મુસીબત પડી એ તો સારું થયું,
સ્વજનને તો સરવાનો મોકો મળ્યો.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

પીછું – મનોજ ખંડેરિયા

ગગન સાથ લઇ ઊતરે એ ફરકતું
વિહગ-પાંખથી જે ખરી જાય પીછું

ફરકતું પડે ત્યારે ભૂરી હવામાં
ઝીણાં શિલ્પ કૈં કોતરી જાય પીછું

હજી એમાં કલશોર ગૂંજે વિહગનો
સૂનું આંગણું આ ભરી જાય પીછું

હ્રદયમાં વસ્યાં પંખીઓ બ્હાર આવે
કદી આંખમાં જો તરી જાય પીછું

ગગનના અકળ શૂન્યમાં જઇ ડૂબે, જે
વિહગને ખર્યું સાંભરી જાય પીછું

– મનોજ ખંડેરિયા

આધુનિક ગઝલના એક યાદગાર મુકામ જેવી આ ગઝલ હજુ લયસ્તરો મૂકવાની રહી જ ગયેલી.  પીંછું – એ કોમળ પ્રતિક વાપરીને કવિ એક પછી નકશીદાર શેર ઉતારે છે.  બીજો શેર મારો સૌથી પ્રિય છે – હવામાં ગોળગોળ ફરતું પીંછું (યાદના, ગમતા ચહેરાના કે પછી ભાવિના ઈગિંત) ઝીણાં શીલ્પ કોતરતું કોતરતું ઉતરતું જાય એ કલ્પના જ નકરી મધમીઠી છે.

13 Comments »

  1. Taha Mansuri said,

    May 6, 2010 @ 10:33 PM

    મનોજ ખંડેરિયા, ગુજરાતી ગઝલનો હાથ ઝાલી પરંપરાના માર્ગેથી આધુનિકતાની કેડી પર મુકી આવનાર.

  2. અભિષેક said,

    May 6, 2010 @ 11:25 PM

    મારી પ્રિય ગઝલમાની એક. આભાર ધવલભાઇ

  3. વિહંગ વ્યાસ said,

    May 7, 2010 @ 1:21 AM

    ઋજુ કવિની ઋજુ કલ્પનોથી સભર ગઝલ !

  4. ડૉ.મહેશ રાવલ said,

    May 7, 2010 @ 1:25 AM

    આખે-આખી ગઝલ એક અલગ જ ભાવ-વિશ્વમાં દોરી જાય છે .
    મનોજભાઈની કલમે એક એકથી ચડિયાતી ગઝલો આપી છે અને આ મને એમ છે કે એમની એકથી દસ શ્રેષ્ઠ ગઝલોમાં મૂકી શકાય એવી જાનદાર ગઝલ બની છે.
    સલામ એ ગઝલયતના કસબીને.

  5. Pinki said,

    May 7, 2010 @ 5:55 AM

    મારી ગમતી ગઝ્લ…. પીંછા જેવી જ નાજુક !

  6. pragnaju said,

    May 7, 2010 @ 7:52 AM

    ખૂબ જાણીતી ગઝલ
    જ્યારે માણીએ ત્યારે નવા ભાવ આવે
    હ્રદયમાં વસ્યાં પંખીઓ બ્હાર આવે
    કદી આંખમાં જો તરી જાય પીછું

    ગગનના અકળ શૂન્યમાં જઇ ડૂબે, જે
    વિહગને ખર્યું સાંભરી જાય પીછું
    આ પંક્તિઓ વિષે ચિંતન કરીએ તો તેની ભાવાભિવ્યક્તીમા ઘણું લખી શકાય પણ આજે મૌનથી સલામ

  7. વિવેક said,

    May 7, 2010 @ 8:18 AM

    સુંદર રચના…

    આ ગઝલ વાંચી વાંચીને એક જમાનામાં ઘણી ગઝલો લખી નાંખી હતી…

  8. Praveenkant Thaker said,

    May 7, 2010 @ 9:01 AM

    ખરી ગઝલ અંતરમાં પ્રસ્ફુટ થઈને કલ્પનાની ધારથી કાગળ પર વહે છે, ફક્ત કલમની કોરેથી કોતરાતી નથી, તે સ્ત્યનું પ્રત્યક્ષ જીવંત ઉદાહરણ એવી આ અનેરી, સાચી ગુજરાતી ગઝલને અંતરનાં ઓવારણાં !

    એની અસરનું ઓછું વિશ્લેષણ કરવું અઘરુ પડે !

    મારો પ્રિય કવિ સ્વ. મનોજ મારા સ્વ. નાના ભાઈનો બાળગોઠીઓ હતો. એની યાદ આજ વર્ષો પછી પણ મારાં હૈયાંને હલાવી જાય છે.

  9. urvashi parekh said,

    May 7, 2010 @ 7:29 PM

    સરસ વાત,
    હ્ર્દય માં વસ્યા પન્ખીઓ બહાર આવે.
    કદી આંખ માં તરી જાય પીંછુ.

  10. Girish Parikh said,

    May 7, 2010 @ 8:27 PM

    મનોજની ગઝલની તો વાત જ શી કરવી?

    ફરકતું પડે ત્યારે ભૂરી હવામાં
    ઝીણાં શિલ્પ કૈં કોતરી જાય પીછું

    હા, મારા ગ્રામ જીવનમાં મેં ઊંચેથી હવામાં ખરતું ને શિલ્પ કોતરતું પીંછુ ખરેખર જોયું છે. ઉપરનો શેર વાંચતાં એ પીંછુ મારા મનના આકાશમાં સરતું સ્મરણપટ પર આવ્યું!

  11. sudhir patel said,

    May 7, 2010 @ 9:41 PM

    સદાબહાર ગઝલ!
    સુધીર પટેલ.

  12. Pancham Shukla said,

    May 8, 2010 @ 4:58 AM

    ગઝલ સ્વરૂપે એક ઉત્તમ કાવ્ય.

  13. ચાંદ સૂરજ said,

    May 8, 2010 @ 6:14 AM

    જ્યારે જ્યારે આ પીંછડાને સ્પર્શીએ ત્યારે એ પીંછુ અંતરે અભિનવ ભાવની ભાત કોરે છે. શ્રી મનોજભાઈ ખંડેરિયાને વંદન.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment