રોકી રહી છે તમને તમારી શરમ, અને
મારા સિવાય મારે બીજો કોઈ ભય નથી !
– બાપુભાઈ ગઢવી

વાર તો લાગે જ ને ! – ઉદયન ઠક્કર

દૃશ્યથી ધીમા સ્વરોને, લાબું અંતર પાર કરતાં વાર તો લાગે જ ને !
આ ગઝલ વંચાઈ ગઈ પણ આંસુઓને કાને પડતા વાર તો લાગે જ ને !

રીસમાં ભીનાં થઈ બિડાઈ ગયેલાં નેણ એનાં, એમ તો ક્યાંથી ખૂલે ?
બોજ ઝાકળનો લઈને પાંખડીઓને ઉઘડતાં, વાર તો લાગે જ ને !

પાંખડીઓને વકાસી, સૂર્યની સામે કમળ જોયા કરે છે ક્યારનું,
ફેરવી લે મોં તિમિરથી એને અજવાળું સમજતાં વાર તો લાગે જ ને !

ઊછળી-ઊછળીને ફોરાં, વારે વારે દઈ ટકોરા, બ્હાર બોલાવી રહ્યાં,
ડોકિયું કાઢીને કૂંપણ એમ કહેતી, હસતાં હસતાં : વાર તો લાગે જ ને !

હા, એ કહેતા તો હતા કે વાડીનું રખવાળું કરવા ટાંકણે આવી જઈશ,
એક એક પતંગિયાની પાંખમાં રંગોળી પૂરતાં વાર તો લાગે જ ને !

– ઉદયન ઠક્કર

આ ગઝલ વાંચતા અનાયાસ જ જગજીતસિંહે ગાયેલી ગઝલ प्यार का पहला खत लिखने में वक्त तो लगता है યાદ આવી ગઈ. જોકે આ ગઝલનો મિજાજ અને કલ્પનો તદ્દન અલગ છે.

છેલ્લા શેરમાં કવિએ ભગવાને આપેલા વચન – ‘ધર્મની ગ્લાનિ અને અધર્મનો ઉદય થશે ત્યારે હું આવીશ’- વિષે અલગ રીતે વાત કરી છે. હજુ ભગવાન દેખાતા નથી એનું કારણ અહીં કવિ આપે છે. આ નખશીખ કવિતાની છે. અહીં તો પતંગિયાની પાંખ રંગવાનું કામ જગતનો ઉદ્ધાર કરવા જેટલું જ (કે કદાચ વધારે) જરૂરી છે !

5 Comments »

  1. પંચમ શુક્લ said,

    August 22, 2006 @ 8:48 AM

    સરસ મઝાની ગઝલ છે ધવલભાઈ

    હા, એ કહેતા તો હતા કે વાડીનું રખવાળું કરવા ટાંકણે આવી જઈશ,
    એક એક પતંગિયાની પાંખમાં રંગોળી પૂરતાં વાર તો લાગે જ ને !

    ગાલગાગા x 5 + ગાલગા

    અહીંયા કવિએ છંદમાં સહેજ છૂટ લઈને સરસ ચમત્કૃતી સર્જી છે.
    મને આ છૂટ પઠન માં કઠતી નથી, પરંતુ એ માટે અનુભવી કવિઓને ખૂબ સાંભળીને એ રીતે પઠન કરતાં શીખવું પડે. (છંદનું પઠન એ પણ એક કળા જ છે!)

    વિવેકભાઈ આપનું શું મંતવ્ય છે આ વિષે?

  2. Ashok chavda said,

    August 22, 2006 @ 10:25 AM

    અખો ક્યાંયે નથી,
    શોધી વળ્યો આખાયે ઈંટરનેટ પર,
    ગુર્જરોની અંધશ્રધ્ધાને દૂર કરવા
    દાદા અને દિદીઓના ત્રાસમાંથી છોડાવવાવાળો,
    પરાણે જય રામજી બોલાવતા અને લાખ્ખો ગુજરાતીઓને
    નિર્વિર્ય અને આળસુ બનાવતા દાઢીવાળાં બાવાઓથી
    બચાવવાવાળો
    અખો ક્યાંય નથી.

  3. ઊર્મિસાગર said,

    August 22, 2006 @ 10:47 AM

    તાંદુલી તત્વ હેમથી ભારે જ થાય છે,
    કિંતુ મળે જો લાગણી ત્યારે જ થાય છે.
    જ્યાં ત્યાં કદીય હાથ ના લંબાવ; ઓ હૃદય !
    મૈત્રીનું મૂલ્ય કૃષ્ણને દ્વારે જ થાય છે.

    I like this one the MOST!!!

  4. કલ્પેશ said,

    August 23, 2006 @ 10:04 AM

    તિમિર – અંધકાર, અંધારું
    વકાસી – ઉઘાડી (વકાસવું – ઉઘાડવું)
    નેણ – નયન, આંખ
    કૂંપણ (કૂંપળ – કળી)

    ભુલ હોય તો માફ કરશોજી.

  5. Abhijeet Pandya said,

    September 4, 2010 @ 12:44 PM

    રચના સુંદર છે.

    રીસમાં ભીનાં થઈ બિડાઈ ગયેલાં નેણ એનાં, એમ તો ક્યાંથી ખૂલે ?
    બોજ ઝાકળનો લઈને પાંખડીઓને ઉઘાડતાં, વાર તો લાગે જ ને !

    ઉપરોક્ત શેરમાં ” ઉઘાડતાં ” ની જગાએ ” ઉઘડતાં ” હોવું જોઇએ. ગઝલકારે “ઉઘડતા” જ વાપર્યુ હશે. પ્રીન્ટ એરર
    લાગે છે. સુધારો કરવા િવનંતી.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment