અર્થ એકે ક્યાં વસે છે ભીતરે ?
શબ્દને અજવાળવાથી શું હવે ?
હર્ષ બ્રહ્મભટ્ટ

છોકરાએ છોકરીને ફૂલોના બદલામાં… – શરદ વૈદ્ય

છોકરાએ બાગ મહીં ભટકી ભટકીને કૈંક
                         એવો તે વેપલો કીધો,
છોકરાએ છોકરીને ફૂલોના બદલામાં
                         કોરો રૂમાલ એક દીધો.

હોઠોમાં થનગનતા શ્વાસોને લાગેલું
                         રૂપાળા ચહેરાનું ઘેલું,
હોઠોની વંડીઓ ઠેકતું એ જાય દૂર
                         ઘેલી સીસોટીઓનું ટોળું.
સૂર મહીં હણહણતો શબ્દોનો ધોધ પછી
                         છોકરીએ ખોબલે પીધો,
લાગણીના તડકામાં છોકરાએ છોકરીનો
                         મ્હેક ભર્યો ફોટો તે લીધો,
                         છોકરા એ છોકરીને ફૂલોના…

છોકરીની છાતીમાં નળિયાં તૂટ્યાં ને પડ્યો
                         નળિયે વરસાદ કૈંક એવો,
ઝબકીને જાગ્યા રે ફળિયા એ ફળિયામાં.
                         ઊમટ્યો તો સાદ નીક જેવો.
શમણાંને સથવારે રેશમી રૂમાલ લાલ
                         પૂર્યો તો સેંથીમાં સીધો,
મીરાં બનીને પછી છોકરીએ લ્હાય લ્હાય
                         ભગવો તે શ્વાસ એક લીધો
છોકરાએ છોકરીને ફૂલોના બદલામાં
                         કોરો રૂમાલ એક દીધો.

– શરદ વૈદ્ય

આ રમતિયાળ ગીતમાં મુગ્ધપ્રણયની વાત આબાદ રજૂ થઈ છે. મન અને જીવનની કુમળી અવસ્થામાં જ એવો પ્રેમ શક્ય છે જે શરૂ તો થાય રૂમાલથી, પણ વધીને છેક મીરાંના ભગવા સમોવડિયો ઊભો રહી શકે. ગીતની રચના અને શબ્દોને જોઈને સહજ રીતે જ રમેશ પારેખની યાદ આવે એવું સુંદર આ ગીત બન્યું છે. 

4 Comments »

  1. Vishal Monpara said,

    July 24, 2006 @ 10:02 PM

    પહેલા તો મને એમ જ લાગ્યુ કે આ ગીત રમેશ પારેખે લખ્યુ છે પરંતુ પછી ખબર પડી કે આ રમેશ પારેખ નથી. ખરેખર ખુબ જ સુંદર અભિવ્યક્તિ છે.

  2. જયશ્રી said,

    July 25, 2006 @ 4:48 PM

    ખરેખર.. છોકરો અને છોકરીની વાત આવે, એટલે રમેશ પારેખ યાદ ન આવે, તો જ નવાઇ..!!

    સૂર મહીં હણહણતો શબ્દોનો ધોધ પછી
    છોકરીએ ખોબલે પીધો,
    લાગણીના તડકામાં છોકરાએ છોકરીનો
    મ્હેક ભર્યો ફોટો તે લીધો,

    અજાણતાં જ ચહેરા પર સ્મિત ફરકી જાય એવું સરસ ગીત છે.

  3. પૂર્વી said,

    July 26, 2006 @ 9:00 PM

    સાદા શબ્દોમાં કેટલી નિર્મળ, નાજુક અભિવ્યક્તિ !! ઘણીવાર અચરજ થાય છે. છોકરીના દિલની વાત પણ એક પુરુષ કવિ કેવી સહજતાથી વર્ણવી શકે છે??!! ને બીજી તરફ એવો પુરુષ વર્ગ અથવા જન સમુદાય પણ હશે જેને આવી બાબતોથી કોઈ લેવાદેવા નથી. કેવો વિરોધાભાસ !!

  4. Mrugesh Parmar said,

    July 31, 2006 @ 9:32 AM

    ગુમાઈ છે ગુમાઈ છે ગુમાઈ છે

    કોન્વેન્ટ સ્કૂલના કમ્પાઉન્ડમાંથી,
    સંચાલકો અને માતા-પિતાની
    બેદરકારીને કારણે, પલક મીંચવા-
    ઉઘડવા વચ્ચેની કોઈ ક્ષણે… ગુજરાતી
    વાંચતી-લખતી એક આખી પેઢી.

    ઓળખવા માટે નિશાની: ‘કાનુડાએ
    કોની મટુકી ફોડી?’ એમ પૂછો તો
    કહેશે, ‘જેક એન્ડ જિલની’

    ગોતીને પાછી લાવનાર માટે
    ઇનામ એકે નથી. કારણ કે એ
    હંમેશને માટે ગુમાઈ ચૂકી છે…mane to gami gai..bhai gami gai…….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment