો પડકાર ઝીલે છે.

    સોનેટ વિશે થોડી પૂરક માહિતીઃ
    http://en.wikipedia.org/wiki/Sonnet

    સામાન્ય રીતે સોનેટ એટલે વૃત્તબદ્ધ ૧૪ કડી, પણ માત્રામેળ કે અછાંદસ સોનેટ એવું પણ સાંભળવા/વાંચવા મળે. વળી ૧૪ કડીથી વધુ લાંબા એવા પૂંછડિયા સોનેટ પણ હોય! ગુજરાતીમાં પહેલું સોનેટ કોણે લખ્યું એનાં સંશોધનો પણ ક્યારેક નજરે ચડે.

  3. pragnaju said,

    September 3, 2010 @ 9:10 AM

    ભીનું ભીનું કુદરતનું સૌંદર્યગાન કરતું મઝાનું સૉનેટ

  4. Kirtikant Purohit said,

    September 3, 2010 @ 9:29 AM

    સરસ સૌન્દર્યમઢ્યુ ભર્યુ ભર્યુ સોનેટ.

  5. Ruchir Pandya said,

    September 3, 2010 @ 11:52 AM

    સોનેટ હમેશા મારો પ્રિય પ્રકાર રહ્યો છે. દેવેન્દ્ર ભૈ ને અન્ગત રિતે ઓળખુ છુ. નખ્શિખ કવિ છે કોઇ સાધક્ ની જેમ સોનેટ ની આરાધના કરી રહ્યા છે. સરસ સોનેટ્…આ ભાવ વાળા અન્ય સોનેટ તથા કાવ્યો છે પણ કવિ તેને નવિન રિતે નિહાળે છે .અભિવ્યક્તિ નવીન છે .

  6. preetam lakhlani said,

    September 3, 2010 @ 12:50 PM

    સ ર સ્……ગમતુ ….સોનેટ્………

  7. Ramesh Patel said,

    September 3, 2010 @ 1:13 PM

    સરસ આધ્યાત્મિક અને ઉચ્ચ ગુણવત્તા ભરી કૃતિ.
    આવી રચના એ આપના સંસ્કારી વાંચન અને વિચાર શક્તિનું ફળ છે.
    અભિનંદન.

    રમેશ પટેલ(આકાશદીપ)

  8. Kalpana said,

    September 3, 2010 @ 5:17 PM

    ખૂબ સુન્દર પ્રક્રૂતિ કાવ્ય. પહેલા વરસાદનુ આબેહૂબ વર્ણન. વરસાદને આવકાર દેતુ અનોખુઁ કાવ્ય. વિવેકભાઈએ સાચુઁ જ કહ્યુઁ છે વનમાથી વ્રુન્દાવન બને અને સાથે સાથે આપણુ મન પણ ભાગડુ જીન્દગી થી થોડી પળમાટે સૌઁદર્ય નિહાળવા થઁભી જઈ પ્રક્રુતિની અનેરી લીલા નીહાળી રહે.

    આભાર વિવેકભાઈ

    કલ્પના

  9. વિહંગ વ્યાસ said,

    September 3, 2010 @ 10:49 PM

    સુંદર મજાનું સૉનેટ માણવું ગમ્યું.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment