ભોંયે ચીતરેલ બધા મારગને ચાતર્યા મેં દરિયામાં ઝંખી નહીં નાવ,
તળિયેથી મારામાં જાગતી થઈ છે એક વણજારે ગાળેલી વાવ
– ધ્રુવ ભટ્ટ

ધારો કે – મનહર મોદી

ધારો કે હું ધારું છું
હું લીલું લલકારું છું

મારો સૂરજ સાદો છે
એને હું શણગારું છું

હોડીમાં હું બેઠો છું
દરિયાને હંકારું છું

ફાગણમાં ફૂટ્યું ફૂલડું
ચૈતરમાં વિસ્તારું છું

ભડકાજી, આવો ઘરમાં
હું સૌને સત્કારું છું

– મનહર મોદી

Happiness is not getting what you want, it is wanting what you get. આ ગઝલમાં એ ભાવને મઝાનો વણી લીધો છે. મન ચંગા તો… એવી સ્થિતિએ પહોંચીને કવિએ જીંદગીને સરળ કરી નાખી છે. અને એ મોટી વાતની જાહેરાત એ આ નાની બહેરની ગઝલથી કરે છે.  સદા ‘લીલું’ લલકારવામાં, સાદાને શણગારવામાં, ‘હોડી’ને બદલે ‘દરિયા’ને હંકારવા (એટલે કે મનોસ્થિતિને પરિસ્થિતિ મુજબ બદલી નાખવામાં), આજના (ફાગણના) આનંદને કાલ (ચૈત્ર) સુધી વિસ્તારવામાં અને દરેક માણસને (ભડકા જેવા ને પણ) સત્કારવામાં – આ દરેકમાં એક નાનું સુખ છે. નાના નાના સુખને જોડવાથી જ એક સુંવાળી-હુંફાળી જીંદગી બને છે.

11 Comments »

  1. Jayshree said,

    January 26, 2010 @ 10:38 PM

    વાહ…
    ગઝલ વાંચતા તો મઝા આવી… આ તમારો આસ્વાદ વાંચીને વધુ મઝા આવી..!!!

  2. ઊર્મિ said,

    January 26, 2010 @ 11:22 PM

    વાહ.. ટૂંકી બહેરની મસ્ત ગઝલ… સાચે જ ‘મન ચંગા તો કથરોટમેં ગંગા’ કહેવતનું ગઝલ-સ્વરૂપ લાગે છે… અને આસ્વાદ તો, અહાહાહા…. આજકાલ તમારો આસ્વાદ ખૂબ જ આસ્વાદ્ય હોય છે, દોસ્ત ! 🙂

  3. manhar m.mody ('mann' palanpuri) said,

    January 27, 2010 @ 1:39 AM

    ટૂંકી બહેરની ગઝલમાં થોડાક શબ્દોમાં કેવડી મોટી વાત કહી દીધી છે કવિએ. અને આસ્વાદ પણ સ્વાદિષ્ટ બન્યો છે.

  4. વિવેક said,

    January 27, 2010 @ 2:44 AM

    આજે ગઝલની વાત કરવી નથી… આસ્વાદની જ !

    ઊર્મિએ કહ્યું કે ‘આજકાલ’ તમારો આસ્વાદ ખૂબ જ આસ્વાદ્ય હોય છે, દોસ્ત!

    સોળ આના સાચી વાત… આ ગઝલના આસ્વાદમાં જાણે જીવ રેડી દીધો હોય એમ લાગ્યું… લાગે છે લગ્નજીવનના ધનમૂલક તરંગો અહીં સુધી પહોંચી રહ્યા છે…

  5. Pancham Shukla said,

    January 27, 2010 @ 5:56 AM

    આસ્વાદ ખરેખર અવ્વલ દરજ્જાનો થયો છે. આ વખતે આસ્વાદથી ગઝલને ઓળખવી પડે એવું થયું છે. કવિતા લખનાર ઘણા છે પણ આવા આસ્વાદ કરાવનાર બહુ ઓછા છે એટલે આ પ્રકારના આસ્વાદો એકઠા કરી ‘લયસ્તરો આસ્વાદ’ નામની ચોપડી બહાર પાડવાનો વરતારો કરું છું.

  6. sudhir patel said,

    January 27, 2010 @ 7:37 PM

    મનહર મોદીની આગવી છાપ ધરાવતી મસ્ત ગઝલ!
    ધવલભાઈનો આસ્વાદ પણ એમનો આગવો છે!
    સુધીર પટેલ.

  7. Nirav said,

    January 29, 2010 @ 3:38 AM

    વાહ ધવલ, અદભૂત આસ્વાદ !
    ગઝલ તો સુંદર જ, પણ આટલો તરલતાભર્યો આસ્વાદ સરળ ગઝલને અનેરી ઊંચાઈ આપે છે. વાહ !

  8. ketan trivedi said,

    January 30, 2010 @ 8:13 AM

    verry good haha…

  9. Kirtikant Purohit said,

    January 31, 2010 @ 11:29 AM

    મસ્ત ગઝલ અને મસ્ત આસ્વાદ.હુઁ પણ મિત્રો સાથે સહમત છુઁ.

  10. Pinki said,

    February 2, 2010 @ 4:16 AM

    વાહ… સરસ ગઝલ…!

    હોડીમાં હું બેઠો છું
    દરિયાને હંકારું છું… મનહર મોદીની કલમ સિવાય, આ જોશ ક્યાં મળે ?

    ધવલભાઈનો આસ્વાદ તો કાયમ સારો જ હોય છે.

  11. Shivani Shah said,

    March 6, 2017 @ 5:10 AM

    ‘આવા આસ્વાદ કરાવનાર બહુ ઓછા છે એટલે આ પ્રકારના આસ્વાદો એકઠા કરી ‘લયસ્તરો આસ્વાદ’ નામની ચોપડી બહાર પાડવાનો વરતારો કરું છું.’
    Very true..I agree with this suggestion !
    એક બાજુ selected ગુજરાતી કવિતા/ગઝલ, બાજુમાં એનો અંગ્રેજી અનુવાદ અને
    નીચે બેઉ ભાષાઓમાં તેનું રસદર્શન !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment