ચામડીમાં વણાઈ એકલતા
હોય ચાદર તો એને ખંખેરું
નયન દેસાઈ

વિદાયનું ગીત – મનોજ ખંડેરિયા

બીજો શું અર્થ હવે હોય તારી લીલીછમ પાનસમી
તૂટતી વિદાયનો

અડક્યાની સુંવાળી કેડીનો ખાલીપો
ખટકે છે આજ મને શૂળ થઈ
ઊઘડી રે જાય એવી પાંપણની છાંય તળે
સેવ્યાં’તા સમણાં એ ભૂલ થઈ

પરપોટે પુરાયો તૂટ્યો રે મ્હેલ સાત જન્મોના રંગોની ઝાંયનો
બીજો શું અર્થ હવે હોય,તારી લીલીછમ પાનસમી તૂટતી
વિદાયનો

દિવસ ને રાત તપી એકલતા એટલું કે
ઓગળ્યો સંબંધ બધો મીણનો
દરિયો આખો તો સખી,સહી લઈએ આજ
નથી જીરવાતો ભાર કેમે ફીણનો

ઓળખી ન શકતો રે હું જ મને કોઈ રીતે હાથમાં જ્યાં
લઉં જરા આયનો
બીજો શું અર્થ હવે હોય,તારી લીલીછમ પાનસમી
તૂટતી વિદાયનો

– મનોજ ખંડેરિયા

વાત વિદાયની છે-વિરહની નથી. અત્યંત ખૂબીથી ઉત્તમ ઉપમાનાં શણગારથી આ ગીત સજાવાયું છે. વિદાયની ક્ષણે સંબંધની સમીક્ષા સહજભાવે થઈ જાય છે. કહેવાય છે કે મળેલા જીવને વિદાય કનડતી નથી. એકલતા મીણના સંબંધને ઓગાળી દે છે – પરંતુ મીણ જેને સંવર્ધે છે તેવી બે જ્યોત જયારે એક થઈ જાય છે તેને કોઈ જુદું નથી કરી શકતું. દરિયો સહેવાય છે પણ ક્ષણિક ઉપરછલ્લાપણું નથી જીરવાતું. ક્યાંક કોઈક કચાશ,કોઈક ખોડ હતી કે શું સંબંધમાં ? આત્મનિરિક્ષણ કરતાં જાત ઓળખાતી નથી-સંવાદિતા નથી. કદાચ વિદાયને આ રૂપમાં બહુ જવલ્લે જ જોવાઈ હશે.

17 Comments »

  1. રાકેશ ઠક્કર, વાપી said,

    July 5, 2010 @ 12:39 AM

    સરસ ગીત

  2. varsha tanna said,

    July 5, 2010 @ 12:54 AM

    સબ્ંધોના ફીણ અને ઓગળેલા સબ્ંધોન મીણની વાત્ ન જીરવાતા છતાં જીવાતા વિરહની વાત

  3. dr bharat said,

    July 5, 2010 @ 2:22 AM

    વિદાયની વાત નુ ઉત્તમ શણગાર ગીત!

  4. Kalpana said,

    July 5, 2010 @ 3:47 AM

    કેટલુઁ કરુઁણ ગાન હોય છે વિદાયનુ! ખરેખર સ્પર્શી ગયુઁ હ્ર્દયને. વિદાય અને વિરહ બે સિક્કાની બે બાજુઓ છે જેને સઁજોગો લાગણી નુ રુપ આપે છે.
    સુઁદર રચના.આભાર

    કલ્પના

  5. kanchankumari. p.parmar said,

    July 5, 2010 @ 5:07 AM

    તારિ વિદાયે પાનખર એવિ છવાય કે આવિ વસંત તોય એ પાંદડે કોયલ કોઇ દિ ના ટહુકિ….

  6. Mousami Makwana said,

    July 5, 2010 @ 6:20 AM

    અતિ સુન્દર….!!!
    તારું ન હોવું પણ એક એવો અનુભવ છે
    કે વિરહ પણ મનના મિલનનો ઉત્સવ છે..!!

  7. pragnaju said,

    July 5, 2010 @ 7:53 AM

    ઓળખી ન શકતો રે હું જ મને કોઈ રીતે હાથમાં જ્યાં
    લઉં જરા આયનો
    બીજો શું અર્થ હવે હોય,તારી લીલીછમ પાનસમી
    તૂટતી વિદાયનો
    ખૂબ સરસ
    યાદ આવી

    ધમાલ ન કરો, – જરાય નહિ નેન ભીનાં થશો, –

    ઘડી બ ઘડી જે મળી – નયનવારિ થંભો જરા, –

    કૃતાર્થ થઈ લો, ફરી નહિ મળે જ સૌંદર્ય આ,

    સદા જગત જે વડે હતું હસન્તું માંગલ્ય કો!

    ધમાલ ન કરો, ધરો બધી સમૃધ્ધિ માંગલ્યની,

    ધરો અગરુ દીપ ચંદન ગુલાલ ને કુંકુમ;

    ધરો કુસુમ શ્રીફલો, ન ફરી જીવને આ થવો

    સુયોગ અણમૂલ સુંદર સુહાગી માંગલ્યનો!

    ધમાલ ન કરો, ન લો સ્મરણ કાજ ચિહ્ને કશું,

    રહ્યું વિકસતું જ અન્ત સુધી જેહ સૌંદર્ય, તે

    અખંડ જ ભલે રહ્યું, હ્રદયસ્થાન તેનું હવે

    ન સંસ્મરણ વા ન કો સ્વજન એ કદી પૂરશે.

    મળ્યાં તુજ સમીપે અગ્નિ! તુજ પાસ જુદાં થિંયેં,

    કહે, અધિક ભવ્ય મંગલ નથી શું એ સુંદરી?

  8. વિવેક said,

    July 5, 2010 @ 8:31 AM

    સુંદર કવિતા…

    અહીં વાત વિદાયની છે પણ અકારણ સાંપડતી વિદાયની છે… સૂકું હોય એ પાન તો ખરે જ પણ લીલું પાન ખરે ત્યારે તકલીફ થાય છે… સ્પર્શ કાંટા થઈ ભોંકાય છે અને સાથે સેવેલા સપનાંઓ ભૂલ જેવા ભારે લાગે છે…

  9. વિવેક said,

    July 5, 2010 @ 8:33 AM

    આ કવિતાની સાથોસાથ જ હરીશ્ચન્દ્ર ભટ્ટનું ‘સ્વપ્નપ્રયાણ’ યાદ આવી જાય…

    નિર્દોષ ને નિર્મળ આંખ તારી
    હતી હજી યૌવનથી અજાણ….

    કૂંળી હજી દેહલતા ન પાંગરી,
    કૌમાર આછું ઊઘડ્યું ન ઊઘડ્યું,
    પ્હેરી રહે જીવનચૂંદડી જરી,
    સરી પડી ત્યાં તુજ અંગથી એ !

  10. Girish Parikh said,

    July 5, 2010 @ 9:18 AM

    Pragnajubahen: The sonet you have given is by Ramanarayan Vishvanath Pathak. We studied it in the Gujarati textbook in the high shcool.

  11. satish.dholakia said,

    July 5, 2010 @ 9:39 AM

    દરિયો તો સમજ્ય , ફિણ નો પણ ભાર લાગે એ તો મનોજ ખન્દેરિયા જ હોય ! વાહ !

  12. Bharat Trivedi said,

    July 5, 2010 @ 3:48 PM

    કોઈ કવિતાને પામવા તે કવિનો અન્ગત પરિચચય જરુરી તો નથી જ છતા જો હોય તો કવિતાને માણવામા કે પામવામા ક્યારેક ઉપયોગી થાય તેમ બને ખરુ. સદગત મનોજભાઈ ઘણા રુજુ માણસ હતા. ક્યારેય ફરિયાદ ના કરે તેવા. આ ગીતના ઊઘડમા જ બધુ સ્પટ થઈ જાય છે અહી ઊપાલઁભ નથી પણ સ્વગતોક્તિ છે. પ્રણય વિચ્છેદની વેદના ગીતની સાથે ઘેરી થતી જાય છે.

    “યુ તો વોહ નઝદિક થે
    આસુઓકી ધુન્ધમે પહેચાને ન ગયે”

    અહી તો પોતે પોતાને ના ઓળખી શકે તેવા હાલ છે!

    બીજો શું અર્થ હવે હોય તારી લીલીછમ પાનસમી
    તૂટતી વિદાયનો

    અડક્યાની સુંવાળી કેડીનો ખાલીપો
    ખટકે છે આજ મને શૂળ થઈ
    ઊઘડી રે જાય એવી પાંપણની છાંય તળે
    સેવ્યાં’તા સમણાં એ ભૂલ થઈ

    મનોજભાઈ ભુલ્યા ભુલાતા નથી.

    ભરત ત્રિવેદી

  13. sapana said,

    July 5, 2010 @ 4:27 PM

    સરસ ગીત લીલાછમ પાનની તૂટવાની વિદાય..દિલને સ્પર્શે છે..
    સપના

  14. Pinki said,

    July 6, 2010 @ 8:31 AM

    તારી લીલીછમ પાનસમી તૂટતી વિદાય… વાહ !

    તેમનું જ એક ગીત યાદ આવી ગયું…

    કાટ રે ચડેલ કડાં ખર્યાં, કિચૂડાટથી ડહોળાતાં નીર, વીત્યાં કાળનાં….. !
    હિંચકે બેસી યાદોની સાંકળે કોણ ન ઝૂલ્યું હોય ?!

  15. DIVYA MODI said,

    July 6, 2010 @ 9:52 AM

    અદભૂત !!

    એક રમેશ પારેખ અને બીજા મનોજ ખંડેરિયા – ગુજરાતી સાહિત્યના આ બે ચાંદા- સુરજ વડે
    આપણું સાહિત્ય-જગત ઝળાંહળાં છે ને રહેશે.

  16. kanchankumari. p.parmar said,

    July 6, 2010 @ 11:55 AM

    સર્વે અભિપપ્રાયો સાથે મહાન કવિ શ્રેી રાસ્મનારાયણ પાઠક નુ સુંદર સોનેટ પણ માણ્યુ……આભાર.

  17. Girish Parikh said,

    July 6, 2010 @ 12:20 PM

    સોનેટનું શીર્ષક છેઃ ‘છેલ્લું દર્શન’.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment