લો ! તમારા આગમન ટાણે જ ફૂટે આયનો
એક ચહેરો ને હજારો બિંબ ડોકાયા કરે
યામિની ગૌરાંગ વ્યાસ

યાદગાર ગીતો :૦૬: રાખનાં રમકડાં – અવિનાશ વ્યાસ

રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે,
મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાખ્યાં રે. 
રાખનાં રમકડાં o

બોલે ડોલે રોજ રમકડાં, નિત નિત રમતું માંડે,
આ મારું, આ તારું- કહીને એકબીજાને ભાંડે રે. 
રાખનાં રમકડાં o

એ કાચી માટીની કાયા માટે માયા કેરા રંગ લગાયા,
એ ઢીંગલા ઢીંગલીએ ઘર માંડ્યાં ત્યાં તો વિંઝણલા વિંઝાયા રે. 
રાખનાં રમકડાં o

તંત અનંતનો તંત ન તૂટ્યો ને રમત અધૂરી રહી,
તનડા ને મનડાની વાતો આવી તેવી ગઈ. 
રાખનાં રમકડાં o

– અવિનાશ વ્યાસ

(જન્મ: 21 જૂલાઈ 1912, મૃત્યુ: 20 ઑગષ્ટ 1984 )

સંગીત: અવિનાશ વ્યાસ
સ્વર: ગીતા રોય અને એ.આર. ઓઝા

[audio:http://urmisaagar.com/saagar/audio/Rakh Na Ramakada.mp3]

ગુજરાતી સુગમ સંગીતનો પર્યાય કહી શકાય એવા કોઈ ગીતકાર અને સંગીતકારનું નામ જો કોઈ પણ ગુજરાતીને પૂછો તો સૌના હોઠ પર તરત જ એક જ નામ રમતું થઈ જાય- અવિનાસ વ્યાસ.  અવિનાશભાઈનું કોઈ એક જ યાદગાર ગીત પસંદ કરવું એટલે કે ચોખાનાં ઢગલામાંથી ચોખાનો માત્ર એક જ દાણો પસંદ કરવો… અને મેં તો આજે એ ઢગલામાંથી કેટલાય ચોખાનાં દાણાને વારાફરતી પસંદ-નાપસંદ કર્યે જ રાખ્યા… અને તોય જાણે ચોખાનાં બાકીનાં આખા ઢગલાને જ અન્યાય થઈ રહ્યો હોય એમ લાગ્યું !  🙂  એમનાં ઘણા ગીતો તો એમનાં નામની સાથે તરત  જ આપણા હોઠ પર રમવા માંડે, જેમ કે; ‘માડી તારું કંકુ ખર્યું’, ‘છાનું રે છપનું કંઈ થાય નહીં’, ‘અચકો મચકો કારેલી’, ‘કોણ હલાવે લીમડી’, ‘પંખીડાને આ પીંજરું’, ‘હે હૂતુતુતુ’, ‘મારા રામ તમે સીતાજીની તોલે ન આવો’, ‘કહું છું જવાનીને’ કે પછી ‘અમે અમદાવાદી’ જેવા બીજા કેટલાય ગીતો… અવિનાશભાઈએ બોલચાલની ભાષાથી માંડીને ઉચ્ચ સાહિત્યિક ગીતો પણ અગણિત (કુલ લગભગ પંદર હજાર જેટલા) રચ્યા છે.  આજે પણ અવિનાશ વ્યાસનાં ગીતો લોકોના કંઠ અને કાનમાં એકદમ તરોતાજા છે, જે સિદ્ધિ જેવી તેવી તો ન જ કહેવાય.  હાલરડાંથી લઈ મરશિયાં સુધીનાં એટલે કે જીવનની દરેક અવસ્થાઓના ગીતો એમણે આપણને આપ્યાં છે. ગુજરાતી સુગમ સંગીતને સામાન્યજન સુધી પહોંચાડવામાં અને ખરા અર્થમાં સુગમ બનાવવામાં અવિનાશ વ્યાસનું પ્રદાન નિર્વિવાદ અનન્ય છે. ગુજરાતના ઘર ઘરમાં ગવાય એવા અદભૂત ગીતોનું સર્જન કરી પોતે જ એને સ્વરબદ્ધ કરીને લોકજીભે રમતા કર્યા છે.  પોતાના નામને ખરી રીતે સાર્થક કરનારી વ્યક્તિઓ જવલ્લે જ જોવા મળે છે.  આપણને અગણિત અવિનાશી ગીતો આપીને કોઈ પણ ગીતકાર-સંગીતકારને સહજ ઈર્ષ્યા આવે એવી અનુપમ પ્રસિદ્ધી પામીને તેઓ આજે સાચા અર્થમાં અવિનાશી બની ગયા છે.

‘રાખનાં રમકડાં’ એટલે કે આપણે.  આપણે કેવા છે- ની આપણી જ વાત કવિએ આ ગીતમાં એટલી સરળ અને સુંદર રીતે વર્ણવી છે કે આપણને જ આપણી વાત સાવ નિરાળી લાગે !  ફિલ્મ ‘મંગલફેરા'(૧૯૪૯)નું આ ગીત ભારતની અન્ય ૧૮ ભાષાઓમાં પણ અનુવાદિત થયું છે, જે ગુજરાતી સાહિત્ય જગત અને ગુજરાતી સુગમ સંગીત માટે ખરેખર ખૂબ જ ગૌરવપ્રદ ઘટના કહી શકાય.

ઓડિયો માટે ખાસ ટહુકો.કોમનો આભાર.

13 Comments »

  1. વિવેક said,

    December 7, 2009 @ 2:22 AM

    અવિનાશભાઈનું નામ એમના ફોઈએ વિચારીને જ ‘અ-વિનાશ’ રાખ્યું હશે… પંદર હજાર ગીત એ કંઈ નાનીસૂની વાત નથી… આંકડો વાંચીને જ મારા જેવાને તો હાર્ટ-એટેક આવી જાય… ભરપૂર સર્જક્તા અને અલૌકિક સંગીતથી છલકાતા આ ગીત-સંગીતકારનું એક યાદગાર ગીત શોધવું એ સાચે જ ચોખાના ઢગલામાંથી એક શ્રેષ્ઠ ચોખો શોધવા મથવા જેવું છે…

  2. pragnaju said,

    December 7, 2009 @ 2:37 AM

    છેલ્લા પાંચ વર્ષથી ઘણા ખરા બ્લોગ પર અવિનાશનું આ ગીત માણવા મળે છે.
    વજુ કૉટકના જોરદાર સંવાદો સાથે રજુ થયેલું મંગળફેરા વારંવાર જોવા જતા !!
    ભજન જેવો માહોલ હોય તો આ ગીત ગાતા અને ગરબા ગાતી વખતે આ જ ફીલ્મનું ‘તાલીઓના તાલે ગાતા’…આપણા કવિ ઉમાશંકર જોશીએ એમ કહ્યું હતું કે અવિનાશે રાખનાં રમકડાં લખીને ગુજરાતને એક ઉત્તમ ગીત આપ્યું. અવિનાશે કહ્યું કે ‘આ ગીત મેં ફિલ્મ માટે લખ્યું અને એ જમાનામાં મને પચ્ચીસ હજાર રોયલ્ટી મળી એટલે મારે માટે લાખનાં રમકડાં છે.’
    એમના કંઠે આ ગીત સાંભળવાની મઝા તો કાંઈ ક ઔર !

  3. ચાંદ સૂરજ said,

    December 7, 2009 @ 4:13 AM

    ‘અવિનાશ’ વિષે ભલા વિનાશીઓ શું કહી શકે ? સંગીતની કુમકુમવટીમાં ઝબોળાયેલા એ અણમોલ અક્ષતોનો આવડો મોટો ચાંદલો,ગુજરાતી સુગમ સંગીતને વિશાળ ભાલે,વિણ અવિનાશ કોણ કરી શકે ?
    ૧૯૪૯ માં ઘડાયેલું ‘રાખનું એ રમકડું’ આજે તો ગુર્જર મનનું માનીતું રમકડું થઈ બેઠું છે !

  4. RAKSHIT DAVE said,

    December 7, 2009 @ 5:06 AM

    RAAKH NA RAMAKADA NE…….KHAREKHER AA GEET ORIGINAL AWAJ MA SAMBHALI BAHU J AANAD THAYO.

    AAVU J EK BIJU GEET

    OLYA MANDVA NI JUI…..RASBHAI ANE P.UPADYYAY NU JO PRASTUT KERSHO TO BAHU J GAMSHE

    REGARDS,
    RAKSHIT DAVE

  5. Viren Patel said,

    December 7, 2009 @ 5:19 AM

    Brahmand no vyas mapi na shakay , tem avinash vyas no vyas aapne mapi nathi shakvana!
    Temna geeto mukvathi layastaro nu star vadhare unchu aavyun.
    Abhinandan.

  6. rekha sindhal said,

    December 7, 2009 @ 9:06 AM

    આભાર ! સવાર સુધરેી ગઈ !

  7. Monal said,

    December 7, 2009 @ 11:10 AM

    સાંભળવાની મઝા આવી ગઈ! આભાર ઊર્મિબેન!

  8. BB said,

    December 7, 2009 @ 12:07 PM

    Most loved geet by every Gujarati. Evergreen Song. Deep meaning . and Geetaji and Oja saheb’s voice and above all AVINASHBHAI’S GEET AND SANGEET . Thanks Urmiben.

  9. Girish Parikh said,

    December 7, 2009 @ 2:13 PM

    ૧૯૪૯ની ફિલ્મ “મંગળફેરા”નું આ ગીત. કવિ-સંગીતકાર અવિનાશ વ્યાસને એ જમાનામાં રૂ. ૨૫,૦૦૦ની રોયલ્ટી મળી એ જાણીને સાનંદાશ્ચર્ય થયું. અત્યારના એ કેટલા રૂપિયા ગણાય એ જાણવાનું કુતૂહલ છે. ફિલ્મગીત તરીકે એ ન લખાયું હોત તો કવિને કેટલી રોયલ્ટી મળત?
    અલબત્ત આ કે કોઈ પણ મહાન સર્જનનું મુલ્ય રૂપિયા કે ડોલરમાં ન આંકી શકાય. પણ કવિ જીવે તો સર્જન કરી શકે અને જીવવા માટે પૈસા જરૂરી છે.
    ૧૯૪૯માં હું લગભગ ૧૫ વર્ષનો હતો. “મંગળફેરા” ફિલ્મ જોયાનું તો યાદ નથી, પણ બાવળામાં અમારી પડોશમાં એક સુખી સોની કુટુંબ રહેતું હતું. એમના ગ્રામોફોન (અમે એને થાળીવાજુ કહેતા) પર વાગતું આ ગીત અનેક વાર સાંભળેલું, અને એ ખૂબ જ ગમતું.
    -ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિઆ

  10. Jayshree said,

    December 7, 2009 @ 4:26 PM

    કદાચ આ જ ગીત માટે કહેવાયું છે કે અવિનાશ ભાઇએ ફક્ત આ એક જ ગીત લખ્યું હોત તો પણ એ ગુજરાતી ગીત-સંગીત જગતમાં અમર થઇ ગયા હોત…

    અવિનાસ વ્યાસ ગુજરાતી સંગીતનો ફક્ત પાયો નહીં, આખેઆખી ઇમારત કહી શકાય….

  11. Pancham Shukla said,

    December 9, 2009 @ 10:42 AM

    હેમંત ચૌહાણના કંઠે-

  12. jiny said,

    April 26, 2010 @ 12:41 AM

    Hi All,

    Pl inform me the movie names and singers of the following songs

    Jari Ugata suraj ni toh laaj rakho mara rasiya..
    Tamne joya ne jara raste rokai gayo

    Thanx…

  13. harad said,

    January 2, 2014 @ 12:08 AM

    વ્યાસ પીઠ પર એજ બે સે જે જગત ને સમજી શકે અને સમજાવિ શકે એટલે અવિનાસ વ્યાસ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment