શબ્દોનું લોહી જેવું છે, ઘા થાય તો વહે,
વ્યર્થ જ હું એના ઘેર તકાજો કરું છું રોજ.
વિવેક ટેલર

કવિનો હાથ – નલિન રાવળ

કવિનો હાથ
મારા હાથમાં
છલકંત જાણે સૂર્યના સ્મિતથી સભર આકાશ
મારા હાથમાં
પત્ર રે
કવિનો હાથ
મોહક પૃથ્વીનો જાણે વસંતલ અબ્ધિનો ઉછળંત લય

લય અહીં ગુંજે
ગ્રહો તારા નિહારિકા સતત ગુંજે
કવિનો હાથ
મારા હાથમાં
રસળંત જાણે કરુણામય પ્રભુના હૃદયનો ભાવ.

-નલિન રાવળ

કવિનો, સર્જકનો હાથ જ્યારે હાથમાં આવે છે ત્યારે આકાશમાં સૂર્ય તાપ વરસાવતો નહીં, સ્મિત કરતો લાગે છે.  વસંતરાજના મહાસાગરનો મોહલ લય જે કદાચિત્ બ્રહ્મ અને બ્રહ્માંડના લય સાથે પણ તાલમેળ ધરાવે છે એની અનુભૂતિ કવિનો હાથ હાથમાં આવે ત્યારે થાય છે. પણ આ હાથ શું કોઈ સ્થૂળ હાથ છે? હરીન્દ્ર દવે આ કવિતા સમજાવતી વખતે ખૂબ સૂક્ષ્મ વાત કરે છે-

તમે ક્યારેય કવિના હાથ સાથે હાથ મેળવ્યો છે ?
હા ?
તો તમને આ બધી જ વાત ઉપલક લાગશે.
ના ?
તો તમને આ સમજાશે નહીં.

– હવે કવિના આ ‘હાથ’ વિશે ફરી વિચારીએ…

8 Comments »

  1. Pancham Shukla said,

    January 16, 2010 @ 3:33 AM

    ગુરુદત્તના જાણીતા મૂવીની પરિભાષાથી કવિને જોવાની / મૂલવવાની ઘરેડમાં, ઉર્દૂ શાયરાના જખ્મી અંદાજમાં, અને આધુનિક વેસ્ટર્ન પોએટ્રીની ફેશનમાં આદ્યકવિ નરસિંહ મહેતાથી ચાલ્યું આવતું આપણી ભાષાના ગરવા કવિનું નરવું ચિત્ર આમ ક્યારેક ક્યારેક જોવા મળે ત્યારે ખરેખર આનંદ થાય છે.

    નેચરલ પોએટ્રી જેમને સહજ સાધ્ય છે એવા કવિની કવિતા લયસ્તરો પર ઘણા વખતે વાંચવા મળી. Sep ૨૦૦૬માં નલિન રાવળની કવિતા વિષ ધવલે સાચું જ લખ્યું હતું કે- દુઃખનાં ગીત લખવા કરતાં આનંદનું ગીત લખવું વધુ અઘરું છે.

  2. સુનીલ શાહ said,

    January 16, 2010 @ 5:05 AM

    સુંદર…

  3. Girish Parikh said,

    January 16, 2010 @ 11:40 AM

    કવિનો હાથ
    મારા હાથમાં
    રસળંત જાણે કરુણામય પ્રભુના હૃદયનો ભાવ.

    ભક્ત પોતાનો હાથ પ્રભુ પકડે એવી પ્રાર્થના કરતો હોય છે. શ્રી રામકૃષ્ણ પરમહંસ કહે છે કે જો ભક્ત પ્રભુનો હાથ પકડે તો એની પકડ છૂટી જઈ શકે, પણ જો પ્રભુ એનો હાથ પકડી લે તો એ પકડ કદી ન છૂટે.

    આ કાવ્યમાં તો કવિનો હાથ પોતાના હાથમાં લેવાની વાત છે. મને તો અહીં અદ્વૈત વેદાંતનો ભાવ લાગે છે! કવિએ કવિના જ હાથની – – એટલે કે બે દેખાતા પણ વાસ્તવમાં એક જ હાથની વાત કરી છે!

  4. Girish Parikh said,

    January 16, 2010 @ 11:55 AM

    મને આ વિચાર પણ આવ્યોઃ
    ભક્ત પ્રભુ તરફ એક ડગલું ભરે તો પ્રભુ ભક્ત તરફ દસ ડગલાં ભરતા હોય છે.
    હવે આ કલ્પના કરોઃ
    ભાવક કવિનો હાથ પકડવા પોતાનો હાથ લંબાવે છે અને કવિ એનો હાથ ભાવક તરફ વધુ ને વધુ લંબાવે છે. બન્ને હાથો મળે છે. ભાવકને લાગે છે કે એણે કવિનો હાથ પકડ્યો છે. કવિને લાગે છે કે એણે ભાવકનો હાથ પકડ્યો છે – – અને બન્ને હાથ એક થઈ જાય છે!
    – – ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિયા
    તા. ક. ગિરીશનું સર્જાતું જતું પુસ્તકઃ “આદિલની ગઝલોનો આનંદ”

  5. pragnaju said,

    January 16, 2010 @ 12:06 PM

    કવિનો હાથ
    મારા હાથમાં
    રસળંત જાણે કરુણામય પ્રભુના હૃદયનો ભાવ.

    ખૂબ સુંદર——અતિ કારુણ્યથી ઉદ્દભવતાં દુ:ખને અનુભવવાની;
    પોતાના પ્રેમના જ્ઞાનથી જ ઘવાવાની;
    અને સ્વેચ્છાથી તથા હર્ષથી પોતાનું લોહી વહેવડાવવાની;
    વળી, પરોઢિયામાં સહૃદયતાથી પાંખો ફફડાવતા જાગી, પ્રેમનો અનુભવ લેવા માટે એક નવો દિવસ બક્ષવા માટે પ્રભુનો પાડ માનવાની;
    મધ્યાહ્ને વિશ્રાંતિ લેતાં પ્રેમની સમાધિમાં લીન થવાની;
    સંધ્યાકાળે કૃતજ્ઞભાવે ઘેર પાછા ફરવાની;
    અને ત્યાર પછી પોતાના પ્રિયતમને અર્થે હૃદયમાં પ્રાર્થના કરતાં અને તેનાં યશોગાનને મોઢેથી લલકારતાં ઊંઘી જવાની !

  6. ઊર્મિ said,

    January 16, 2010 @ 12:38 PM

    સતત મનન-ચિંતન કરાવે એવી ખૂબ સુંદર કવિતા…

  7. Pinki said,

    January 18, 2010 @ 5:36 AM

    કાવ્યનું સર્જન થાય તે સમયે,
    કવિ પોતાના સ્થૂળ હાથને કવિનો હાથ કહી પ્રથમ લીટીથી જ, કાવ્યસર્જનમાં ઈશ્વરનો જ ‘હાથ’ હોય છે, તેમ સૂચવે છે. અને તે ‘હાથ’માં એટલે જ સમસ્ત બ્રહ્માંડનો લય સ્પંદન અનુભવી શકાય છે.

  8. Kirtikant Purohit said,

    January 18, 2010 @ 9:26 AM

    કવિનો હાથ
    મારા હાથમાં
    રસળંત જાણે કરુણામય પ્રભુના હૃદયનો ભાવ.

    હ્રદયના અનુપમ ભાવની બહુજ સરસ કાવ્યમય રજુઆત.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment