બૉર્ડ મારી ‘હૉલિડે’નું પાછો સૂતો સોમવાર,
કેટલા વર્ષો પછી ઊતર્યો છે એ હડતાળ પર!
- વિવેક મનહર ટેલર

ગઝલ – હરીન્દ્ર દવે

સાદ સામે પારથી સંભળાય છે એનો મને,
કાચો ઘટ લઈને ઝુકાવું છું નદીના પૂરમાં.

વેદનાનો આમ સણકો ઊપડે ના અંગમાં,
કંઈ કમી લાગે મિલનમાં મારા,મારા ઝૂરમાં.

આંખ દરવાજે જ મંડાઈ રહી એ કારણે,
મેં હૃદય પ્રોયું હતું એના હૃદયના નૂરમાં.

એક તારા કેફને સમ પર નથી રાખી શક્યો,
જિંદગીના તાર નહિતર મેળવ્યા’તા સૂરમાં.

જાણે જોયો હોય નહિ તે રીતે તું ચાલી ગઈ,
હું ઉઘાડું હોઠ: ના,એ તો નથી દસ્તૂરમાં.

આ નફાની ક્યાં કસોટી છે કે હું ચિંતા કરું,
નામ દફતરમાં લખાયું મારું નામંજૂરમાં.

મેં ન બોલીને સ્વીકારી લીધી છે શૂળી હવે,
ફર્ક ક્યાં બોલીને ફાંસી પર ચડ્યા મન્સૂરમાં.

– હરીન્દ્ર દવે

બધા જ શેર એકમેકથી ચડે તેવા છે. મન્સૂર-અલ-હિલ્લાજ સૂફી મસ્તરામ હતો જેણે મશહૂર એલાન કરેલું – ‘અનલહક’ – અર્થાત ‘હું જ સત્ય છું‘. ઇસ્લામમાં તે વાક્ય –‘હું જ ઈશ્વર છું’– ને સમાનાર્થી ગણાય. આ ગુસ્તાખી બદલ તેને ક્રુરતાપૂર્વક ત્રાસ અપાયો છતાં તેણે પોતાનું વિધાન પાછું ન ખેંચ્યું. અંતે તેનો વધ કરાયો. આ અનુસંધાનમાં છેલ્લો શેર છે.

10 Comments »

  1. ઊર્મિ said,

    January 24, 2010 @ 5:13 PM

    સુંદર સૂફી-ગઝલ… મન્સૂરવાળી નવી વાત મજાની લાગી.

    પ્રથમ બે અશઆરનાં સાની મિસરાને જરા ફરી ચકાશી લેજો… છંદમાં જરા ગોટાળો લાગ્યો..! 😕

  2. Girish Parikh said,

    January 24, 2010 @ 6:30 PM

    મેં ન બોલીને સ્વીકારી લીધી છે શૂળી હવે,
    ફર્ક ક્યાં બોલીને ફાંસી પર ચડ્યા મન્સૂરમાં.

    હરીન્દ્ર દવે મારા પ્રિય સર્જકોમાંના એક છે. તીર્થેશજીએ હરીન્દ્રની સુંદર ગઝલ પોસ્ટ કરી છે. ગઝલ વિશેનું તીર્થેશજીનું લખાણ પણ દાદ માગી લે છે.

    છેલ્લા શેરમાં ગજબ આધ્યાત્મિકતા છે. શેર અને તીર્થેશજીનું લખાણ વાંચ્યા પછી મને સમજાયું કે ભારતમાં જન્મનારા કેટલા બધા નસીબદાર છે. અને અમેરિકામાં રહેનારા પણ નસીબદાર છે. આજે સવારે જ અમારા ઘેર થએલા શ્રી રામકૃષ્ણ પરિવાર (SRLP) ના સતસંગમાં ચર્ચા થઈ કે આ દેશમાં ગમે તે ધર્મ કે પંથ પાળી શકાય. ધાર્મિક સ્વતંત્રતા માટે તો યુરોપથી અમેરિકામાં મેફ્લાવર નામના જહાજમાં લોકો આવેલા.

    સ્વામી વિવેકાનંદે વેદાંતનો સંદેશ વિશ્વમાં પહોંચાડવા માટે અમેરિકાના શિકાગોને જ પ્લેટફોર્મ બનાવ્ય્ં હતું.

    સૂફી મસ્તરામ મન્સૂર-અલ-હિલ્લાજનું મશહૂર એલાન – ‘અનલહક’ – અર્થાત ‘હું જ સત્ય છું‘. (‘હું જ ઈશ્વર છું’) એ આપણા વેદાંતમાં પણ છેઃ Thou are That. અહમ બ્રહ્માસ્મિ, વગેરે.

    મન્સૂર એમના વિધાનમાં અણનમ રહ્યા, ત્રાસ અને મોતથી ન ડર્યા અને અમર થઈ ગયા.

  3. Girish Parikh said,

    January 24, 2010 @ 6:35 PM

    ઉપરના મારા લખાણમાં SRKP વાંચવા વિનંતી.

  4. pragnaju said,

    January 25, 2010 @ 4:36 AM

    એક તારા કેફને સમ પર નથી રાખી શક્યો,
    જિંદગીના તાર નહિતર મેળવ્યા’તા સૂરમાં.

    જાણે જોયો હોય નહિ તે રીતે તું ચાલી ગઈ,
    હું ઉઘાડું હોઠ: ના,એ તો નથી દસ્તૂરમાં.

    આ નફાની ક્યાં કસોટી છે કે હું ચિંતા કરું,
    નામ દફતરમાં લખાયું મારું નામંજૂરમાં.

    સૂફી ગઝલનો અંદાજ જ નીરાળો!

  5. vihang vyas said,

    January 25, 2010 @ 7:42 AM

    ગઝલ માણવી ગમી, સાથે મન્સુર વિશે શ્રી ગીરીશભાઈ પરીખ પાસેથી સરસ જાણકારી મળી..

  6. વિવેક said,

    January 25, 2010 @ 8:05 AM

    મજાની ગઝલ…

    પહેલા શેરમાં તુલસીદાસ પણ સંભળાતા હોય એમ લાગે છે… જિંદગીના તારવાળો શેર પણ ગમી ગયો… ગમે એટલા સૂર મેળવ્યા હોય પણ સમ (તાલની પહેલી માત્રા) ચૂકી જવાય તો બધું વ્યર્થ છે.

    ઊર્મિની છંદવાળી વાત સાચી છે… ટાઇપિંગની ભૂલ છે, જે સુધારી લઉં છું…

  7. Pancham Shukla said,

    January 25, 2010 @ 8:26 AM

    સરસ ગઝલ.

    ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા છંદ નો લય ઘૂંટીને પઠન કરતાં હવે કશી મુશ્કેલી નથી.

    કા(ચો) ઘટ લઈને ઝુકાવું છું નદીના પૂરમાં ……… ગઝલના અરૂઝ મુજબ જ (ચો) લઘુ ઉચ્ચાર છે.

    કંઈ કમી લાગે મિલનમાં મા(રા), મારા ઝૂરમાં…….ગઝલના અરૂઝ મુજબ જ (રા) લઘુ ઉચ્ચાર છે.

    તુલસી અને મન્સૂરના સંદર્ભથી રાજેન્દ્ર શુક્લની જાણીતી અને આપણી યાદગાર ગઝલ ‘ હજો હાથ કરતાલ…’ તરત યાદ આવી.

    આપણી યાદગાર ગઝલો : ૧૬ : હજો હાથ કરતાલ – રાજેન્દ્ર શુક્લ

  8. ઊર્મિ said,

    January 25, 2010 @ 8:45 AM

    now it makes more sense… આભાર વિવેક. 🙂

    ફરી ફરીને વાંચો તો જરા વધુ ગમી જાય છે આ ગઝલ.

  9. tirthesh said,

    January 25, 2010 @ 8:48 AM

    ટાઈપીંગમાં ભૂલ હતી. ધ્યાન દોરવા બદલ ઊર્મિ નો આભાર અને સુધારી દેવા માટે વિવેકનો. ભવિષ્યમાં ધ્યાન રાખીશ.

  10. sudhir patel said,

    January 25, 2010 @ 10:47 PM

    સુંદર ચિંતનાત્મક ગઝલ!
    પંચમભાઈની અરૂઝ મુજબ છંદમાં છૂટની વાત પણ ગમી.
    સુધીર પટેલ,

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment