ચોઘડિયાંઓ જોતો રહેશે, માણસ તોયે રોતો રહેશે.
સુખનો સૂરજ ઊગે તોયે, દુઃખનો ડુંગર મોટો રહેશે.
ઉર્વિ પંચાલ 'ઉરુ'

સૉનેટ – ઉમાશંકર જોશી

કહું કે ચાહું છું જગ સકલમાં એક જ તને,
રખે માને વ્હાલી ઇતર પ્રણયો ના મુજ ઉરે;
રખે વાંછે,ભોળી,ઇતર પ્રણયો ના ટકી શકે
ઉરે મારે, તારા અનુભવ પછીયે સુમૃદુલ!
બિછાવે છોને સૌ પ્રણયની જગે રમ્ય ભ્રમણા,
અનન્યાસક્તિની વિતથ કરી વાતો પ્રિય કને.
સખી, હૈયાની જે અમિત ધબકો ઊઠી શમતી,
કહે શું ખોટું જો કદીક મળી કોને મહીંથી બે ?

કહું સાચ્ચું વ્હાલી,મુજ હૃદય જાગ્યા અણગણ્યા,
હજી જાગે,જાગ્યા હજીય કરશે કૈંક પ્રણયો,
અજાણી કો બાલા સ્મિત દઈ ગઈ,કો દૃગ મૃદુ,
અમી શબ્દો,સૂરો ક્યમ કરી સહુ એ ભૂલી જવું ?
ગણું સૌનો એવો તું પણ સખી અહેસાન ગણજે,
રહસ્યો તારાં હું લહું પરમ એ સર્વ થકી તો.

– ઉમાશંકર જોશી.
[1937]

પ્રણયની ચરિતાર્થતા શેમાં ? વ્યક્તિનિષ્ઠ પ્રણય એ સમષ્ટિનિષ્ઠ પ્રણય ના માર્ગની બાધા બને તે કવિને રુચતું નથી. શું વ્યક્તિ એક જ પાત્રને ચાહી શકે ? માની લો કે બીજા પાત્ર માટે પ્રણયની તીવ્ર લાગણી થાય તો આત્મવંચના કરી પ્રથમ પાત્ર માટે જ પ્રેમ છે તેવું સેલ્ફ-હિપ્નોસીસ કરવું , કે ખુલ્લા દિલે વાસ્તવિકતાનો સ્વીકાર કરવો ? પ્રશ્નોના સર્વસ્વીકાર્ય ઉત્તર કદાચ ન હોઈ શકે – તુંડે: તુંડે: મતિ: ભિન્ના: …… પરંતુ પ્રશ્ન અત્યંત પ્રસ્તુત છે. જાતને છેતરવાનો આસાન રસ્તો લેવો કે ચીલો ચાતરવાની તૈયારી સાથે road less travelled ઉપર ચાલી નીકળવું તે દરેક વ્યક્તિની ફિતરત ઉપર છોડવાની વાત છે……

17 Comments »

  1. વિવેક said,

    March 21, 2010 @ 2:06 AM

    ઓહ માય! અને આ કવિતા 1937માં લખાઈ છે!!!

  2. વિવેક said,

    March 21, 2010 @ 2:10 AM

    પ્રેમમાં આ નિખાલસતા હોવી અનિવાર્ય નથી ? જો કે મોટાભાગના સંનિષ્ઠ અનન્યાસક્તિ પ્રેમીઓ ઉમાશંકર જોશીની આ કવિતા સામે વિરોધ નોંધાવશે…

    મારો એક શેર યાદ આવે છે:

    તમે ચાહો છો જેને, ચાહતો હોય એ બીજાને પણ
    તમે એનેય જો ચાહી શકો તો પ્રેમ છે સાચો.

  3. અભિષેક said,

    March 21, 2010 @ 2:40 AM

    વિવેકકુમાર

    આજે ૨૧મી માર્ચ છે. આ દિવસને સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા યુનેસ્કો દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ તરીકે ઉજવવામા આવે છે. સમગ્ર વિશ્વગુર્જરીને આ દિવસની હાર્દિક શુભેચ્છા. ગુજરાતી કવિતાનો સતત અભિષેક કરતા બ્લોગસ ટહૂકો, લયસ્તરો,ઊર્મીસાગર, રણકાર,ગાગરમા સાગર અને આવા અનેક બ્લોગ્સના સંચાલકોને ‘અભિષેક’ તરફથી હાર્દિક શુભેચ્છા. આપણા સહુના સહિયારા પ્રયાસો વડે આ શબ્દાભિષેક સતત થતો જ રહેશે એવી ખાતરી છે.
    આજના દિવસવિશે વધુ માહિતી વાંચવા માટે આ લીંક અનુસરો. http://www.krutesh.info/2010/03/blog-post_21.html

  4. kanchankumari parmar said,

    March 21, 2010 @ 3:47 AM

    આપણિ તો ભઈઆમા ચાંચ ના ડુબિ….એટ્લિ ખબર કે કવિ કલાપિ ને ક્ંઇક આવો જ પ્રશ્ન ઉભો થયેલો ત્યારે બનેને એટલે કે પત્નિ રમાબા અને પ્રેમિકા શોભના ને સરખા જ ચાહવા નિ વાત કરેલિ …..એક બે નિ વાત છોડી સમગ્ર વિશ્વ ને ચાહો તો મને લાગે છે કે માનવ જિવન સાર્થક થયુ ગણાય….

  5. kanchankumari parmar said,

    March 21, 2010 @ 4:04 AM

    વિજાતિય પ્રેમ નો ઉભરો સમય જાતા શમિ જાય …..પણ માનવ માનવ માટે નો પ્રેમ હ્ંમેસા રહેવો જોઈયે…

  6. vishwadeep said,

    March 21, 2010 @ 8:42 AM

    ગણું સૌનો એવો તું પણ સખી અહેસાન ગણજે,
    રહસ્યો તારાં હું લહું પરમ એ સર્વ થકી તો.
    સુંદર પ્રયણ સોનેટ…

  7. pragnaju said,

    March 21, 2010 @ 12:38 PM

    અજાણી કો બાલા સ્મિત દઈ ગઈ,કો દૃગ મૃદુ,
    અમી શબ્દો,સૂરો ક્યમ કરી સહુ એ ભૂલી જવું ?
    ગણું સૌનો એવો તું પણ સખી અહેસાન ગણજે,
    રહસ્યો તારાં હું લહું પરમ એ સર્વ થકી તો.

    સર્વાંગ સ-રસ સૉનેટના કવિશ્રી ઉમાશંકર જોશીને પ્રણીપાતેન

    આ આઘ્યાત્મિક મહાવરાઓના ભૌતિક અર્થોપણ ઓછા સમૃદ્ધ નથી. માતા અને સંતાનના જૈવિક, દૈવિક અને ભૌતિક સંબંધો તથા રાગ-અનુરાગ તો ચારે તરફ પ્રસરેલા દેખાય-અનુભવાય છે. દ્રશ્ય એકદમ સામાન્ય છે એટલે કોઇને એમાં કોઇ અનોખું તત્ત્વ નથી દેખાતું. આ દ્રશ્ય વિરલ હોત તો એનાથી અભિભૂત થઇ શકાત. માની મમતા સહજ રીતે મળતી હોવાથી તેનું માહાત્મ્ય સંતાનો ઝટ સમજી નથી શકતા.
    આદિ શંકરાચાર્યે માના સ્નેહના અનુભૂતિ માટેની સંવેદનાને પુણ્ય સંસ્કાર કહી છે. લાગણીશીલ સંતાન માતાની મમતા પ્રત્યે ભારોભાર ધન્યતા અને ઉપકારનો ભાવ અનુભવે છે. આ બોધ-ઉપદેશ-જ્ઞાન પર ભાર મૂકવા માટે શંકરાચાર્ય સંન્યાસની મર્યાદાઓને થોડો સમય ભૂલીને, મા પાસે દોડી આવ્યા હતા. અંતિમ સમયે મા પાસે રહેવાનું વચન નિભાવનારા શંકરાચાર્યનો એ સમયે ભલે વિરોધ થયો હશે, પરંતુ પછી માધવાચાર્યે ‘દિગ્વિજય’ ગ્રંથમાં આ કૃત્યને ખૂબ જ ઉરચ કોટિનું સાધન ગણાવ્યું હતું. ઇતિહાસે એને એક સંન્યાસીની માતૃભકિત અને અઘ્યાત્મએ એને શકિતની આરાધના રૂપે જોયું.

  8. pragnaju said,

    March 21, 2010 @ 1:02 PM

    મરીઝ સાહેબ પણ એક મત્લામાં કહે છે…
    ‘‘સતત છે પ્રેમ નિરંતર વફા નથી મળતી
    તમારી યાદ હૃદયમાં સદા નથી મળતી…’’

    અને આ જ શેરનો જવાબ પણ મરીઝ સાહેબ પોતાના જ અંદાજેબયાંમાં આપે છે.
    ‘‘કોઈનાયે પ્રેમમાં શંકા નથી કરવી પરંતુ કેમ આ શ્રદ્ધાનો અભાવ આજે ઊથલો મારે છે;
    સ્નેહીજનોના પ્રેમમાં શંકા નથી મગર લાગે છે કેમ કોઈ અમારૂં થયું નહીં !’’

    સંબંધની આસપાસ બઘું જ હોય અને છતાંય કશુંક ખૂટતું હોય

    એનો કોઈ જવાબ આપણી પાસે નથી હોતો

  9. Taha Mansuri said,

    March 21, 2010 @ 9:32 PM

    Bahot khub.

  10. Pushpakant Talati said,

    March 22, 2010 @ 6:16 AM

    તમે ચાહો છો જેને, ચાહતો હોય એ બીજાને પણ
    તમે એનેય જો ચાહી શકો તો પ્રેમ છે સાચો.

    સાચી વાત છે વિવેકભાઈ , તમારો આ ઊપરનો શેર યોગ્ય જ છે.
    હુઁ બીજો યાદ કરાવુઁ ? તો આ લ્યો વાન્ચો નીચેનો શેર ;- (આ મારો નથી પણ કશેક અમો ભણેલા છે. )

    ‘ગણ્યુઁ જે પ્યારુ પ્યારાએ – અતિ પ્યારુ ગણી લેજે.

  11. અનામી said,

    March 22, 2010 @ 7:13 AM

    આપણી પણ ચાંચ ના ડુબી………જાણે શબ્દોનો ઢગલો….
    એના કરતા તો એ બરાબર છે કે….
    તમે ચાહો છો જેને, ચાહતો હોય એ બીજાને પણ
    તમે એનેય જો ચાહી શકો તો પ્રેમ છે સાચો.
    ..અને…
    ગણ્યુઁ જે પ્યારુ પ્યારાએ – અતિ પ્યારુ ગણી લેજે.

  12. અનામી said,

    March 22, 2010 @ 7:19 AM

    વિવેક્ભાઈ અને ધવલભાઈ ને એક સુચન કે- શું દરેક પૅજ પર HOME જેવી link ના મુકી શકાય???????

  13. Pinki said,

    March 22, 2010 @ 7:44 AM

    કહું કે ચાહું છું જગ સકલમાં એક જ તને,
    રખે માને વ્હાલી ઇતર પ્રણયો ના મુજ ઉરે;

    ૧૯૩૭માં લખાયેલ આ કાવ્ય – તે પેઢીને તો કદાચ આઘાતજનક જ લાગે ?!

    જોકે, બે ઘડીનાં આંખ મીંચામણાંને પ્રણય કહી શકાય ખરો ?
    પણ બે ઘડીની બેવફાઈ પણ કવિને મંજૂર નથી એટલે જ તેને દોષ માની આ સોનેટ થકી પશ્વાતાપ કરી લે છે…. !!

  14. વિવેક said,

    March 22, 2010 @ 8:06 AM

    પ્રિય અનામી મિત્ર,

    સાઇટના મથાળે લયસ્તરો લખ્યું છે, એના પર ક્લિક કરશો એટલે હોમ-પેજ આપમેળે આવી જશે…

  15. અનામી said,

    March 23, 2010 @ 7:18 AM

    આભાર વિવેકભાઈ……

  16. Pancham Shukla said,

    March 26, 2010 @ 10:10 AM

    વિન્ટેજ સૉનેટ. કયાંથી શરૂઆત થઈ અને કયાં પહોંચ્યું?

    આ સૉનેટ એ કોઈ ત્રિકોણી નહીં પણ બહુકોણી પરિમાણની વાત છે.

    અનન્યને સર્વવ્યાપકતાનો પરિચય કરાવી એજ સર્વવ્યાપકતામાં અનન્યનાં અનુરણનનું આ કાવ્ય કેટલું ઉદાત્ત છે.

  17. Buy Umashankar joshi books said,

    March 19, 2017 @ 2:55 AM

    Nice

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment