મને ઓ કલ્પનાનાં ઉડ્ડયનની દાદ તો આપો,
કે મેં પિંજર મહીં હોવા છતાં પાંખો પ્રસારી છે !
બેફામ

એક સુંવાળી નદી – સુરેશ દલાલ

સદી સદીથી વહી રહી છે
                         એક સુંવાળી નદી
                         એક હૂંફાળી નદી.

નરસૈંયાનાં     વેણ    વ્હેણમાં      વહ્યા      કરે
મીરાંબાઈના    નેણ     ઝરમર       ઝર્યા    કરે
રસિકવલ્લભ   દયારામની   તરી રહી    ગરબી.

પ્રેમાનંદનાં  આખ્યાનો  ને અખાની  ધખતી  વાણી
દલપત-નર્મદ અર્વાચીનની ક્ષિતિજ ઉઘાડે શાણી
કાન્ત, કલાપી, ઠાકોરની તો  વાત નિરાળી, નરવી.

ન્હાનાલાલની   નૌકા   કેવી   લાડકોડથી     તરે
ધ્વનિ  અને  છંદોલયના   અહીં ટહુકાઓ તરવરે
ખડિંગ   દઈને  બરફના પંખી ઊડતાં  કદી કદી.

સિંજારવ  ને   પરિક્રમા   ને   બારીબહારનો પંથ
વિના   ભોમિકા   વસુધા કેરી યાત્રા  અહીં અનંત
લયને  રસ્તે  પ્રિયકાંત ને   મણિલાલ,   રાવજી.

ઓડિસ્યસનું   હલ્લેસું ને બૂમ કાગળમાં   કોરા
એક પલકમાં તૂટી ગયા અહીં તર્ક તણા કૈં દોરા
ફૂટપટ્ટીથી  મપાય   નહીં કદી દરિયાની ભરતી.

મેઘાણીના   યુગમેઘમાં ચમકે   વીજળી   સૂર
સ્વપ્નપ્રયાણે પશ્વિમ: કોડિયાં નહીં રવિથી દૂર
સતત, અચાનક, મૌન, આગમન, અટકળ કરો હજી.

– સુરેશ દલાલ

ગુજરાતી કવિતાના ઈતિહાસના સિમાચિહ્નોને સુરેશ દલાલ સરસ રીતે એક સુંવાળી, હુંફાળી નદી તરીકે અહીં રજૂ કર્યા છે. આ રચના પચ્ચીસ-ત્રીસ વર્ષ પહેલાંની છે એટલે ત્યાં સુધીની જ વાત એમાં છે. ગુજરાતી કવિતાના પાયા સમા કાવ્યસંગ્રહો અને રચનાઓ એમણે અહીં ઉલ્લેખ કર્યો છે તેમાંથી તમે કેટલી ઓળખી શકો છો ? જે સંદર્ભો તમે પકડી શકો એ નીચે કોમેંટમાં જણાવશો. શરૂઆત હું જ પહેલી કોમેંટથી કરું છું.  

3 Comments »

  1. ધવલ said,

    August 22, 2006 @ 8:27 PM

    છંદોલય = નીરંજન ભગતનો સંગ્રહ
    ઓડિસ્યસનું હલ્લેસું = સિતાંશુ યશશ્ચંદ્રનો સંગ્રહ
    વસુધા = સુંદરમનો સંગ્રહ
    ભોમિયા વિના ભમવાની વાત = ઉમાશંકરના પ્રસિદ્ધ ગીતનો સંદર્ભ

  2. પંચમ શુક્લ said,

    August 23, 2006 @ 6:48 AM

    ખડિંગ – રમેશ પારેખ
    બરફના પંખી – અનીલ જોશી
    ન્હાનાલાલની નૌકા – ડોલનશૈલી
    સતત -આદિલ મન્સૂરી
    બૂમ કાગળમાં કોરા- લાભશંકર ઠાકર ?

  3. નલિની દેસાઈ said,

    September 16, 2015 @ 7:52 AM

    મૌન – હરીન્દ્ર દવે

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment