હવે ક્યાં લાભ ને શુભ કે હવે ક્યાં કંકુના થાપા,
દીવાલો ઘરની ધોળીને અમે ચૂપ થઈ ગયા છીએ.
મનોજ ખંડેરિયા

દીકરી જન્મ્યાનું ગીત – જતીન બારોટ

મારમાર ઉનાળે લ્હાય લ્હાય તાપમાં
.                                જડતી રે પાણીની ઠીકરી.
.                            દીકરી આવી છે મને દીકરી.

મેશનું કરું હું એને કાળું તે ટપકું ને,
.                  બોખા મોઢે એ સ્હેજ હસતી,
કોઈ દી મેં દાદાને હસતા ના જોયા,
.                એ કરતા રે ગેલ અને મસ્તી.
મોટી થઈને મને રાખશે રે એમ
.                          જેમ માળામાં બચ્ચાંને સુગરી.
.                              દીકરી આવી છે મને દીકરી.

દીકરાનો દલ્લો તો લાગ્યો ના હાથ કોઈ,
.                        એમ કહ્યું કડવી તે ફોઈએ
એવી મિરાતની શું રે વિસાત
.            મારે બદલીમાં ઈશ્વર નહીં જોઈએ
એને રમાડું હું રાત અને દી,
.                            નથી કરવી રે કોઈનીય નોકરી.
.                                  દીકરી આવી છે મને દીકરી.

– જતીન બારોટ

પુત્રજન્મનું મહાત્મ્ય હજી જ્યાં લગીરે ઓછું થયું નથી અને સ્ત્રીભ્રુણહત્યાનું પાતક સરકારી પ્રતિબંધ પછી પણ ઘટ્યું નથી એવા દીકરીના દુકાળના દેશમાં આ ગીત સ્ત્રીજન્મના રાષ્ટ્રગીત સમું સોહે છે. એક બાપની સાવ સહજોક્તિ અનાયાસ કવિતા થઈ અહીં પાંગરી છે. ધીરગંભીર દાદાના બુઢાપાની સુક્કી ડાળી પર પણ દીકરી લીલુંછમ્મ પાન બનીને મહોરી છે. દીકરીના બદલામાં સાક્ષાત્ ઈશ્વર પણ મળે તો બાપને મન એ નક્કામો. દીકરીની નોકરી કરીએ તો બીજી કઈ નોકરી રુચે?

15 Comments »

  1. Kirtikant Purohit said,

    December 31, 2009 @ 3:52 AM

    ‘દાદા હો દીકરી ‘ અને ‘વાગડમા ન દેશો રે સઇ’ ની કક્ષાનુઁ ગીત. અતિસુઁદર.

  2. Dr.J.K.Nanavati said,

    December 31, 2009 @ 4:53 AM

    પ્રથમ સંતાનમાં પુત્રી પ્રાપ્ત થતાં મેં
    લોકોની નવાઈ વચ્ચે પેંડા વ્હેચ્યાં હતાં…….

    એ પ્રેમ અને ઘેલછા યાદ દેવરાવતું અતિ સુંદર
    ભાવ ગીત…….

    ક્યા ખૂબ કહી જતીનભાઈ

    ડો. નાણાવટી

  3. Jayshree said,

    December 31, 2009 @ 12:26 PM

    મઝાનું ગીત….

  4. Hetal said,

    December 31, 2009 @ 2:20 PM

    saras geet che…
    aa geet mane papa ni, dada ni yad apave che..
    mane mummy keta k tane chalta avdyu tyare papa job par thi ave thaki ne to pan mane farva lai jata roj..
    I miss them lot..

  5. Girish Parikh said,

    December 31, 2009 @ 5:31 PM

    ગીત હ્રદયને સ્પર્શી ગયું. મારે બે દીકરીઓ જ છે. I am proud of both.
    –ગિરીશ પરીખ

  6. ધવલ said,

    December 31, 2009 @ 5:33 PM

    સીધુ દિલને અડકે છે આ ગીત !

  7. sudhir patel said,

    December 31, 2009 @ 7:49 PM

    દિકરી-જન્મના નાજુક ભાવોને કાવ્યાત્મક રીતે અભિવ્યક્ત કરતું સુંદર ગીત!
    વિવેકભાઈની એવી જ સરસ માર્મિક વાત.
    સુધીર પટેલ.

  8. nilam doshi said,

    December 31, 2009 @ 9:21 PM

    મજા આવી ગઇ.હું તોદીકરીની સદાની પક્ષપાતી..મારા દીકરાનો મીઠો ગુસ્સો વહોરીને પણ….

    તેથી જ તો મારા પહેલા પુસ્તકનું નામ ” દીકરી મારી દોસ્ત ” છે.

    અહીં સુંદર ભાવ અને વિવેકભાઇની સુંદર અભિવ્યક્તિ બંનેની મજા માણી…

    આભાર

  9. pragnaju said,

    January 1, 2010 @ 10:54 AM

    સરસ ગીત
    દિકરી અંગેના અભયાનમા ખૂબ લખાયું છે-
    તેમા આ વિચારો વધુ સચોટ લાગ્યાં.
    મારી દષ્ટિએ મા એ મમતાનીમૂર્તિ છે, પિતા વાત્સલ્યમૂર્તિ છે, પરંતુ દીકરી એ દયાની મૂર્તિ છે. એ મમતા છોડીને પતિગૃહે જાય છે. એના વાત્સલ્યનું સ્થાન પણ બદલાતું હોય છે, પરંતુ એનું દયાપણું અકબંધ રહે છે. અને તે ખાસ કરીને પિતા તરફથી એની દયા, મારા અનુભવમાં ખૂબ જ વિશેષ હોય છે.
    દીકરી જીવનની તમામ ઘટનાઓને પોતાના વિવેક અને મા-બાપના સંસ્કારના બળે સહી લેતી હોય છે, જીરવી લે છે, પરંતુ એના બાપને કાંઈ થાય એ એના માટે સદાય અસહ્ય હોય છે. કોઈ એને કહે કે તારા પિતાની તબિયત બરાબર નથી. બસ, દીકરીની સ્થિતિ દીકરી જ જાણે.
    મારી સમજ કાંઈક એવી છે કે પુત્ર એ પિતાનું રૂપ છે, પરંતુ પુત્રી એ તો પિતાનું સ્વરૂપ છે. પુત્રએ બાપનો હાથ છે, પરંતુ દીકરી એ બાપનું હૈયું છે. અને એટલે જ તો બાપ જ્યારે કન્યાદાન આપતો હોય ત્યારે, એ દીકરીનો હાથ જમાઈના હાથમાં આપતો હોય છે, પરંતુ વાસ્તવમાં તો એ પોતાનું હૈયું જ આપતો હોય છે. અને એટલે જ તો આપણા સમર્થ લોકકવિ શ્રી દાદભાઈએ ‘કાળજા કેરો કટકો મારો હાથથી છૂટી ગ્યો’ આવી અનુભૂત વાત ગાઈ છે.
    દીકરીને વળાવે ત્યારે બાપની ઉંમર હોય એના કરતાં થોડાં વરસ વધી ગઈ હોય એવું અનુભવાય અને લોકોને લાગે પણ, પરંતુ એ જ દીકરી સાસરેથી બાપને મળવા આવે ત્યારે બાપ પાછો હોય એટલી ઉંમરવાળો દેખાય અને ગામડાંમાં તો દોડી પડે, મારો બાપ આવ્યો….મારો દીકરો આવ્યો….
    એમાંય દીકરીને ત્યાં બાળકમાં દીકરીનો જન્મ થાય ત્યારે બાપ વધારે નાનો (નાના) થઈ જતો હોય છે. જુવાન દીકરી વૃધ્ધ બાપની મા બની જતી હોય છે. અને મા જેમ બાળકને આગ્રહ કરીને જમાડે, સાચવે વગેરે ભાવ દીકરી બાપ તરફ વહાવતી હોય છે. એટલે દીકરીવાળો બાપ ક્યારેય નમાયો નથી હોતો.
    ઘરથી દૂર હોવાનું મારે ખૂબ બને છે. કુટુંબીજનો મારા સાંનિધ્યથી દૂર હોય છે, પણ તેનાથી લાગણીનાં બંધનો વધુ મજબૂત થયાં છે. મારી દષ્ટિએ એ અપવાદ પણ હોઈ શકે, કારણકે હું શરિરથી બહાર ફરતો હોઉં છું, પણ મનથી તેમના તરફ અને એ લોકો મારા તરફ વધારે રહ્યાં છે. એથી અમારું મમતાનું બંધન વધુ મજબૂત થયું છે. અને મારું રામકથાનું જે આ સતત અભિયાન છે, આ પરંપરા છે, મિશન છે, તેમાં સમગ્ર પરિવારનું બહુ જ મોટું યોગદાન છે. નહીંતર મને બરાબર યાદ છે, મારી સૌથી નાની દીકરી શોભના, નાની હતી ત્યારે વડોદરાની કથામાં હું જઈ રહ્યો હતો. મારો નિયમ છે કે હું કથામાં જાઉં ત્યારે બધાં બાળકોને મળીને જાઉં. વહેલું નીકળવાનું હોય તો તેમને જગાડીને કહેતો જાઉં કે બેટા, હું જાઉં છું. એક વખત શોભનાએ મને પૂછેલું; ત્યારે મને આંસુ આવી ગયાં. પ્રશ્ન ખૂબ જ કરૂણાથી ભરેલો હતો. એણે મને એમ જ પૂછયું, “આ બધી કથાઓ મોટા ભાઈ તમારે જ કરવાની છે ?” શોભના મને મોટા ભાઈ કહે છે. ત્યારે હું સમજી શક્યો હતો કે એને મારું અહીંથી જવું ગમતું નથી. પણ મારા જીવનકાર્યમાં શોભનાનો ખૂબ સહયોગ રહ્યો છે.
    રામચરિત માનસમાં લખ્યું છે – “પુત્રી પવિત્ર કિયેઉ કુલ દોઉ’ યાનિ પુત્ર બાપના એક જ કુળને તારે છે, પરંતુ દીકરી બન્ને કુળને, એટલું જ નહીં, ત્રણેય કુળને તારતી હોય છે. ગંગાજીના ત્રણ મહત્વના વિશેષ પાવન સ્થાનો હરિધ્વાર, પ્રયાગ અને ગંગાસાગર. દીકરીરૂપી ગંગા માટે અથવા ગંગા જેવી દીકરી માટે, મા હરિધ્વાર છે, બાપ પ્રયાગ છે અને પતિ ગંગાસાગર છે. એ ત્રણેયને ધન્ય અને પવિત્ર કરે છે આવું મારું દર્શન છે.
    હા, દેશ, કાળ અને વ્યકિતને લીધે આમાં અપવાદો હોઈ શકે, પરંતુ મારી અંત:કરણની પ્રવૃત્તિ આવું કહે છે :
    ‘દીકરી દેવો ભવ’.

  10. Hiral Vyas "Vasantiful" said,

    January 2, 2010 @ 3:08 AM

    ખુબ જ સુંદર.

  11. kanchankumari parmar said,

    January 3, 2010 @ 3:57 AM

    સદા રહે ફુલો વેરાયેલા તુજ ચરણે;ન કાંટા ડ્ંખે ઝેરિલા તુજ ચરણે….દિકરિ એજ અમારિ તને આશિશ…..

  12. Sandip said,

    January 4, 2010 @ 10:42 AM

    સલામ જતીન.

    આભાર વિવેકભાઇ

  13. Lata Hirani said,

    January 5, 2010 @ 12:12 PM

    માનું હૈયું અદ્દલ ઉતરી આવ્યું છે..

    લતા હિરાણી

  14. varsha.tanna said,

    January 6, 2010 @ 5:04 AM

    દીકરી વહાલનો દરિયો તો આવું સરસ કાવ્ય લખવાવાળા પિતા કેવા?

  15. navin kanthariya said,

    March 21, 2011 @ 7:43 AM

    Dikaro Varas Che. Dikari Paras Che.

    Dikaro Vansh Che. Dikari Ansh Che.

    Dikaro Aan Che. Dikari Shan Che.

    Dikaro Tan Che. Dikari Mann Che.

    Dikaro Man Che. Dikari Guman Che.

    Dikaro Sanskar Che. Dikari Sanskruti Che.

    Dikaro Aag Che. Dikari Bag Che.

    Dikaro Dava Che. Dikari Duaa Che.

    Dikaro Bhagya Che. Dikari Vidhata Che.

    Dikaro Shabdo Che. Dikari Arth Che.

    Dikaro Geet Che. Dikari Sangeet Che.

    Dikaro Prem Che. Dikari Pooja Che.

    Dikari ae Dikaro ja Che.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment