માગું છું ફૂલ જેવું જીવન હું મર્યા પછી,
ખર્યા પછીયે ફૂલમાં બાકી સુગંધ છે.
– કુતુબ ‘આઝાદ’

કિરણોત્સવ – કિરણસિંહ ચૌહાણના ચૂંટેલા શેર…

મૂળ વરિયાવનાં પણ હવે સુરતના જ કિરણસિંહ ચૌહાણ ગુજરાતી કવિતાની આજ અને આવતી કાલ છે. વિવેચકોએ એકીઅવાજે એમને આવનારી પેઢીના પ્રતિનિધિ કવિ તરીકે વધાવી લીધા છેં. જીવનના અભાવમાંથી કવિપણાના સ્વભાવ સુધીની મજલ કાપનાર કિરણ માર્દવ કંઠ પણ ધરાવે છે. એમના વ્યક્તિત્વની સાલસતા અને ઋજુ મનની પ્રામાણિક્તા જ્યારે કવિ-સંમેલનમાં ગઝલ બનીને ગળામાંથી વહી નીકળે છે ત્યારે શ્રોતાઓએ મંત્રમુગ્ધ થયા વિના બીજું કશું કરવાનું રહેતું નથી. એમની ગઝલમાં છંદની ચીવટાઈ અને અર્થની ઊંડાઈ ભાષાની સરળતા સાથે સુપેરે સરી આવે છે. કિરણના થોડા શે’ર અહીં માણીએ…
(જન્મતારીખ: 07-10-1974, ગઝલસંગ્રહ: સ્મરણોત્સવ, હઝલસંગ્રહ: ફાંફાં ન માર)

ઘણીવાર આ પ્રશ્ન જાગે છે મનમાં,
ખરેખર જીવું છું કે જીવ્યા કરું છું ?

કેમ રિસાયા કરે છે તું ?
મારા પ્રત્યે પ્રેમ છે કે શું ?

રોજનીશી હું લખીને શું કરું ?
જો બધું નોંધાય તારા ચોપડે !

તો હવે તારેય લખવી છે ગઝલ ?!
સાહ્યબી વચ્ચે તડપતા આવડે ?

સતત દોડીને તૂટી જાય, હાંફી જાય… અંતે શું ?
બધાં જીવે છે આખી જિંદગી જાણે મરણ માટે.

આ મિલનનો અંત તો બસ, આપમેળે આવશે,
સાંજને તેડી જશે આ સૂર્ય રાબેતા મુજબ.

બંધ ઘરની એ ઉદાસીઓ બધી પી જાય છે,
એક કોયલ આંગણામાં રોજ ટહુકી જાય છે.

કહોને; કોઈ કોને ક્યાં સુધી ને કેટલું ચાહે ?
ભલા, ક્યારેક તો બદલાય ને વાતાવરણ મનમાં !

આયનાની એક મર્યાદા અહીં ખુલ્લી પડી,
એક પણ પ્રતિબિંબને એ સાચવી શકતો નથી.

જિંદગીમાં જે અધૂરી ઝંખના રહી જાય છે,
થોડું જો ચિંતન કરો તો એ કવિતા થાય છે.

થોડા ઝઘડા છે છતાં પરવા નથી,
આપણી વચ્ચે મહોબત ક્યાં નથી !

વિશ્વ ના પામી શક્યાનું દુઃખ ન કર,
એ મળી પણ જાત તો તું શું કરત ?

એટલો ઊંચે ગયો હું એટલો ઊંચે ગયો….
કે પછી તો સાવ પડછાયા વગરનો થઈ ગયો.

પ્રેમની લાંબીલચક વ્યાખ્યા ન કર,
‘હું’ અને ‘તું’ એટલું કાફી નથી ?

કાઢી શકાય કદાચ હું સરવૈયું પ્રેમનું,
એકાદ સાંજ તારા વિના હોવી જોઈએ.

ડૂબી જવાની પળને ડુબાડીશું આપણે,
પાણીમાં રહીને પાણીને પાણી બતાવશું.

ભૂલવા જેવું ય હું ભૂલ્યો નથી,
યાદ કરવા જેવું તો તું યાદ કર !

કૈંક વરસોની તપસ્યાનું આ ફળ,
એક નાનકડી ગઝલની ચોપડી.

બે જ પળની જિંદગી છે તો ય જીવાતી નથી,
એક પળ ખોવાઈ ગઈ છે, બીજી સચવાતી નથી.

ખાસ હો અથવા વધારાનું કશુંક,
બેઉ બાબત હાંસિયામાં હોય છે.

આ સમય માનવ થવા ઝંખી રહ્યો,
કમસે કમ ક્યારેક તો અટકી શકાય !

બંધ આંખે જે હકીકત હોય છે,
ખુલ્લી આંખે એ ભરમ કહેવાય છે.

તું મૂળ રૂપમાં ન પ્રગટ થાય જ્યાં સુધી,
તારા અલગ સ્વરૂપ વિચારાય શક્ય છે.

વાહ રે તારી ઝડપ ને વ્યસ્તતા !
માણવાનો પત્ર તું વાંચી ગયો !

મૈત્રી પણ સ્તર ચકાસવા માટે
એક-બે અણબનાવ માંગે છે.

આખીય જિંદગી તને અર્પણ કરી છતાં,
આપી નહીં શકાય ઘણીવાર એક પળ.

નહિતર આ કાષ્ઠ કેમ કરી કાપતે મજલ ?
સારું થયું કે માર્ગમાં એને નદી મળી.

હવે સ્થાયી થવાનું હું વિચારું છું,
તમારી ડાયરીમાં કોરું પાનું છે ?

એવો પડ્યો પ્રભાવ… તમારા અભાવનો !
મારા સ્વભાવમાંથી અહંકાર પણ ગયો.

શ્વાસ થઈને આવશે મારું સ્મરણ,
તું બદલશે એક દી’ તારું વલણ.

આ સ્મરણ તારાં સતત તડપાવતાં,
પણ સમય વીતે છે એની ના નથી.

આભથી લઈને તે આ ધરતી સુધી,
પ્રેમથી જોશો તો કંઈ પણ પ્રેમ છે.

14 Comments »

  1. સુરેશ જાની said,

    July 30, 2006 @ 8:04 AM

    “આભથી લઈને તે આ ધરતી સુધી,
    પ્રેમથી જોશો તો કંઈ પણ પ્રેમ છે. ”

    અમૃત ઘાયલ યાદ આવી ગયા –

    ” તને પીતા નથી આવડતું હે, મૂર્ખ મન મારા !
    જિંદગીમાં કઇ ચીજ છે, જે શરાબ નથી?”

  2. ધવલ said,

    July 30, 2006 @ 11:41 PM

    બહુ સરસ. કિરણ ચૌહાણની ‘રેંજ’ ના સુપેરે અહીં દર્શન થાય છે.

    કેમ રિસાયા કરે છે તું ?
    મારા પ્રત્યે પ્રેમ છે કે શું ?

    એટલો ઊંચે ગયો હું એટલો ઊંચે ગયો….
    કે પછી તો સાવ પડછાયા વગરનો થઈ ગયો.

    હવે સ્થાયી થવાનું હું વિચારું છું,
    તમારી ડાયરીમાં કોરું પાનું છે ?

    સુંદર !

  3. Jayshree said,

    July 30, 2006 @ 11:51 PM

    વાહ વિવેકભાઇ… દરેક શેર ખૂબ જ સરસ. ( ગમતાં શેર અહીં પાછી લખું તો કદાચ બધા જ લખવા પડે. )

    એમની કોઇ ગઝલ અને હઝલ પણ લયસ્તરો પર મુકશો તો ગમશે.

  4. manvant said,

    July 31, 2006 @ 1:01 PM

    મને શું ગમ્યું તે કહું ?
    એક કોયલ આંગણામાં રોજ ટહુકી જાય છે !
    કોયલ અને મોરના ટહુકાર કોને ના ગમે ?
    કવિ ને તંત્રીનો આભાર !

  5. sana said,

    August 1, 2006 @ 1:56 PM

    It is very nice writing,very simple and very nice.I can just say ‘too good!’.Enjoyed reading it.

  6. Subhashraj Surati said,

    September 11, 2006 @ 4:36 PM

    Well Done !!!
    I have the SWAROTSAV received as a gift from beloved KIRAN CHAUHAN …Kiran is really very embitious over his creation and i have a proud on my friend.

    He is asking always me,
    વાહ રે તારી ઝડપ ને વ્યસ્તતા !
    માણવાનો પત્ર તું વાંચી ગયો !
    He is really a great person live in gujarati sahitya.
    CONGRATULATION KIRAN for selection of SHAYADA AWARD.

    Your school friend,
    – Subhash

  7. લયસ્તરો » એક પળ - કિરણ ચૌહાણ said,

    September 17, 2006 @ 9:58 PM

    […] લયસ્તરો પર અગાઉ આપણે કિરણની ગઝલોના ચૂંટેલા શેર કિરણોત્સવમાં માણ્યા હતા. કિરણ વ્યવસાયે શિક્ષક છે અને ભાષા સાથે એવો ઘરોબો એમણે કેળવ્યો છે કે શબ્દો સહજ સરળતાથી એની પાસે દોડતા આવે છે. આ અઠવાડિયે જ મુંબઈની જાણીતી સંસ્થા આઈ.એન.ટી.એ ગઝલક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરવા બદલ કિરણ ચૌહાણને પ્રતિષ્ઠિત “શયદા પુરસ્કાર” આપવાની જાહેરાત કરી છે. લયસ્તરોની ટીમ તરફથી ખૂબ ખૂબ અભિનંદન, કિરણભાઈ! […]

  8. Thakar ashvin (p.r.khatiwala) said,

    February 22, 2007 @ 12:01 PM

    hello kiranbhai kem chho mazama chho ne?
    “APANI GAZAL VANCHI NE APANI YAD AVI GAYI
    JIVANMA EK SACHA, SARADAYI MITRA NI KHOT PURAI GAYI
    HAVE LAGE CHHE KE JINDAGI NI SARUAT THAI GAYI”

  9. Rachana said,

    October 7, 2008 @ 6:11 AM

    શ્વાસ થઈને આવશે મારું સ્મરણ,
    તું બદલશે એક દી’ તારું વલણ.

    – ખુબ સુન્દર

    એવો પડ્યો પ્રભાવ… તમારા અભાવનો !
    મારા સ્વભાવમાંથી અહંકાર પણ ગયો.

    i cant expresss, i m feeling as if it is written for me only…
    thanks a lot di

  10. અનામી said,

    November 29, 2008 @ 1:16 PM

    બધા જ શૅર સુંદર.

  11. umang patel said,

    May 4, 2009 @ 9:48 AM

    Dear Kiranbhai,

    this is a few lines you have overnoted that truely outbring the joy of life.

    you hvae not only given some examples to sustain life, but also you have passed on a devotional message which i am grateful to you for ineed.

    please do keep on creating and uploading such tremendous creations.

    thank you
    umang patel

  12. Sandhya Bhatt said,

    May 5, 2009 @ 1:55 AM

    કિરણભાઈના એક એક શેર જીવનનો મર્મ રજૂ કરતા હોય છે.Wish you a very bright future.

  13. કિશોર બારોટ્ said,

    April 12, 2015 @ 1:30 PM

    કિરણભાઈ મારા બહુ ગમતા કવિ છે.

  14. Sureshkumar Vithalani said,

    September 14, 2018 @ 8:26 PM

    અત્યંત સુંદર . અભિનંદન કવિને અને આપને !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment