સ્હેજ પણ વર્તાય ના ઉષ્મા કદી નિગાહમાં,
શબ્દનો ગરમાળો થઈ ખરતો રહું તુજ રાહમાં.
વિવેક મનહર ટેલર

સપ્તપદી – રમણીક અગ્રાવત

M7
.                    (ચિત્ર સૌજન્ય: નૈનેશ જોશી)

*

સામાજિક કારણોસર આવતા અઠવાડિયે અમેરિકાની ટૂંકી મુલાકાતે જઈ રહ્યો હોવાથી આવનાર પખવાડિયામાં આપના પ્રતિભાવોનો પ્રત્યુત્તર કદાચ ન આપી શકાય એ માટે ક્ષમા પ્રાર્થું છું.

-વિવેક

*

જળ લઈ હથેળીમાં
ખળખળતાં નિત્ય વહેવાનું
જળસાક્ષીએ લીલું પ્રણ લઈએ.

આ અગ્નિ છે મધ્યસ્થ
કરશું ને ઠારશું બનતું
અગ્નિસાક્ષીએ સંતપ્ત પ્રણ લઈએ.

ધરજે હળવે હળવે પગ
ધરતીખોળે સાથોસાથ ડગ માંડવાનું
અડગ પ્રણ લઈએ.

ફરફરતી લટ તારી મને બાંધે
નહીં થવા દઈએ સખ્ય વાયવીય કદીય
વાયુસાક્ષીએ અફર પ્રણ લઈએ.

હોય બધે પણ દેખાય નહીં ક્યાંય
અવકાશસમ પ્રણયમત્ત રહીશું
…પ્રણ લઈએ.

ફૂલગજરા, વેણીમાં મરકતી સેવંતી
ગુલાબ માળા, વરસતી પાંખડીઓ :
સૌરભસાક્ષીએ
નિર્મળતા જીરવવાનું પ્રણ લઈએ.

સ્વજન, સ્નેહીઓ, ગુરુજનો
તમારી સાક્ષીએ સોંપાઈએ પરસ્પરને
ઊજવશું ઐક્ય
પ્રણપૂર્વક પ્રણયપથ લઈએ.

– રમણીક અગ્રાવત

લયસ્તરો પર આવતીકાલથી એક નવી જ ‘ફ્લેવર’ના કાવ્યોનો રસથાળ એક વિશેષ પ્રસંગ નિમિત્તે પીરસાનાર છે એની પૂર્વતૈયારીરૂપે રમણીક અગ્રાવતની આ કવિતા…

‘અવસર આવ્યા આંગણે’  – આ કાવ્ય સંગ્રહમાંથી લોકગીતના ઢાળે ચાલતું આ લગ્નગીત સાભાર લીધું છે.  કવિએ એમના પુત્ર-પુત્રવધૂના લગ્ન નિમિત્તે લગ્નના ભાતીગળ પાસાંઓને આવરી લેતાં લોકબોલીમાં લખેલા લગ્નગીતોનો આ વિશિષ્ટ સંપુટ છે જેમાં કંકોતરી, નોતરું, વડી-પાપડ, પ્રભાતિયું, સાંજી, વધામણી, ગણેશસ્થાપન, માણેકસ્થંભ, મામેરું, અંઘોળ, ઉકરડી, વરઘોડો, અણવર, પોંખણું, કન્યાવિદાય જેવા તમામ પાસાંઓ પરની ગીતરચનાઓ સમાવિષ્ટ છે. દરેક પ્રસંગને અનુરૂપ રેખાચિત્રો અને દરેક પ્રસંગની લાક્ષણિક્તાઓનો ટૂંકો આલેખ પણ અહીં સામેલ છે. ટૂંકમાં, ગુજરાતના ગામડાંઓમાંથી પણ હવે ભૂંસાતા જતી લગ્નપરંપરાનો આ એક ઐતિહાસિક દસ્તાવેજ છે જે દરેક ગુજરાતીના ઘરમાં હોવો ઘટે…

8 Comments »

  1. SAPAN said,

    October 31, 2009 @ 12:56 AM

    ખરેખર કાબીલે તારીફ રચના…

  2. pragnaju said,

    October 31, 2009 @ 1:18 AM

    ખૂબ સુંદર ભાવવાહી ગીત
    પરદેશમાં પણ નવી પેઢી આવી વિધીનો અર્થ પૂછે
    ત્યારે આ રીતે સમજાવતા!
    प्रभुने प्रार्थीए आजे अन्नादि भरपुर हो |
    प्रभु केरी कृपा साथे पगलुं पहेलुं भरो भरो ||.
    तेजस्विता वधो बेउनी, ध्यान, अभ्यास, ज्ञानथी
    धर्मधीर पुरुषार्थे बीजुं पगलुं भरो भरो ||
    धर्मोचित पुरुषार्थे धनादि ऐश्वर्यो मळो |
    ऐश्वर्य नम्रताधारी, त्रीजुं पगलुं भरो भरो ||.
    प्रसन्न चित्त ऐश्वर्ये, द्वेष क्लेश मटे वृथा
    सर्वनी उन्नति माटे चोथुं पगलुं भरो भरो ||
    परिवार केरा पालनार्थे अर्पो शक्ति प्रभो तमो |
    सुरक्षा उन्नति माटे पंचम पगलुं भरो भरो ||
    बलिष्ठ अने परमार्थी शुद्ध जन्मो प्रजा प्रभो |
    सर्वथा संयम श्रेय काजे, छठ्ठुं पगलुं भरो भरो ||
    बेउनी प्रसन्नता माटे प्रभुतामां पळो सदा |
    सख्यता समानता काजे सप्तम् पगलुं भरो भरो||
    … સાથે જ વિવેકની રચના યાદ આવી
    સાત પગલાં, સાત વચનો-વાત ક્યાં વિસરાઈ ગઈ ?
    ટાંકણાથી કાળના બે જિંદગી બદલાઈ ગઈ.
    ‘જિસ્મ બે પણ જાન એક’ એ વાત ત્યાં ભૂંસાઈ ગઈ,
    ’હું’ ને ‘તું’ પડખું ફર્યાં ને ભીંત એક બંધાઈ ગઈ.
    થઈ ગયાં અદ્વૈતમાંથી દ્વૈત પાછાં આપણે,
    જ્યોત આસ્થાના અનલની જ્યાં પ્રથમ બુઝાઈ ગઈ.

    માનીએ છીએ આ કાવ્ય છે-
    આત્મકથા નથી

  3. Kirtikant Purohit said,

    October 31, 2009 @ 7:27 AM

    ગુજરાતીભાષાનું ખરેખર અમુલ્ય દસ્તાવેજી સાહિત્ય.

  4. mukesh said,

    October 31, 2009 @ 9:24 AM

    ‘અવસર આવ્યા આંગણે’ – ખરેખર લગ્નપરંપરાનો આ એક ઐતિહાસિક દસ્તાવેજ છે.
    હવે કંકોતરી કાવ્ય મોકલવા મહેર્બાની કરજો.

  5. sudhir patel said,

    October 31, 2009 @ 8:30 PM

    લગ્ન સમયે ક્યા ક્યા પ્રણ લેવા જોઈએ એની સુંદર અભિવ્યક્તિ કરતું ગીત!
    સુધીર પટેલ.

  6. sapana said,

    October 31, 2009 @ 9:15 PM

    સરસ કાવ્ય ..
    પણ આ બધાં પ્રણ કોને યાદ રહે છે?
    સપના

  7. M.D.Gandhi, U.S.A. said,

    November 1, 2009 @ 12:48 PM

    સરસ ગીત છે અને સપ્તપદીનું સરસ રસાંકન કરાવ્યું છે.

  8. jigar joshi 'prem' said,

    November 3, 2009 @ 8:35 AM

    ગીતમાં વહ્યા જ કરવાનું મન થાય છે….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment