તમે જેના અભાવે વાસી દીધાં દ્વાર વરસોથી,
હું એ વિશ્વાસની મિરાત લઈ દરવાજે ઊભો છું.
મનોજ ખંડેરિયા

બાલ્ટીમોરના જંગલમાં -અનિલ જોશી

પાણીની જેમ અહીં ઢોળાયું ઘાસ અને વાવટાની જેમ ઊભાં ઝાડ
ધૂળીયા મારગ તો ક્યાંય દેખાય નહીં બંધ આંખ્યુમાં લીલો ઉઘાડ

અહીં પગલાં ને પગરવ તો ભોંયવટો ભોગવતાં
ગાડું ચાલ્યાના નથી ચીલા
ફૂલ જેમ ઓચિંતા ઊઘડી ગયા
મારી છાતીમાં ધરબ્યા જે ખીલા

છૂટાછવાયા ઘર ઉપર તડકાની જેમ પથરાયા ઘાસના ઓછાડ
પાણીની જેમ અહીં ઢોળાયું ઘાસ અને વાવટાની જેમ ઊભાં ઝાડ !

માનવીના બોલ ક્યાંય સંભળાતા નૈ
બધે પંખીના કલરવના ધોધ
દુર્વાસા મુનિ બધે પૂછતા ફરે
તમે જોયો છે ક્યાંય  મારો ક્રોધ ?

મારી ચામડાની બેગમાં જંગલનાં સંપેતરાં પહોંચાડું કોને કમાડ ?
પાણીની જેમ અહીં ઢોળાયું ઘાસ અને વાવટાની જેમ ઊભાં ઝાડ !

-અનિલ જોશી

કવિ જ્યાં પણ જાય, દરેક વસ્તુ, વ્યક્તિ, પ્રકૃતિ કે સૌદર્યની સરખામણી જાણે-અજાણે ‘પોતાની’ ભૂમિ સાથે કરે જ છે; જેમાંથી ક્યારેક માનવીના બોલ ન સંભળાવાની ‘આહ’ નીકળે છે તો ક્યારેક પંખીના કલરવના ધોધ વહેવાની ‘વાહ’ પણ નીકળે છે. પાણીની જેમ બધે ઢોળાયેલી જાજરમાન ગ્રીનરી જોઈને ‘વાહ વાહ’ કરી ઊઠતા કવિનાં દિલમાંથી ધૂળિયો મારગ ન હોવાની ‘આહ’ પણ નીકળી જ જાય છે.  આપણને જેમણે કેટલાંય સુંદર સુંદર તળપદાં ગીતો આપ્યા છે એવા કવિશ્રી અનિલભાઈને અમેરિકાનાં ‘બાલ્ટીમોર’ શહેરમાં ફરતા ફરતા પણ ‘ગાડી’ને જોઈને જો ‘ગાડું’ યાદ ન આવે તો જ નવાઈ લાગે…  🙂

8 Comments »

  1. pragnaju said,

    November 16, 2009 @ 1:27 AM

    મારી ચામડાની બેગમાં જંગલનાં સંપેતરાં પહોંચાડું કોને કમાડ ?
    પાણીની જેમ અહીં ઢોળાયું ઘાસ અને વાવટાની જેમ ઊભાં ઝાડ !
    વાહ ભાઈ વાહ
    અમારા મૅરીલૅંડમાં લગભગ ૧૪ બર્ષથી અનુભવેલી વાત આવી સુંદર રીતે રજુ કરવા બદલ ધન્યવાદ અને મૉનાને પણ આંટીના ધન્યવાદ.
    ફેલ્પસનો જન્મ અમારા મેરીલેન્ડના બાલ્ટીમોરમાં !
    અહીંની. નિહીતાને કેમ ભૂલાય? તેણે એક કવિતા લખેલી તેનો ભાવાનુવાદ આવો કંઈક થઈ શકે.
    હું એને મેળવવા હાથ લંબાવું છું પણ
    એ હાથનું મૂલ્ય નથી. કારણ કે વિધાતાના હાથ
    વધુ લાંબા છે
    તો પણ જ્યારે હાથ લંબાવું છું ત્યારે
    શરીરમાં ધ્રુજારી પેદા થાય છે. અને પછી
    હું આંખો બંધ કરી લઉ છું. મારા સપનાને
    મારા દિલમાં જકડી લઉ છું
    અને હું એની રાહ જોઉ છું. જે અત્યારે છે નહીં
    પણ આવશે. જરૂર આવશે. જડાઈ જશે…
    …નિહીતાને કેન્સર થઈ ગયું. એ પછી તે જ્યારે કવિતા લખતી ત્યારે જાણે મૃત્યુની પ્રતીક્ષા કરે છે !.

  2. mahesh dalal said,

    November 16, 2009 @ 3:13 AM

    વાહ અનિલ્ .. વાહ .

  3. વિવેક said,

    November 16, 2009 @ 8:34 AM

    અમેરિકા તાજો જ ફરીને આવ્યો છું એટલે આ ગીત જાણે મારી મનોભાવનાને ઉજાગર કેમ ન કરતું હોય એમ લાગ્યું…

    આભાર!

  4. Dr. J. K. Nanavati said,

    November 16, 2009 @ 10:03 AM

    જ્યારે હું મારી જાતને નવો નવો
    કવિ માનતો હતો..( હજી ક્યાં કોઈ માને છે ..!!!)

    કોડાઈ કેનાલ વિષે બે શબ્દો લખેલા
    તે તકે…….

    નજરમાં સમાણું એ લુંટી રહ્યો છું
    અલભ એવું શમણું હું ચુંટી રહ્યો છું

    લઈ બુંદ ઝાકળ, ને પર્ણો સુંવાળા
    ખરલમા હું આંખોની ઘૂંટી રહ્યો છું

    ચટક લાલ ગાલીચે પર્ણો સ્વરૂપે
    દિવસ રાત હળવેથી તુટી રહ્યો છું

    નરમ ઘેંસ તડકામાં કૂણી હવાનો
    થઈ એક પરપોટો ફુટી રહ્યો છું

    પ્રભુએ દીધું છે ભરી ખુબ ખોળો
    છતાં સાચવણમાં હું ત્રુટી રહ્યો છું

    ડો. નાણાવટી

  5. sudhir patel said,

    November 16, 2009 @ 9:45 PM

    અનિલભાઈનું સુંદર ગીત!
    પ્રજ્ઞાબેને પોતાના પ્રતિભાવમાં લખેલ કવિતા પણ માણવાની ગમી.
    ડો, નાણાવટી સાહેબની ગઝલ પણ સરસ છે!
    સુધીર પટેલ.

  6. ધવલ said,

    November 18, 2009 @ 6:55 PM

    મારી ચામડાની બેગમાં જંગલનાં સંપેતરાં પહોંચાડું કોને કમાડ ?
    પાણીની જેમ અહીં ઢોળાયું ઘાસ અને વાવટાની જેમ ઊભાં ઝાડ !

    – વાહ !

    અને પ્રજ્ઞાબેનની વાત પણ દીલને અડકી ગઈ. કોઈ કોઈ વાર લાગે છે કે કવિતામાં વિધાતાના હાથને રોકી લેવાની તાકાત છે પણ આખરે તો…

  7. Pinki said,

    November 20, 2009 @ 5:59 AM

    ધૂળીયા મારગ તો ક્યાંય દેખાય નહીં બંધ આંખ્યુમાં લીલો ઉઘાડ……વાહ !!

  8. સુરેશ જાની said,

    March 25, 2010 @ 7:45 AM

    અમેરિકામાં ધૂળિયા મારગ શોધવા બાલ્ટીમોર ન ચાલે. પાર્ક/ જંગલના ટ્રેલ પર રખડવું પડે. ઘણા બધા છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment