આપણે રહેવાનું કેવળ આપણામાં
આપણે મળવાનું કેવળ ધારણામાં.

હૂંફ શાને શોધે છે તું તાપણામાં?
એટલી ઉષ્મા નથી શું આપણામાં?
- વિવેક મનહર ટેલર

ચંદ્ર – ઉદયન ઠક્કર

ઘૂઘવાટોથી ન આવ્યો હાથમાં
કેવો ઝિલાઈ ગયો, નિરાંતમાં

નેણ તો એનાંય ઝરમરતાં હશે
ચાંદ નીતરતો હશે, વરસાદમાં

ઊજળો ધંધો તો સોમાલાલનો!
વેચે રોકડમાં ને લે ઉધારમાં

આ અમાસો તો હવે કોઠે પડી
અમને મોટો લાડવો દેખાડ મા!

આ સળગવું, આખરે, શું ચીજ છે?
ચાંદ પૂછે કોડિયાને, કાનમાં

– ઉદયન ઠક્કર

ચંદ્ર વિષે ઘણી રચનાઓ છે પણ ચંદ્રની ઉધારનો ઘંધો કરતા સોમાલાલ તરીકે વાત તો અહીં જ જોવા મળશે ! પહેલા શેરમાં ચંદ્રનું પ્રતિબિંબ ઘૂઘવતા પાણીમાં પડતું નથી પણ શાંત પાણીમાં સુપેરે ઝીલાય છે એ વાત બહુ નાજુક રીતે કરી છે. આટલો મોટો ચાંદો થયો પણ આખરે એ તો બાપકમાઈનો જ પ્રકાશ વાપરે છે. જાતે બળવાનો અર્થ તો એણે પણ આપકમાઈથી પ્રકાશતા કોડિયાને જ પૂછવો પડે.

3 Comments »

  1. વિવેક said,

    August 16, 2006 @ 3:17 AM

    ચંદ્રની બાપકમાઈની વાત પરથી એક મારો શેર યાદ આવી ગયો:

    છે ઊછીનું તેજ તો પણ ઠારતું, ના બાળતું,

    લેણ-દેણીની રસમ ગર્વિત કરે છે ચાંદની.

  2. સુરેશ જાની said,

    August 16, 2006 @ 11:48 AM

    મને લાગે છે કે અહીં સોમાલાલ એટલે ચંદ્ર પોતે ( સોમ) , એમ જ સમજવાનું છે !! તે સૂરજ પાસેથી ઉધાર લે છે અને રોકડા રૂપીયાની જેમ આપે છે, અને પાછો તેનો માલ વધારે વખણાય છે !!

  3. પ્રતિક ચૌધરી said,

    September 5, 2008 @ 5:50 AM

    વાહ! ખરેખર ખુબ જ સુંદર શેર છે…………

    આ સળગવું, આખરે, શું ચીજ છે?
    ચાંદ પૂછે કોડિયાને, કાનમાં

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment