મેં શ્વાસ તારા નામનો ઊંડો લીધો જરા,
લોહીના પાને-પાને ત્યાં તો ઊભરી ગઝલ.
વિવેક મનહર ટેલર

માણસ છું – નાઝીર સાવંત

માણસ વચ્ચે માણસ થઈ, પંકાઈ ગયેલો માણસ છું.
વહેંચણ વચ્ચે વહેંચણ થઇ વહેંચાઈ ગયેલો માણસ છું.

એ જ અમારું યૌવન છે, ભીનાશ તમારા આંગણની.
વાદળની ઝરમર થઈને, પથરાઈ ગયેલો માણસ છું.

દરદોને રાહત છે તો, ઉપચાર જરૂરી કોઈ નથી.
દુનિયાના જખમો જીરવી, રૂઝાઈ ગયેલો માણસ છું.

યત્ન કરો જો મનાવવાનો, તર્ત જ માની જાઉં છું.
અમથો અમથો આદતવશ, રીસાઈ ગયેલો માણસ છું.

‘નાઝીર’એવો માણસ છે,જે કેમ કરી વિસરાય નહીં.
જાતને થોડી ખરચીને, ખરચાઈ ગયેલો માણસ છું.

– નાઝીર સાવંત

લયસ્તરો પર આ ગઝલ નાઝિર દેખૈયાની ગઝલ તરીકે પૉસ્ટ કરી હતી પણ મિત્ર હિમલ પંડ્યા અને ફિરદૌસ દેખૈયાએ આજે જાણ કરી કે આ ગઝલ નાઝિરની જ છે પણ દેખૈયા નહીં, સાવંતની છે… ધ્યાન દોરવા બદલ બંને મિત્રોનો આભાર…

41 Comments »

  1. jignesh hingu said,

    May 23, 2008 @ 9:27 AM

    જો નાઝિર ભાઈ ની ગગન વાસી ધરા પર બે ઘડી…. અહી ઉપલબ્ધ થાય તો મજ્જા આવી જાય
    ધન્યવાદ

  2. પ્રતિક ચૌધરી said,

    September 9, 2008 @ 11:53 AM

    JIGNESH HINGU….આપની ફરમાઈશ હું પુરી કરી દઉં.

    ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો.
    જીવનદાતા જીવનકેરો અનુભવ તું કરી તો જો.

    સદા એ શેષ શૈયા પર શયન કરનાર ઓ ભગવન,
    ફકત એકવાર આ ફાની પથારી પાથરી તો જો.

    જીવન જેવું જીવન તુજ હાથમાં સુપરત કરી દેશું,
    અમારી જેમ અમને એકપળ તું કરગરી તો જો.

    નિછાવર થઈ જઈશ એ વાત કરવી સહેલ છે “નાઝીર”
    સદા ફાના શ્વાસ ભરનારા મરણ પહેલાં મરી તો જો.

  3. firdaus a dekhaiya said,

    September 14, 2008 @ 12:38 AM

    નાઝિર ના સૌ પ્રશન્શકો ને નાઝિર ના પૌત્ર ના નમસ્કાર્

  4. Pinki said,

    September 14, 2008 @ 7:06 AM

    માણસપણાંને સહજપૂર્વક ગાતી ગઝલ….

    પ્રતિકનો આભાર તેમની આ સુંદર ગઝલ માટે…..

  5. Dr.Firdosh A.Dekhaiya said,

    October 30, 2008 @ 2:41 PM

    અશ્રુઓ સારો નહીં
    મોત ને મારો નહીં

    આગ થૈ ને વાગશે,
    જખ્મ ને ઝારો નહીં

    ને કફનમાં યાદ ના
    શિલ્પ કંડારો નહીં

    ગૂંગળાવે છે કબર,
    શ્વાસ !પરવારો નહીં

    મોત ની કોને ખબર?
    કોઇ અણસારો નહીં

    તા-કયામત બોલશે,
    પાપ,છૂટકારો નહીં

    ના અઝાબો છોડશે,
    ઈશ પણ તારો નહીં

    મોત પરવારી જશે,
    હોંસલા હારો નહીં

    —-ડો.ફિરદૌસ દેખૈયા

  6. Dr.Firdosh A.Dekhaiya said,

    October 30, 2008 @ 2:53 PM

    હું છું સવાલ સહેલો,ને અઘરો જવાબ છું;
    ને હુ સમય ના હાથની ખુલ્લી કિતાબ છું.

    એક યારની ગલી ,બીજી પરવરદિગારની;
    ના ત્યાં સફળ હતો,ના અહીં કામિયાબ છું.

    પૂછો ના કેમ સાંપડે ગઝલો તણો મિજાઝ;
    ફૂલોની મ્હેક છું,અને જૂનો શરાબ છું.

    રબ ની દુહાઇ ના દે એ નિગાહબાને-દીન ;
    તુજથી વધારે સાફ છું,એહલે-શરાબ છું.

    જીવ્યો છું જે મિજાજે,મરવાનો એ રુઆબે,
    લાખો રિયાસતો નો બસ એક જ નવાબ છું.

    —-ડો.ફિરદૌસ દેખૈયા

  7. Dr.Firdosh A.Dekhaiya said,

    November 1, 2008 @ 3:56 AM

    એક મંકોડે ખાધી રે હાથીની ઠેસ ,કહો મંકોડે કેમ કરી જિરવાયું થાય ?
    તોય એને ના લાગ્યું કંઈ ઠેબું યે લેશ,માળું હાળું,આ કેવું રે કૌતુક કહેવાય!

    માળો મંકોડો નીકળ્યો રે મંકોડી પહેલવાન,કીડી રે જોઈ-જોઈ અરધી રે થાય ;
    એની બહાદુરી ભાળીને ભૂલી ગઈ સાનભાન,હૈયામાં કાંઈ-કાંઈ મરકી રે જાય.
    પછી મંકોડે લીધા ભૈ વરણાગી વેશ,એને જોઈને રાફડામાં ફેશન બદલાય;
    અને લટકામાં કાતર્યા કરકરીયા કેશ,માળું હાળું,આ કેવું રે કૌતુક કહેવાય!

    ને પછી રાફડે ને પાંદડે,લાકડે ને થાંભલે,ચોડ્યા મંકોડાના ફોટા;
    એની છાપુંના ઠેર-ઠેર ટી-શર્ટ વેચાય,અને સ્કીમુંમાં સાકરિયા ગોટા.
    પછી મંકોડો નીકળ્યો રે દરીયાને દેશ ,એને જોવાને ઠેર-ઠેર લાઈનું બંધાય;
    અને ભાડેથી લીધી એક ભગરાળી ભેંશ,માળું હાળું,આ કેવું રે કૌતુક કહેવાય!

    વળી મંકોડો બોલ્યોઃહું મંકોડી પહેલવાન,મારો નથી રે કોઈ જોટો;
    કરી હિંમત જો કોઈ મુજ સામે જો આવે,એનો ઢોળાવી નાખું રે લોટો.
    એક મરઘે સંભાળ્યો મંકોડાનો કેસ;હવે મંકોડો મરઘાની ચાંચે લટકાય;
    ઓણ મંકોડી પહેલવાન બોલ્યો ના લેશ;માળું હાળું,આ કેવું રે કૌતુક કહેવાય!

    –ડો.ફિરદૌસ અ.દેખૈયા

  8. Jina said,

    November 3, 2008 @ 2:44 AM

    ડો.ફિરદૌસ દેખૈયા,

    એકવાર લયસ્તરોના આ મંચ પર મરીઝ સાહેબના પુત્રી સાથે વાત કરવાનો લ્હાવો મળેલો અને આજે આપની રચનાઓ વાંચવાનો લાભ મળ્યો… I must thank Dr, Vivek and Dhawal for giving such a platform to us…! દેખૈયા સાહેબ આપના દાદાની તો હું fan હતી જ પણ હવે લાગે છે આપની રચનાઓનો પણ રસાસ્વાદ કરાવતા રહો તો સારું…

    – જીના

  9. Dr Firdaus Dekhaiya said,

    November 3, 2008 @ 1:55 PM

    જીનાબહેન
    આપની વાત ગમી.
    અને આપની પ્રશંસાથી પ્રેરણા પણ મળી….થોડું આગળ લખવાની.
    પણ હકીકતમાં તો આ અવતરણો આજના ચોમાસા જેવા હોય છે..
    ક્યારે અને કેટલા વરસે કોને ખબર?
    પણ અત્યારે તો આટ્લું જ મળ્યું છે
    ફરી પાછું વરસશે તો આ જ જગ્યાએ મુકીશ.
    ધન્યવાદ.

  10. Jina said,

    November 4, 2008 @ 3:15 AM

    અમને એ વરસાદની (કે પછી ક્યારેક આમ જ વરસી પડતાં માવઠાંની પણ…) પ્રતિક્ષા રહેશે…

  11. majlis said,

    November 4, 2008 @ 5:22 AM

    સરસ.

  12. majlis said,

    November 4, 2008 @ 5:24 AM

    good words.

  13. Dr Firdaus Dekhaiya said,

    November 4, 2008 @ 5:41 AM

    એક માવઠું;

    ઝીલવાને કાળનાં હજાર બાણ છે;
    આજ મારો હાથ કેવો લોહીઝાણ છે!

    હાથમાં ખડગ અડગ હતું ય,છે,હશે;
    છો અરિના કાફલામાં ચક્રપાણ છે!

    બુદ્ધને મહાભિનિશ્ક્રમણ કર્યું ઘટે,
    જો!અહીં તો એ જ રણ ભણી પ્રયાણ છે.

    અંગદનો પગ નહિ હલે,નહિ ચલે;
    છો તમારા રાજમાં રાવણની આણ છે.

    જિંદગાનીભર સતત ઝઝૂમતો રહ્યો,
    મોતનીય સાથ અહીં ઓળખાણ છે.

    —ડો.ફિરદૌસ દેખૈયા

  14. Pinki said,

    November 5, 2008 @ 3:03 AM

    વાહ્……આ માવઠું તો વરસાદી મોસમ કરતાંય વધુ ભીંજવી ગયું !!

    આપને રુબરુ મળ્યાં જેવો જ આનંદ થયો.

  15. Dr Firdosh Dekhaiya said,

    November 5, 2008 @ 4:58 AM

    કેવાં હશે એ લોક જે ચંદર સુધી ગયાં,
    પણ આપણે અલ્લાહ ને ઈશ્વર સુધી ગયાં.

    ગુસ્સે થયા જો લોક તો પથ્થર સુધી ગયા,
    પણ દોસ્તોના હાથ તો ખંજર સુધી ગયા.

  16. Dr.Firdosh Dekhaiya said,

    November 5, 2008 @ 12:04 PM

    રાહી ઓધારિયા ની એક રચનાઃ
    આકાશમાંથી એક સિતારો ખર્યાની વાત
    બેસો,કહું છું તમને હું મારા મર્યાની વાત

    વળગણ બધાંયે છૂટી ગયાં તમને જોઈને
    મારા મહીંથી ધીમે-ધીમે હું સર્યાની વાત

    તમને ય તે હવે તો ખરી લાગતી હશે
    જન્માક્ષરો મારા ને તમારા વર્યાની વાત

    ‘રાહી’!અબળખા કોઇ હવે બાકી ક્યાં રહી?
    કેવળ રહી છે મન મહીં તમને સ્મર્યાની વાત.

    મિત્રો,એકલ સાંજે જ્યારે આરામખુરશીમાં મગજ આરામ ફરમાવતું હોય ત્યારે આવી કોઈ રચના તમારી કને હોય તો એ સાંજનું શું કહેવું?

  17. Dr.Firdosh Dekhaiya said,

    November 5, 2008 @ 12:19 PM

    to,moderator
    pls note that the poetries of the poets other than me are my favourites and the poets are in close contact with me..if u need any help regarding their contacts i may be helpful to you.

  18. Dr.Firdosh Dekhaiya said,

    November 5, 2008 @ 12:27 PM

    ના હું અમસ્તો જળમાં લીટા કરી રહ્યો છું;
    રત્નોને શોધવાના રસ્તા કરી રહ્યો છું.

    ઉપદેશ ઈશ કેરો આપું છું નાસ્તિકોને,
    પત્થર જો થઇ શકે તો હીરા કરી રહ્યો છું.

    વર્ણન નથી હું કરતો આદમના અવગુણોનું
    મારી જ જીભે મારી નિંદા કરી રહ્યો છું.

    એ રીતથી ઉપાડ્યા આજે કદમ મેં ‘નાઝિર”;
    ધરતીથી જાણે છૂટા-છેડા કરી રહ્યો છું.

    –નાઝિર દેખૈયા

  19. Dr.Firdosh Dekhaiya said,

    November 5, 2008 @ 12:38 PM

    તમે ગમગીન થઇ જાશો,ન મારા ગમ સુધી આવો;
    ભલા થઈ ના તમે આ જીવના જોખમ સુધી આવો.

    ભલે ઝાકળ સમી છે જિંદગી પણ લીન થઈ જાશું
    સૂરજ કેરાં કિરણ થઈને જરા શબનમ સુધી આવો.

    તમે પોતે જ અણધારી મૂકી’તી દોટ કાંટા પર
    કહ્યું’તું ક્યાં તમોને ફૂલની ફોરમ સુધી આવો?

    લગીરે ફેર ના પડશે અમારી પ્રિતમાં જોજો;
    ગમે ત્યારે ગમે ત્યાં જિંદગીના દમ સુધી આવો.

    નિછાવર થઈ ગયાં છે જે તમારી જાત પર “નાઝિર્’;
    હવે કુરબાન થાવા કાજ એ આદમ સુધી આવો.

    ‘નાઝિર’ દેખૈયા

  20. Dr.Firdosh Dekhaiya said,

    November 5, 2008 @ 1:34 PM

    અને હવે,

    ઇસુભાઈ ગઢવીની શ્રેષ્ઠતમ રચના(મારું મંતવ્ય—-બીજા કોઇને લાગુ ન પણ પડી શકે)

    કડલાં રણકે,કડલાં રણકે,કોરે-મોરે કડલાં રણકે
    શેણ-વિજોગણ કડલાં રણકે,જોબન-રણ થઈ કડલાં રણકે
    કાળજ-કાંઠે,પ્રિત-પિયાવે,તરસી હૈયાધાર થઈને હેત હુલામણ કડલાં રણકે

    આંખ્યુંમાં અષાઢ થઈને,બારે ખાંગા મેહ થઈને,શ્રાવણવાળો નેહ થઈને કડલાં રણકે
    અધરાતે મધરાતે આવી ભરનીંદરમાં શમણાં થઈને રાત-ઉજાગર કડલાં રણકે
    ઘર ઉંબરની બારશાખમાં સાંજ-સવારે મીઠું મલકતાં ખાપે-ખાપે દર્પણ થઈને કડલાં રણકે
    ટોડલિયાના મોરલિયામાં,તોરણિયા ને ચાકળિયામાં લાગણીઓનાં ગૂંથણ થઈને કડલાં રણકે
    લીંપી-ગૂંપી ઓશરીયુંની ગાર્યુંમાં ઓળીયા થઈને હાથ હથેળી હૈયાં થઈને કડલાં રણકે
    ફૂલ-સુંવાળી આંગળીયું એ શણગારેલી ભીંતડીયુંમાં ખાલીપાના નાગ થઈને કડલાં રણકે
    આંગણિયામાં પગલે-પગલે -ફળીયે-ફળીયે ડગલે-ડગલે પાની-પાની વીંછી-ડંખ થઈ કડલાં રણકે
    પાદર,વડલો,તળાવ-કાંઠો,વાવ-કૂવાના પગ-પગથારે પનિયારણ થઈ કડલાં રણકે
    વાટે-ઘાટે અંતરહાટે ખાટાંમીઠાં ગોરસ લઈને મહિયારણ થઈ કડલાં રણકે
    સુકા વીરડે ભીની રેતમાં મમતાના પાતાળ પાણીમા ડૂબી ટેરવાં કડલાં રણકે
    શરણાયું સૂરે,ઢોલ ઢબૂકે માંડવડાના માણેકથંભે કંકુ-ચોખા કડલાં રણકે
    મોડ્-ચુંદડી-રામણ દીવડે,પાનેતરની ગાંઠે-ગાંઠે ગીત કુંવારા કડલાં રણકે
    ખેતર શેઢે મન મીઠપનાં ભાથાં લઈ મનવાર્યું કરતી ભતવારણ થઈ કડલાં રણકે
    લીલી સીમમાં લાલ હિંગોળી હેત્-પ્રીતનાં સોનલવરણાં ઊગી કણહલાં કડલાં રણકે
    ઉભા મોલમાં કુણી કુણી આશાઓની આંખ ફોલતાં વૈયાં થઈને કડલાં રણકે
    ગોરજટાણે ગામ ગોંદરે ગોધૂળ ઘેલી ગોવાલણ થઈ કડલાં રણકે
    દન ઊગે ને દનની હારે સાંજ-સવારે રાતા-પીળા સૂરજ થઈને કડલાં રણકે
    રાત રાણીના ઘમ્મર ઘાઘરે મધરાં-મધરાં શ્યામ સુંવાળાં અંધારાં થઈ કડલાં રણકે
    વાતે વાતે વેણે વેણે શ્વાસે શ્વાસે રમણે રમણે રોમે રોમે રાગ થઈને કડલાં રણકે
    આંખ ઉઘાડું,કાન લગાડું,હાથ અડાડુમ રૂંવે રૂંવે સાદ થઈને કડલાં રણકે
    આ વાત થઈ ને કડલાં રણકે
    સોગાત થઈને કડલાં રણકે
    આઘાત થઈને કડલાં રણકે
    ભીતર ભેદ થઈ કડલાં રણકે,અંતર છેદ થઈ કડલાં રણકે,જીવન ખેદ થઈ કડલાં રણકે
    ગરલ ઘુંટ થઈ કડલાં રણકે,સકળ શૂળ થઈ કડલાં રણકે,મીઠું મોત થઈ કડલાં રણકે
    પછી કેમ કહું ના કડલાં રણકે,હવે કેમ કહું કાં કડલાં રણકે,અને કેમ કહું હા કડલાં રણકે

    (ભૂમિકાઃખંભાળિયા બાજુની આયર જાતિ માં સ્ત્રી સોહાગણ હોવાની નિશાની છે કડલાં…હાથીદાંતથી બનેલાં આ કડલાં નીચે કાંડા પાસે સાવ સાંકડા હોય અને ઉપર જતાં જતાં પહોળા થતા જાય છે..વળી આ કડલામાં મોરલા અને આભલા ભર્યાં હોય અને ચાંદીની ઘુઘરીઓ પણ ખરી………..
    જે મંજુલ રણકાર કરતી હોય ……..એક વિધુર માણસ જ્યારે ગામના પાદરે,વડલે,તળાવકાંઠે ઓટલે અને આવા દરેક સ્થળે થી પસાર થાય છે અને ત્યાં સંભળાતો કડલાંનો રણકાર એને એ એહસાસ કરાવે છે કે મારે ઘેર આવો એક રણકાર હવ ભૂતકાળ બની ગયો છે………….આ ભૂમિકા સ્વયં કવિએ કહેલ છે)

  21. Dr.Firdosh Dekhaiya said,

    November 5, 2008 @ 1:59 PM

    સત્યના મારા પ્રયોગો સાવ તો ખોટા નથી,
    વાત ખાલી એટલી કે એમના ફોટા નથી

    કેટલી નરમાશથી સાગર મળે આકાશને,
    કે હવાની ઓઢણી પર ક્યાંય લીસોટા નથી

    જાત બાળીને ઉજાળે વિશ્વ આખાને સદા,
    ચાંદ પણ સંમત થશે કે સૂર્યના જોટા નથી

    કો’ વધૂને બાળતા હાથો વિશે બોલ્યા સતી,
    પાનબાઈ!એમના માટે હજી “પોટા” નથી?

    ભ્રુણ હત્યા લાગશે ,સંભાળજે પાગલ પવન,
    કૂખમાં જળની હવા છે,સિર્ફ પરપોટા નથી.

    —–સલીમ શેખ(સાલસ)

  22. Jina said,

    November 6, 2008 @ 3:53 AM

    અદભૂત દેખૈયા સાહેબ… તમે તો સાંબેલાધાર વરસ્યા… “કડલાં રણકે” તો રોમ-રોમ ભીંજવી ગયું….

  23. Jina said,

    November 6, 2008 @ 3:55 AM

    અને હા… “કડલાં રણકે” ક્યાંય સાંભળવા મળે ખરી?

  24. Dr firdosh dekhaiya said,

    November 9, 2008 @ 3:28 AM

    જીનાબહેન
    આ રચનાનું મેં સ્વરનિયોજન કરેલું છે.એ સિવાય બીજે ક્યાંય થયું હોય એ મારી જાણમાં નથી.
    વખત આવ્યે મુકીશ.
    હજી તો એનું રેકોર્ડીંગ પણ નથી કર્યું.
    ફક્ત મહેફિલોમાં ગાઊં છું અને આ રચના માટે સૌથી વધારે દાદ મેળવું છું.
    આજે આ મંચ ઉપર જાહેર પણ કરું છું કે જ્યારે મારું આલ્બમ બહાર પડશે ત્યારે તેનું શીર્ષક ‘કડલાં રણકે” જ હશે.

  25. Dr firdosh dekhaiya said,

    November 9, 2008 @ 3:31 AM

    અને હા! એક વાત ઉમેરવી પડે કે આ ગીત ગુજરાતીમાં ટાઈપ કરતાં મને એક કલાક થયો છે.

  26. Jina said,

    November 11, 2008 @ 4:04 AM

    કેમ છો દેખૈયા સાહેબ…? આપશ્રીનું ઈ-મેલ આઈડી મળી શકે? અથવા તો આપ મારા બ્લોગ http://www.shabdalay.wordpress.com પર પણ visit કરી શકો છો જેથી આપના અને આપની રચનાઓના regular સંપર્કમાં રહી શકાય.

  27. Dr Firdosh Dekhaiya said,

    November 11, 2008 @ 9:36 AM

    firdausd2001@yahoo.com

  28. Dr Firdosh Dekhaiya said,

    November 11, 2008 @ 9:41 AM

    બોલો છો

    સભાને સાચવી લેવા ગમે તે વાત બોલો છો;
    ન સારી જાત ખોલો છો,ન સારી વાત બોલો છો.

    ગઝલના ગાલિબો ઊપર નિવેદન આપતાં પહેલાં-
    જરા એ સાંભળી લેજો,વગર ઔકાત બોલો છો.

  29. Dr Firdosh Dekhaiya said,

    November 11, 2008 @ 9:46 AM

    બોલું છું

    પ્રસંગોપાત બોલું છું,
    હું ખુલ્લી વાત બોલું છું.

    નથી ડર કોઇનો મુજ ને,
    વિના જઝબાત બોલું છું.

    સમય ના સાજ ને છેડી
    સૂરોમાં સાત બોલું છું.

    તમે શું વાર કરવાના!
    તમારી ઘાત બોલું છું.

    ગઝલમાં સામટો પ્રગટું;
    જલાવી જાત બોલુ છું.

    ———–ડૉ.ફિરદૌસ દેખૈયા

  30. Dr firdosh dekhaiya said,

    November 13, 2008 @ 9:26 AM

    ગઝલનો વિષય છેઃ

    વિહરવું,રઝળવું મજલનો વિષય છે;
    શમા જેમ ગળવું ગઝલનો વિષય છે.

    ઠરી થાંભલો થઇ ગયેલી ગલીમાં
    તમારું નીકળવું કતલનો વિષય છે.

    વિચારો ફરજ છે,ને મક્તા’ છે સુન્નત;
    ‘લગાગા’નું મળવું નફલનો વિષય છે;

    કલાકાર ઘુંટે,તલબગાર લૂંટે,
    ઉભયનું પલળવું અમલનો વિષય છે.

    થયે બાગ-‘ફિરદૌસ’ સદીઓ ગઇ છે;
    પલકભરમાં ફળવું અતલનો વિષય છે.

    ——–ડૉ.ફિરદૌસ દેખૈયા

  31. Dr firdosh dekhaiya said,

    November 14, 2008 @ 4:37 AM

    http://firdoshdekhaiya.wordpress.com/2008/11/14/18/

  32. વિવેક said,

    November 14, 2008 @ 8:16 AM

    આદરણીય ડૉ. ફિરદૌસભાઈ,

    આ આપે સારું કામ કર્યું. અમે આપને સૂચન કરવાનું વિચારતા જ હતા કે આપ આટલી સરસ ગઝલો લખો છો, યુનિકોડ પર પણ હાથ બરાબર બેસી ગયો છે તો આપનો પોતાનો બ્લૉગ જ શરૂ કરી દો તો!

    આપના બ્લૉગની મુલાકાત લીધી. આનંદ થયો. ગુજરાતી નેટ-જગતમાં આપનું સહૃદય સ્વાગત છે…

    -લયસ્તરો ટીમ

  33. ગઝલચાહક said,

    November 15, 2008 @ 7:31 AM

    અદભૂત વિવેકભાઈ.
    તમે ગઝલોથી પણ અકળઆઓ છો એ આજે જાણ્યુ. પણ એ છુપાવવા તમે લખેલા આ તમારા આ મીઠા શબ્દોના ઑવરડૉસથી કયારેક કોઈક ને ડાયાબિટિસ ના થઈ જાય એ વાત નું ધ્યાન રાખજો.

  34. Dr firdosh dekhaiya said,

    November 15, 2008 @ 12:17 PM

    મને અકળાવનારા!શબ્દમાં બે પળ ધખી તો જો!
    ગઝલને ચાહનારા!તું સ્વયં ગઝલો લખી તો જો!

  35. Dr firdosh dekhaiya said,

    November 15, 2008 @ 1:01 PM

    ઉગાડવાની વાત છે
    બાઅદબ આ શબ્દને ઉગાડવાની વાત છે;
    મૂળસોતી જાતને ઉખાડવાની વાત છે.

    એટલે કે હો કલમ સંજીવની ,લખવી ગઝલ;
    શિલ્પમાંના મોરને ઊડાડવાની વાત છે.

    ભીતરે ચાલી રહેલા કો’ અકળ તોફાનમાં
    આ સમયની નાવને ડુબાડવાની વાત છે.

    અર્થ સમજાયો ગઝલનો આખરે ગાલિબજી;
    ઝૂંપડી બાળી હરફ ઊજાળવાની વાત છે.

    ગાલગાગા,તૂકબંદી,ગાલગાગા બંધ કર;
    સિંહને હાથે કરી ઊઠાડવાની વાત છે.

    -સલીમ શેખ(સાલસ)

  36. Dr.Firdosh Dekhaiya said,

    November 23, 2008 @ 10:58 AM

    hi all
    please visit my blog:
    it has a collection of my poems and many of my grandfather’s (Naazir Dekhaiya)poems as well as of many other artists, along with links to some of gujarati music

    Dr.Dekhaiya

  37. rajan said,

    February 2, 2012 @ 2:35 AM

    ગોૂદ્

  38. Kaushik Pathak said,

    November 11, 2014 @ 1:21 AM

    Nazir saheb ni ghazal no hu pele thi diwano 6u…Temni biji badhi ghazalo jo vachva male to maja avse,.

  39. Hiren said,

    January 5, 2015 @ 3:13 AM

    કોઈ પાસે આ ગઝલ હોય તો મુકો please
    ” પાગલ થી કરવો પ્યાર તમારું ગજું નથી “

  40. Jigar Raval said,

    September 22, 2015 @ 11:18 AM

    વરસાદ ના ફોરા ને જમીન ને અડવા ની ઝડપ હોય છે.
    પ્રેમ ના સંબંધ માં લાગણી થી ભીંજવા ની ઝડપ હોય છે.

    શું કહું આજ તમારી પરીષદ માં

    અમારા દિલ ના સભ્ય ને તમારી સંસદ મા સિટ જોયે છે.
    આવો તમે અને અમે મળી ને પ્રમે નો નવો પક્ષ બનાવ્યે

    તમારા મત થૂ મને વિજ્ય બનાવો. આ જીવન સાથે રહિશ એ વચન આપુ

  41. dr. firdaus dekhaiya said,

    February 12, 2018 @ 10:54 PM

    આ ગઝલ નાઝિર સાવંત ની છે. માફ કરશો. નાઝિર દેખૈયાની પણ આવી જ રચના છે જે આ થી અલગ છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment