પાંખડીઓ ઉપર તુષાર નથી,
રોજના જેવી આ સવાર નથી.
વિવેક મનહર ટેલર

મન મૂકી વરસ – પુરુરાજ જોષી

બે ચાર છાંટાથી છીપે, એવી નથી તરસ,
તારે વરસવું હોય તો આકાશ, મન મૂકી વરસ.

નાંખ છત્રીને ધરામાં, નિર્વસન થૈને નીકળ,
આવું ચોમાસું ભલા ન આવતું વરસોવરસ.

મઘમઘું હું હેમ થઈને, ઝગમગું સૌરભ બની,
તું મને સ્પર્શે તો મિતવા આવ એ રીતે સ્પરશ.

કોઈ મારામાં વસે છે, ને શ્વસે છે રાતદિન,
એ મને જોતું સતત, પણ ના થતાં એના દરશ.

અંગ પરથી વસ્ત્ર જળની જેમ સરતાં જાય છે,
કોણ સામે તીર બજવે બાંસુરી એવી સરસ.

સાંકડે મારગ, મદોન્મત્ત હાથિણી સામે ખડો,
કાં છૂંદી નાંખે મને, કાં મસ્તકે ઢોળે કળશ.

– પુરુરાજ જોષી

મન મૂકીને વરસવા મજબૂર કરી દે એવી મોહક ગઝલ.

13 Comments »

  1. વિવેક said,

    March 24, 2010 @ 12:28 AM

    ગઝલ સરસ છે પણ છંદદોષ એટલો બધો gross છે કે સમજાતું નથી કે આ ચલાવી શકાય? છેલ્લા ચાર શેરમાં રમલ છંદ તદ્દન ખરો પ્રયોજાયો છે પણ પહેલાં બે શેર વિશે શું કહેવું એ સમજાતું નથી…

    વળી મત્લાના શેરમાં કાફિયાનો આધાર ‘સ’ બાંધ્યા પછી ‘શ’ લઈ શકાય કે કેમ એ અંગે પણ શંકા છે…

    કોઈ જાણકાર માણસ પ્રકાશ પાડી શકે તો ગમશે…

  2. નિનાદ અધ્યારુ said,

    March 24, 2010 @ 1:17 AM

    એક-બે છાંટે કદી છીપાય ના મારી તરસ,
    જો વરસવું હોય તો આકાશ! મન મૂકી વરસ.

  3. નિનાદ અધ્યારુ said,

    March 24, 2010 @ 4:17 AM

    સાંકડે મારગ, મદોન્મત્ત હાથિણી સામે ખડો,
    કાં તો એ કચડે મને, કાં મસ્તકે ઢોળે કળશ.

  4. અભિષેક said,

    March 24, 2010 @ 4:29 AM

    મઘમઘું હું હેમ થઈને, ઝગમગું સૌરભ બની,
    તું મને સ્પર્શે તો મિતવા આવ એ રીતે સ્પરશ.

    સરસ પંક્તિ છે.

  5. pragnaju said,

    March 24, 2010 @ 9:12 AM

    અંગ પરથી વસ્ત્ર જળની જેમ સરતાં જાય છે,
    કોણ સામે તીર બજવે બાંસુરી એવી સરસ.

    સાંકડે મારગ, મદોન્મત્ત હાથિણી સામે ખડો,
    કાં છૂંદી નાંખે મને, કાં મસ્તકે ઢોળે કળશ.

    પંક્તિઓ ગમી

    યાદ …
    ગોરંભો લઈ ગગન ઝળુંબે
    એક પડે ના ફોરૂં
    તારે ગામે ધોધમાર,ને
    મારે ગામે કોરૂં
    ગોરંભો……………….

    પલળેલી પહેલી માટીની,
    મહૅંક પવન લઈ આવે-…
    ઝરમર ઝરમર જીલવુ અમને
    બહાર કોઈ બોલાવે
    આઘે ઉભું કોણ નીતરતું
    કોણ આવતું ઓરૂં …

    ગોરંભો………….

    નાગણ જેવી સીમ વછુટી
    ધસી આવતી ઘરમા…
    ભીંતે ભીતે ભાર પડ્યા
    હુ ભરતભુરૂં ઉંબરમા ..
    ચાસ પડ્યા તારા ચૌટામાં
    હું અંધારા ઓઢું
    ગોરંભો………….

    ગોરંભો લઈ

  6. Girish Parikh said,

    March 24, 2010 @ 6:11 PM

    સાંકડે મારગ, મદોન્મત્ત હાથિણી સામે ખડો,
    કાં છૂંદી નાંખે મને, કાં મસ્તકે ઢોળે કળશ.

    આ છેલ્લો શેર વાંચતાં માયાનાં બે સ્વરૂપ, વિદ્યામાયા અને અવિદ્યામાયા, યાદ આવ્યાં. The Gospel of Sri Ramakrishna (www.ramakrishnavivekananda.info) માં શ્રી રામકૃષ્ણે આ સરસ સમજાવ્યું છે. વિદ્યામાયા માનવીને આધ્યાત્મિક ઊંચાઈ પર લઈ જવા પ્રેરણા આપે છે જ્યારે અવિદ્યામાયા માનવીને નીચે પછાડે છે!
    હાથિણી મને અહીં માયાનું પ્રતીક લાગે છે.

  7. preetam lakhlani said,

    March 25, 2010 @ 12:23 PM

    ભાઈ વિવેક તમારી વાત શાચી છે પણ કોણ આવી ચિવટ પુવક ગઝલ વાચે છે, અને વાચે છે એ આવી ખોટી માથાજીકમા પડવા માગતા નથી!!! ધણા એવા નામિ ગઝલકાર છે કે જેની ગઝલ ક્ચરા જેવી હોય તો પણ એકવાર સ્થાપિક થઈ ગયા અટલે પછી ગમે તે સામાયિકમા પ્રગટ્ થય જાય છે..ખરેખર આ દુખની વાત છે!!

  8. Pancham Shukla said,

    March 26, 2010 @ 10:04 AM

    ગઝલની વાત બહુ મઝાની છે; સાથે વિવેકભાઈની ચીવટ પણ ધ્યાન ખેંચે છે.

  9. sudhir patel said,

    March 26, 2010 @ 5:00 PM

    પ્રથમ શે’ર (મત્લા)માં જ છંદદોષ છે, જે ખૂંચે છે.
    અન્યથા, ગઝલ ખૂબ સુંદર થઈ છે.
    જો બુક પ્રમાણે જાઓ તો કાફિયા-દોષ ગણાય, પરંતુ એ ચલાવી પણ શકાય એમ હું અંગત રીતે માનું છું.
    સુધીર પટેલ.

  10. Jigar said,

    June 23, 2016 @ 2:46 PM

    મત્લામાં એક શબ્દ કદાચ પ્રિન્ટ દોષને કારણે છપાયો ન હોય એવું લાગે છે;

    બે ચાર છાંટાથી છિપે એવી નથી “મારી” તરસ,
    તારે વરસવું હોય તો આકાશ, મન મૂકી વરસ.

    હવે મત્લાનું છંદબંધારણ આવું થાય છે :
    ગા ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા

    same એવી ક્ષતિ જેવી આપણે વેણીભાઇ પુરોહીતની
    “પી જવાનું હોય છે” માં જોઇ અને ચર્ચી.

    વિવેકભાઇ
    બીજા શેરમાં તો કોઇ ખાસ ક્ષતિ નજરે ચડતી નથી !

    “નાંખ છત્રીને ધરામાં, નિર્વસન થૈને નિકળ,
    અાવું ચોમાસું ભલા ના આવતું વરસોવરસ.”

    મત્લા પછીનાં તમામ શેરો રમલ છંદમાં બરાબર જાય છે.
    મત્લાનાં બંને મિસરાઓમાંથી જો આગળનાં ગુરુઓ કાઢી
    નાંખવામાં આવે તો પણ મત્લાનો impact લગભગ
    એમનેએમ રહે છે:

    “ચાર છાંટાથી છિપે એવી નથી મારી તરસ,
    રે વરસવું હોય તો આકાશ, મન મૂકી વરસ.”

    ઓરીજીનલ મત્લો કદાચ આવો પણ કૈંક હોઇ શકે અને
    આપ સુધી પહોંચતા પહોંચતા થોડો દોષિત થયો હોય !!

    આ બે ગઝલો જોયા પછી એવું નથી લાગતું કે એક
    જમાનામાં રમલ છંદમાં આગળ extra ગુરુ લગાવવાની
    છૂટ હશે !? કે ચલણ હશે !? બાકી માંધાતાઓ આવી ભુલો
    કરે એ ગળે નથી ઉતરતું.

  11. Jigar said,

    June 23, 2016 @ 2:51 PM

    હા
    રદીફ “સ” નીમ્યા પછી ત્રણ જગ્યાએ “શ” ખટકે છે ખરા..
    પણ ગઝલ જબરદસ્ત છે, બેશક..

  12. વિવેક said,

    June 24, 2016 @ 2:50 AM

    તમારી વાત સાચી છે, જિગરભાઈ…

    મત્લાને બાદ કરતાં બધા શેરમાં છંદ બરાબર સચવાયો છે. મત્લાના શેરમાં ‘મારી” શબ્દ ટાઇપ કરવો રહી ગયો લાગે છે.

    મત્લાના બંને મિસરામાં એક ગુરુ વધારાનો છે એ મારી દૃષ્ટિએ ન ચાલે.

  13. Jigar said,

    June 24, 2016 @ 4:24 PM

    વિવેકભાઇ,
    હા તમારી વાત તદ્દન ખરી છે, આવો છંદદોષ તો ન જ ચાલે.

    પણ આમાં એક નવો angle પણ છે :
    composer’s angle..
    આ છંદદોષ ગઝલ compose કરતી વખતે ચાલી નહિ પણ દોડી જાય છે અને એટલું જ નહિ, આ વધારાનો “ગા” મત્લાને extra sweetness આપે છે !!
    હું ધુન બનાવવાનો જાણકાર બિલકુલ નથી, ફક્ત ફન ખાતર ધુનો બનાવું છું..આ ગઝલનો મત્લો અને એક શેર સ્વરબદ્ધ કર્યા છે..તમને મોકલાવીશ..જજ કરજો..

    હું પુરુરાજભાઇ વિષે તો કશું જાણતો નથી, પણ કદાચ એ પોતાની ગઝલો કમ્પોઝ કરીને પોતે ગાતા હોવા જોઇએ અને ધુનની અનુકુળતા પ્રમાણે આ મત્લો વધારાનાં ‘ગા’ સાથે લખાયો હોય..શક્યતા ઘણી.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment