કોઈ કૂંપળ કોળી ઊઠશે,
પથ્થરને પણ પાણી પાજે.
હરદ્વાર ગોસ્વામી

ખાલી ઘડો – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

શ્વાસ ખખડે છે અને વાગે છે,
સાવ ખાલી ઘડો આ લાગે છે.

કોણ તારા વિશે ગઝલ લખવા-
આમ મારામાં રોજ જાગે છે ?

ઓણ ચોમાસું ઝટ ગયું બેસી,
ને બધાં સ્વપ્ન તો નિભાડે છે.

એક વેળા ફૂટી જઈ માણસ,
જિંદગીભર કરચ ઉપાડે છે.

ટેવવશ સાવ કાચા નખ જેવી-
રોજ મિસ્કીન રાત કાપે છે.

–  રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

કાચી ઈંટોને હજુ નિભાડામાં સીંચી માંડ હોય અને ત્યારે જ વરસાદ પડે તો કાચી ઈંટોની માટી બધી પાણી સાથે વહી જાય. આ વાતને સાંકળી લઈને કવિએ ગઝલનો શીરમોર શેર ઓણ ચોમાસું… બનાવ્યો છે. અને જે કોઈએ એકાદ રાત પણ તાજી ઉદાસીના સથવારે કાપી હોય, એ બધાને છેલ્લો શેર તો પોતીકો જ લાગવાનો.

17 Comments »

  1. નિનાદ અધ્યારુ said,

    February 15, 2010 @ 11:49 PM

    જન્મ-મૃત્યુ છે મત્લાને મક્તો ઉભય, શ્વાસના કાફિયા, જિંદગીનો વિષય,
    રંગ લૌકિક છે પણ અલૌકિક લય, ગાય છે શૂન્ય ખુદની હજૂરે ગઝલ.

    ‘શૂન્ય’ પાલનપૂરી

    ઓણ ચોમાસું ઝટ ગયું બેસી,
    ને બધાં સ્વપ્ન તો નિભાડે છે.

    એક વેળા ફૂટી જઈ માણસ,
    જિંદગીભર કરચ ઉપાડે છે.

    શેર વાંચીને આપણને એમ થાય કે એ નિભાડે રહેલા સ્વપ્નો જલ્દી લઇ આવીએ..!

  2. રાકેશ ઠક્કર, વાપી said,

    February 16, 2010 @ 12:30 AM

    ચોટદાર શેર.
    એક વેળા ફૂટી જઈ માણસ,
    જિંદગીભર કરચ ઉપાડે છે.

  3. વિવેક said,

    February 16, 2010 @ 12:48 AM

    નખશીખ સુંદર ગઝલ… બધા જ શેર ચોટદાર અને મનનીય થયા છે…

    મત્લાના શેરમાં જો કે છંદક્ષતિ ખટકે છે.

  4. Pinki said,

    February 16, 2010 @ 1:54 AM

    વાહ……. આજે તો મસ્ત ગઝલ… !

    શ્વાસ ખખડે છે અને વાગે છે,
    સાવ ખાલી ઘડો આ લાગે છે.

    કોણ તારા વિશે ગઝલ લખવા-
    આમ મારામાં રોજ જાગે છે ?

    ઓણ ચોમાસું ઝટ ગયું બેસી,
    ને બધાં સ્વપ્ન તો નિભાડે છે.

    એક વેળા ફૂટી જઈ માણસ,
    જિંદગીભર કરચ ઉપાડે છે.

    ટેવવશ સાવ કાચા નખ જેવી-
    રોજ મિસ્કીન રાત કાપે છે. 🙂

  5. નિનાદ અધ્યારુ said,

    February 16, 2010 @ 2:15 AM

    વિવેકભાઈ,

    મક્તાના શેરમાં પણ.

  6. SMITA PAREKH said,

    February 16, 2010 @ 3:16 AM

    કોણ તારા વિશે ગઝલ લખવા,
    આમ મારામાં રોજ જાગે છે?

    ખરેખર! અદભુત શેર,પોતીકો લાગે.

  7. વિવેક said,

    February 16, 2010 @ 7:39 AM

    નિનાદભાઈ,

    મક્તાનો શેર બરાબર જ છે…

    ટે/વ/વશ સા/વ/કા/ચા નખ/જે/વી-
    ગાલગા ગાલગાલ ગાગાગા
    રો/જ/મિસ્ કી/ન/રા/ત કા/પે/છે
    ગાલગા ગાલગાલ ગાગાગા

  8. નિનાદ અધ્યારુ said,

    February 16, 2010 @ 11:56 AM

    વિવેકભાઈ, ગાલગાગાગા ગાલગાગાગા- હું આ પ્રમાણે જોઉં છું. કવિને આ છંદમા છૂટ ઓછી લેવી પડત. બીજો, ત્રીજો અને ચોથો શેર જુઓ…!

    એ પણ સાચું, આ પણ સાચું…….!

  9. Pancham Shukla said,

    February 16, 2010 @ 8:48 PM

    વિવેકભાઈએ બરાબર કહ્યું છે.

    છંદ- ગાલગા ગાલગા લગાગાગા છે.

    એમ તો ઝીણી નજરે જોનારા કાફિયા દોષ પણ કહેશે. વાગે લાગે જાગે પછી નિભાડે આવે છે.

    શ્વાસ ખખડે છે અને વાગે છે માં અને ગાલ ને બદલે લગા માપમાં વાપરી કવિ ‘અને’ શબ્દને મહત્વ આપી છંદ તોડે છે. તાલ કે વજન બાબતે જો કે વિચારવું રહ્યું. કવિ મુખે પઠન સાંભળીએ અથવા સાવધાની પૂર્વક પઠન કરીએ તો એ ખટકાને હળવો કરી શકાય.

    આપણને એ ખબર જ છે કે આ કવિ આ આપણા જેવી શિખાઉ છંદ રમત અને છંદ વળગણ વર્ષો પહેલા પાર કરી ચૂક્યા છે. કવિએ લેવા ખાતર નહિ પણ ગુણદોષના પલ્લા જોઈ કાવ્યને ઉપકારક હશે તો જ આવી છૂટ લીધી હશે એમ માની શકાય.

    વિવેકભાઈએ આ અગાઉ આ જ કવિની છંદ વિષે કેફિયત મૂકી છે જે ફરી જોવા જેવી ખરી….

    (રાજેશ વ્યાસ (જન્મ : ૧૬-૧૦-૧૯૫૫) એના કાવ્યસંગ્રહમાં કહે છે: “પહેલી ગઝલ ક્યારે લખી એ યાદ નથી. પરંતુ હા, એટલું સ્પષ્ટ છે, મા શબ્દ પછી કોઈ બીજો શબ્દ મારા હ્રદયમાં રમ્યો હોય, મને પોતાનો લાગ્યો હોય તો તે ગઝલ છે.” એમની ગઝલોમાં ક્યાંક છંદ જળવાતો ન હોય એવું લાગે છે પણ એના વિશે કવિ પોતે બહુ સ્પષ્ટ છે: “ગઝલના છંદોને ઘણાં વરસ ઘૂંટ્યાં, પણ એ ઘૂંટવું ઘૂંટામણ બની જાય એ પહેલા છૂટી ગયું છે.”
    સંગ્રહો : ‘તૂટેલો સમય’, ‘મત્લા’, ‘છોડીને આવ તું…’, ‘ગઝલવિમર્શ’, ‘મરીઝ અને તેની ગઝલો’, ‘અમર ગઝલો’[સંપાદન])

    ગઝલ – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

  10. નિનાદ અધ્યારુ said,

    February 17, 2010 @ 12:28 AM

    આભાર પંચમભાઈ અને વિવેકભાઈ.

  11. વિવેક said,

    February 17, 2010 @ 1:01 AM

    પંચમભાઈની વાત બરાબર છે, નિનાદ… તમે જે છંદવિધાન વિચાર્યું છે એ બરાબર નથી…

    કાફિયાદોષવાળી વાત પણ બરાબર…

    રાજેશ વ્યાસ ‘મિસ્કીને’ એમના સંગ્રહમાં આપેલી છંદવિષયક નોંધ યાદ અકરાવવા બદલ આભાર… ગુજરાતી સાહિત્યના મોટા ગજાના કવિઓ છંદદોષને પોતાનો અધિકાર સમજે છે એ મારી ‘નાની’ સમજ પ્રમાણે ‘મોટા’ દુઃખની વાત છે. સાઈકલ બરાબર ચલાવતા આવડી જાય એ પછી હાથ છોડીને ચલાવવાની છૂટ મળે છે એવું ઉદાહરણ કવિતાની બાબત સાથે સાંકળવાથી ગુજરાતી સાહિત્યને જ નુક્શાન થયું છે એમ મારું અંગતપણે માનવું છે…

    ગાલિબ, ફૈઝ, મીર કે અન્ય કોઈ પણ મોટા ગજાના ઉર્દૂ કે હિંદી ગઝલકારોએ છંદ પરત્વે આવું વલણ અપનાવ્યું હોવાની મને જાણ નથી.

    મારી નજરે તો કવિ જેટલો મોટા ગજાનો, છંદ અને અન્ય બંધારણ પરત્વેની એની જવાબદારી પણ એટલી જ મોટી… આ મારો અંગત અભિપ્રાય છે એને કોઈ શિલાલેખ ન ગણે !

  12. નિનાદ અધ્યારુ said,

    February 17, 2010 @ 2:04 AM

    ગુજરાતી સાહિત્યના મોટા ગજાના કવિઓ છંદદોષને પોતાનો અધિકાર સમજે છે એ મારી ‘નાની’ સમજ પ્રમાણે ‘મોટા’ દુઃખની વાત છે. સાઈકલ બરાબર ચલાવતા આવડી જાય એ પછી હાથ છોડીને ચલાવવાની છૂટ મળે છે એવું ઉદાહરણ કવિતાની બાબત સાથે સાંકળવાથી ગુજરાતી સાહિત્યને જ નુક્શાન થયું છે એમ મારું અંગતપણે માનવું છે…

    હું આજ કહેવા માગું છું. કવિએ એટલી હદે છૂટ ન લૅવી જોઇએ કે છંદોવિધાનમાં option મળે, જે રીતે મને મળ્યો. વિવેકભાઈ, ‘અક્ષરમેળ’ છંદ/ગઝલો વિશે લયસ્તરોમાં માહિતિ આપશો ?

  13. ડૉ.મહેશ રાવલ said,

    February 17, 2010 @ 1:38 PM

    એકંદરે બહુ જ મજા આવી વિવેકભાઈ,પંચમભાઈ…..!
    મિત્ર નિનાદના “પોતાની રીતે” કરેલ છંદઘટન અને તમે બન્ને સમજ્દાર સિનીયર મિત્રોની “વિચાર ધારા” સરવાળે તો “વિષયોત્સુક”ને લાભકર્તા જ નિવડે….
    -આભાર

  14. ઊર્મિ said,

    February 17, 2010 @ 10:24 PM

    સ-રસ ગઝલ… ધવલભાઈનાં આસ્વાદને લીધે ત્રીજો શે’ર સટ્ટ કરતો હલકમાં ઉતરી ગયો.

    ખાસ તો…. ઘણા વખતે છંદોવિધાનની ચર્ચા માણવાની ખૂબ્બ જ મજા આવી…!!

  15. dhaval said,

    February 19, 2010 @ 9:43 AM

    vivekbhai, ninadbhai, panchambhai
    i am glad to know about gazal and chhand and its rules……..
    i wud like to know more ………..
    pl put some informations regarding rules, regulations and guideline on this web site
    thanks …….

  16. kanchankumari parmar said,

    February 21, 2010 @ 2:47 AM

    મન મ્ંદિર ના કોય ખુણે ગાલગા ગાલગા ના તેલ વગર પણ ગઝલ દિવો અન્ંત પ્રગટે છે…..

  17. narendrasinh said,

    September 6, 2014 @ 3:59 AM

    શ્વાસ ખખડે છે અને વાગે છે,
    સાવ ખાલી ઘડો આ લાગે છે.

    કોણ તારા વિશે ગઝલ લખવા-
    આમ મારામાં રોજ જાગે છે ?

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment