વસ્ત્ર માફક ગઝલ વણાતી ગઈ
શબ્દ ઉતરે છે સાળ પર જાણે
નયન દેસાઈ

ગુજરાતી ગઝલમાં “કાવ્યસર્જનની પ્રક્રિયા- ૧”

ગઝલ શી રીતે લખાય છે એ પ્રશ્ન કોઈને પૂછો તો શો જવાબ મળે? સુરતના ડૉ. મુકુલ ચોક્સીને પૂછી જોઈએ?

ખાઈ પીને ન્હાઈને કવિતા નથી બનતી, એ દોસ્ત!
લોહી વહે ત્યારે જ કાગળ વચ્ચે ધરવો જોઈએ.

ઉન્માદ! કાવ્યમાં ક્યાં રહ્યો કોઈ ડર ?-કહો
વાત આપણી જ આપણા ઉલ્લેખ વગર કહો.

કવિતા કદાચ અંતઃસ્ફુરણાની વાત છે. કવિ જેમ કવિતા રચે છે, એજ પ્રમાણે કવિતા પણ કવિને સતત રચતી રહે છે. મરીઝ ગુજરાતના ગાલિબ ગણાય છે. ગઝલ લખવાની પ્રક્રિયા અંગે એમની પ્રતિક્રિયા તપાસીએ:

હૃદયનું રક્ત, નયનનાં ઝરણ, જીવનનો નિચોડ,
ભળે તો ગઝલોમાં આવે છે તરબતર બાબત.

હો ગુર્જરીની ઓથ કે ઉર્દૂની ઓ ‘મરીઝ’,
ગઝલો ફક્ત લખાય છે દિલની ઝબાનમાં.

‘મરીઝ’ હું તો ગઝલ મારી ગમે ત્યારે લખી લઉં છું,
સમયની હો જે પાબંદ, તે પ્રતિભા થઈ નથી શકતી.

સુરતના જ ડૉ. રઈશ મનીઆરના કહેવા પ્રમાણે ગઝલ એટલે પોતાની જાતથી અલગ થવાની પ્રક્રિયા:

ગઝલમાં ડૂબી જવું, જંપવું ગઝલ સર્જી,
સ્વયંથી એક પ્રકારે અલગ થવાનું છે.

રોજ માણસ ઘવાતો રહ્યો ચૂપચાપ,
જે લખ્યું તે નીતરતા ઝમીરે લખ્યું.

એ ય સાચું કે મારું દર્દ ગઝલ,
એ ય સાચું કે છે ઈલાજ ગઝલ.

શબ્દો બસ લાકડાની જેમ તણાઈ આવ્યા,
લોહીમાં દર્દભર્યાં રોજ જહાજો તૂટે.

જવાહર બક્ષીનો અંદાજ બધાથી નિરાળો છે. એ ગઝલને તાબે જ થઈ જાય છે:

એ કહે તે કરવાનું,
આ ગઝલ છે, ડહાપણ નહીં

કોઈ લખાવે છે ને લખ્યે જાઉં છું ‘ફના’,
મારી ગઝલમાં કોઈ જવાહરગીરી નથી.

રમેશ પારેખ એમની નોખી શૈલીમાં આ રીતે સર્જનની પ્રક્રિયા પર પ્રકાશ નાંખે છે

છે, પથ્થરોથી સખત છે આ શાહીનું ટીપું,
પીડાની મૂર્તિઓ કંડારવી ક્યાં સહેલી છે?

શાહીમાંથી આમ કાં ઢોળાય છે તારાં સ્મરણ ?
એને મારું એક મન ઓછું પડ્યુ ? કોને ખબર ?

રમેશ, હું પયગંબર થઈને વરસું છું,
કાગળિયા છલકાવું છું સરવરની જેમ

રમેશ, ભાગ જલદી ભાગ, કોરા કાગળમાં
સમયનું ઝેર ચડ્યું છે, ઉતારવું પડશે.

કલમમાં ઘસઘસાટ ઊંઘતી રહી પીડા,
શબ્દ નળ જેમ અર્ધવસ્ત્ર ધોધમાર આવ્યો.

પરોવું મોતી જેમ શૂન્યતાના ઝુલ્ફોમાં
ન જાણું ક્યાંથી આ શબ્દોનો ખજાનો આવ્યો.

અમૃત ઘાયલ ખૂબ મીઠી રીતે ગઝલના મૂળ સુધી પહોંચે છે:

છે ગઝલ દર્દની ગિરા ‘ઘાયલ’,
માત્ર ભાષાની ઘાલમેલ નથી.

મીઠાં શમણાં વસમાં શૂળ,
મારી ગઝલોનાં બે મૂળ.

વાહ, ‘ઘાયલ’, ગઝલ !
જ્ઞાન સાથે ગમત.

મનોજ ખંડેરિયા પણ કવિતાની આગ ઝરતી તાકાતથી અજાણ્યા નથી જ:

પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને,
આ હાથ આખેઆખો બળે એમ પણ બને.

કવિ અનિલ જોશી કહે છે:

ચણોઠીઓના ઢગલે દાઝ્યા કૈંક કવિના કિત્તાજી,
શબ્દોમાં હું એમ પ્રવેશ્યો, જેમ આગમાં સીતાજી.

અંતે આ ઈશ્વરદત્ત બક્ષીસ વિશે મારે કશુંક કહેવું હોય તો શું કહું? :

હોતું નથી એ ઝીલવાનું ભાગ્યમાં હરએકનાં,
બાકી વહે છે શબ્દ સૌમાં, ક્યાં અતિ ક્યાં લેશમાં.

શબ્દોનું લોહી જેવું છે, ઘા થાય તો વહે,
વ્યર્થ જ હું એના ઘેર તકાજો કરું છું રોજ.

ન થઈ જે વાત એના ડંખે સર્જી છે ગઝલ મારી
કે ક્ષર કાગજ પે અક્ષર પામું એવી લાગણી કોઈ !
-વિવેક ટેલર

9 Comments »

  1. Anonymous said,

    June 17, 2006 @ 9:07 AM

    હોતું નથી એ ઝીલવાનું ભાગ્યમાં હરએકનાં,
    બાકી વહે છે શબ્દ સૌમાં, ક્યાં અતિ ક્યાં લેશમાં.
    ડૉ.વિવેક ટેલર્

    પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને,
    આ હાથ આખેઆખો બળે એમ પણ બને.
    મનોજ ખંડેરિયા

    ખૂબ સરસ વાત….!!!

  2. Neha said,

    June 17, 2006 @ 9:08 AM

    The talk of teaching in form of poem…Just Fantastic !!

  3. SV said,

    June 17, 2006 @ 9:09 AM

    અને વિવેક ટેલર શું કહે છે?

  4. વિવેક said,

    June 17, 2006 @ 9:09 AM

    વિવેક ટેલર શું કહે છે એ છેલ્લા ત્રણ શેરમાં લખ્યું જ છે:

    હોતું નથી એ ઝીલવાનું ભાગ્યમાં હરએકનાં,
    બાકી વહે છે શબ્દ સૌમાં, ક્યાં અતિ ક્યાં લેશમાં.

    શબ્દોનું લોહી જેવું છે, ઘા થાય તો વહે,
    વ્યર્થ જ હું એના ઘેર તકાજો કરું છું રોજ.

    ન થઈ જે વાત એના ડંખે સર્જી છે ગઝલ મારી
    કે ક્ષર કાગજ પે અક્ષર પામું એવી લાગણી કોઈ !

  5. urmi said,

    June 17, 2006 @ 8:51 PM

    વિવેકભાઇ,

    શબ્દોનું લોહી જેવું છે, ઘા થાય તો વહે,
    વ્યર્થ જ હું એના ઘેર તકાજો કરું છું રોજ.

    ન થઈ જે વાત એના ડંખે સર્જી છે ગઝલ મારી
    કે ક્ષર કાગજ પે અક્ષર પામું એવી લાગણી કોઈ

    આ બંને પંક્તિઓ ખૂબ જ હ્રદયસ્પર્શી છે!!
    હ્રદયની ઉર્મિને તમે ખુબ જ સુંદર રીતે રજૂ કરી છે.
    “કે ક્ષર કાગજ પે…” માં તમે હિન્દી ભાષાનો ઉપયોગ કેમ કર્યો એ સમજાતું નથી…

    ઉર્મિ સાગર

  6. નસરૂલ સૈયદ said,

    June 22, 2006 @ 12:57 AM

    માનનીય‌ વડીલો−
    ખૂબ સરસ વાત છે!!! છતાં
    ગુજરાતી ગઝલની વાત છે અને એકપણ પાલનપુરીનું નામ નથી. કંઈક ખૂટે છે, જે મને ખુંચે છે.
    -બાકી blog બહુ સરસ છે.

    નસરૂલ સૈયદ

  7. વિવેક said,

    June 22, 2006 @ 2:52 AM

    શ્રી નસરૂલભાઈ સૈયદ,

    આપની વાત સાચી છે. સ્થળસંકોચના કારણે ઘણાં નામ અહીં નથી. પણ આપ જો પોસ્ટનું શીર્ષક જોશો તો જણાશે કે આ આપોસ્ટનો અંત નથી, આરંભ છે. આ પહેલી કડી છે અને શનિવારે તમને બીજી કડી પણ જોવા મળશે… જો આપ પાસે સૈફસાહેબ અથવા શૂન્યનો કોઈ શેર આ પ્રક્રિયાના અનુસંધાનમાં હોય તો મોકલશો, જેથી આપના ઋણસ્વીકાર સાથે એ શનિવારે મૂકી શકાય.

  8. (spandan) Semil Shah said,

    October 10, 2010 @ 3:40 AM

    તીખી, તમતમતી અને ગળચટ્ટી હોવી જોઈએ;
    ગઝલ ગળે ઊતરી જાય એવી હોવી જોઈએ.

  9. thakorbhai.kabilpor.navsari said,

    December 2, 2011 @ 10:21 AM

    હરએક ગઝલની મઝલ કવિના હ્રદયથી કલમ સુધી,
    એના શબ્દો જન્મવાની પીડા પ્રશુતિથી નથી ઓછી!!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment