ડૂમાનાં વહાણો રહ્યાં લાંગરેલાં,
અને આંખમાં જળ ભરી ના શકાયું!
– હર્ષા દવે

ગોવાલણ – ઇન્દિરા સંત (અનુ. સુરેશ દલાલ)

મારે કેટલું બધું રડવું’તું
પણ… મારી પાંપણની ગાગર
યમુનામાં ભરાઈ જ નહીં ;
મારે કેટલું બધું હસવું’તું
પણ…
રાધાને વશ થયેલો કંકર
મારા ગળામાં જ દટાયો’તો
મારે કેટલું બધું બોલવું’તું,
પણ… પેલી દુષ્ટ મોરલીએ
સાત મુખોથી
મારા અવાજને શોષી લીધો’તો :
બન્ને પાંખ પસારીને
પંખીની ગતિથી
મારે આવેગથી ઊડવું’તું…
પણ… પગની સોનાની સાંકળીએ
મારા પડછાયાને
જોરથી બાંધી દીધો’તો :
તેથી જ…
તેથી જ સ્તો એની ક્રીડામાં
કંદુક થઈને
મેં યમુનાના ધરામાં ડૂબકી દીધી…
પણ.. હાય રે દૈવ !
ત્યાં પણ કાલિયાએ વેર વાળ્યું.

– ઇન્દિરા સંત (મરાઠી)
અનુ. સુરેશ દલાલ

રાધા-કૃષ્ણના પ્રેમના કાવ્યો તો હજ્જારો લખાયા છે. પણ એક સામાન્ય ગોવાલણના હૃદયને કેટલા કવિઓએ આલેખ્યું હશે?! એક ગોવાલણના હૃદયનો ભાવોદ્રેક અહીં સરળ શબ્દોમાં સબળ આલેખાયો છે. પ્રેમમાં તો કંઈ કેટલુંય રડવાનું, બોલવાનું ને વિહરવાનું હોય, પણ પ્રેમ એકતરફી હોય ત્યારે પ્રેમના સાધન જ વ્યવધાન બની રહેતાં હોય છે… પ્રેમની ઉત્કટતાને અક્ષરદેહ આપવા કવિ અંતે ગેડી-દડા અને કાળીનાગના પ્રતીકો બખૂબી પ્રયોજે છે. ચારેતરફ સંસાર નડતર બનીને પ્રણયાભિવ્યક્તિની આડે ઊભો હોય ત્યારે સહેજે મન થાય કે આના કરતાં દડો થઈ યમુનામાં ડૂબી જઈએ તો ક્હાનજી બધાંને છોડીને પાછળ આવશે પણ જુઓ તો કમનસીબી ! ત્યાંય કાળીનાગ કાનાને વહેંચી લેવા ઊભો જ છે !

7 Comments »

  1. pragnaju said,

    January 22, 2010 @ 2:13 AM

    મેં યમુનાના ધરામાં ડૂબકી દીધી…
    પણ.. હાય રે દૈવ !
    ત્યાં પણ કાલિયાએ વેર વાળ્યું
    પ્રેમાનુભૂતિનો અજબ અહેસાસ
    યાદ આવી

    સોનલા છેડે પ્રેમ પટોળીમેં, ઓઢણી ઓઢી રે
    હું ગોવાલણ ગોકુલની, રાધાકૃષ્ણની જોડી રે –1

    મોટે મચકે મોહનને, હું મળવા દોડી રે
    ગાયને ગોંદરે નિરખી, રામકૃષ્ણની જોડી રે

  2. Pancham Shukla said,

    January 22, 2010 @ 7:27 AM

    બહુ સરસ કવિતા.
    રાધા-કૃષ્ણના પ્રેમના હજારો (લગભગ) એકસરખા કાવ્યો કરતાં અલગ.

  3. preetam lakhlani said,

    January 22, 2010 @ 9:06 AM

    ઈન્દિરા સત જેવી મહા કવિયતરી આપણી ભાષા, અટલે ગુજરાતીને કયારે મલશે, આ મારુ કહેવુ નથી પણ આ વાકય કવિ સુરેશ ભાઈનુ કહેવુ છે.!!!

  4. ધવલ said,

    January 22, 2010 @ 7:15 PM

    કેરેકટર સ્ટડી જેવું ધારદાર કાવ્ય.

    છાના પ્રેમ અને છાની ઈર્ષ્યા વચ્ચેની રેખા બહુ પાતળી હોય છે. વર્ણનમાં એક શબ્દ આમ કે તેમ થઈ જાય તો આખો અર્થ બદલાઈ જાય !

  5. sudhir patel said,

    January 22, 2010 @ 9:05 PM

    ખૂબ જ અનોખું કૃષ્ણ પ્રેમનું કાવ્ય! સુંદર અનુવાદ.
    સુધીર પટેલ.

  6. Girish Parikh said,

    January 22, 2010 @ 11:10 PM

    કોણ જાણે કેમ પણ હું આ ભક્તિ કાવ્યથી એટલો બધો પ્રભાવીત થયો નથી!
    હું માનું છું કે ગુજરાત પણ મીરાંબાઈ જેવાં ભક્તિભાવથી છલોછલ ભજનો રચનાર કવયિત્રીને જરૂર આપશે. અને એ ભજનો એ કવયિત્રી-માતાના સ્વાનુભવ દ્વારા હૃદયમાંથી આવશે જે સાચા ભાવકોની આખોમાંથી આંસુની ધારાઓ વહાવશે. એ અનુભવ કરવા હું કદાચ આ શરીરમાં જીવતો નહીં હોઉં!
    તમને પ્રશ્ન થશે કે કવિતા રડાવી શકે ખરી? મારો જ અનુભવ કહું. આદિલના કેટલાક શેરો વાંચતાં હું રડ્યો છું.
    – – ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિયા
    E-mail: girish116@yaho.com
    (ગિરીશનું સર્જાતું જતું પુસ્તકઃ ‘આદિલના શેરોનો આનંદ’).

  7. Kirtikant Purohit said,

    January 23, 2010 @ 9:40 AM

    કૃષ્ણ રાધા એટ્લે પ્રેમની અલૌકિક દિવ્યાનુભૂતિ.એનાઁ ગીત ગાતાઁ હજુ પણ હજારો પેઢીઓ થાકશે નહિ. સરસ ગીત.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment