હજારો જિંદગી પૂરી થઈ, પૂરી થતી રહેશે,
છતાં પણ માનવીને માનવી સમજાય તો સમજાય.
વિવેક મનહર ટેલર

વર્ષો વીતી ગયાં છે – બંકિમ રાવલ

પીછું અડાડવામાં વર્ષો વીતી ગયાં છે,
જંતર જગાડવામાં વર્ષો વીતી ગયાં છે.

કિસ્મત હતું હથેળીમાં બંધ એ ખરું પણ,
ચપટી વગાડવામાં વર્ષો વીતી ગયાં છે.

ગુંદર ન હોય એવી દેશી ટિકિટ માફક
આ મન લગાડવામાં વર્ષો વીતી ગયાં છે.

તું તો કરે રવાના ઝડપી ટપાલ દ્વારા,
અહીંયા ઉઘાડવામાં વર્ષો વીતી ગયાં છે.

સદીઓ વહી ગઈ છે જાણે પવનની માફક,
બે પળ ખૂટાડવામાં વર્ષો વીતી ગયાં છે.

-બંકિમ રાવલ

મનોજ ખંડેરિયાની વરસોના વરસ લાગે ગઝલની યાદ આવે એવી પરંતુ જરા નોખી જ ‘ફ્લેવર’ ધરાવતી આ ગઝલ.. મારી દૃષ્ટિએ જેમ જેમ ગઝલ આગળ વધે છે એમ એમ શેર વધુ બળકટ થતા જાય છે. ઇન્ટરનેટ અને ટેલિફોનના પરિણામે દૂધ પીતી થઈ રહેલી ટપાલસેવાને સાંકળીને જે બે શેર લખાયા છે એ તો અદભુત છે…

8 Comments »

  1. રાકેશ ઠક્કર, વાપી said,

    January 2, 2010 @ 12:43 AM

    સરસ ગઝલ
    સદીઓ વહી ગઈ છે જાણે પવનની માફક,
    બે પળ ખૂટાડવામાં વર્ષો વીતી ગયાં છે.

  2. pragnaju said,

    January 2, 2010 @ 4:10 AM

    તું તો કરે રવાના ઝડપી ટપાલ દ્વારા,
    અહીંયા ઉઘાડવામાં વર્ષો વીતી ગયાં છે.

    સદીઓ વહી ગઈ છે જાણે પવનની માફક,
    બે પળ ખૂટાડવામાં વર્ષો વીતી ગયાં છે.

    વાહ્
    યાદ આવ્યા

    વર્ષો વીતી ગયાં હો ભલે ઈન્તેઝારમાં,
    આવ્યાં તમે તો લાગ્યું : ઘડી બે ઘડી ગઈ.

    ડૂબી ગયું છે આખું નગર રોશની મહીં.
    તારા સ્મરણનું મીણ અહીં ઓગળ્યું હશે.

  3. Kirtikant Purohit said,

    January 2, 2010 @ 8:31 AM

    બન્ને સુઁદર શેર સાથે આખી ગઝલ સરસ બની છે.

    ગુંદર ન હોય એવી દેશી ટિકિટ માફક
    આ મન લગાડવામાં વર્ષો વીતી ગયાં છે.

    તું તો કરે રવાના ઝડપી ટપાલ દ્વારા,
    અહીંયા ઉઘાડવામાં વર્ષો વીતી ગયાં છે.

  4. sudhir patel said,

    January 2, 2010 @ 5:09 PM

    વાહ, મસ્ત ગઝલના બધા જ શે’ર ગમે એવા છે!
    સુધીર પટેલ.

  5. ધવલ said,

    January 2, 2010 @ 8:37 PM

    ગુંદર ન હોય એવી દેશી ટિકિટ માફક
    આ મન લગાડવામાં વર્ષો વીતી ગયાં છે.

    – બહુ સરસ !

  6. ડૉ.મહેશ રાવલ said,

    January 3, 2010 @ 1:48 PM

    સુંદર ગઝલ બદલ બંકિમભાઈને અભિનંદન.
    વિવેકભાઈની વાત સાચી છે
    નવા પ્રતિકો અને નવી જ વાત સાથે સરળ બાનીમાં સરસ કામ થયું છે.

  7. Mukund Joshi said,

    January 5, 2010 @ 4:18 AM

    બહુ સુન્દર ગઝલ
    .
    ગુંદર ન હોય એવી દેશી ટિકિટ માફક
    આ મન લગાડવામાં વર્ષો વીતી ગયાં છે.

    તું તો કરે રવાના ઝડપી ટપાલ દ્વારા,
    અહીંયા ઉઘાડવામાં વર્ષો વીતી ગયાં છે. …તો ઘણા સરસ છે.

  8. vihang vyas said,

    January 5, 2010 @ 5:57 AM

    સરસ ગઝલ. તાજગીસભર.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment