જગત જ્યારે જ્યારે કનડતું રહે છે,
મને કંઈક મારામાં જડતું રહે છે.
વિવેક મનહર ટેલર

જય જય ગરવી ગુજરાત – કવિ નર્મદ

જય જય ગરવી ગુજરાત !
જય જય ગરવી ગુજરાત,
દીપે અરૂણું પરભાત,
ધ્વજ પ્રકાશશે ઝળળળળ કસુંબી, પ્રેમશૌર્યઅંકીત;
તું ભણવ ભણવ નિજ સંતતિ સઉને, પ્રેમ ભક્તિની રીત –
ઊંચી તુજ સુંદર જાત,
જય જય ગરવી ગુજરાત.

ઉત્તરમાં અંબા માત,
પૂરવમાં કાળી માત,
છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ;
ને સોમનાથ ને દ્ધારકેશ એ, પશ્વિમ કેરા દેવ-
છે સહાયમાં સાક્ષાત
જય જય ગરવી ગુજરાત.

નદી તાપી નર્મદા જોય,
મહી ને બીજી પણ જોય.
વળી જોય સુભટના જુદ્ધરમણને, રત્નાકર સાગર;
પર્વત પરથી વીર પૂર્વજો, દે આશિષ જયકર-
સંપે સોયે સઉ જાત,
જય જય ગરવી ગુજરાત.

તે અણહિલવાડના રંગ,
તે સિદ્ધ્રરાજ જયસિંગ.
તે રંગથકી પણ અધિક સરસ રંગ, થશે સત્વરે માત !
શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે રાત-
જન ઘૂમે નર્મદા સાથ,
જય જય ગરવી ગુજરાત.

-કવિ નર્મદ

આજે પહેલી મે એટલે ગુજરાત સ્થાપના દિન. આજના દિવસે જનની જન્મભૂમિના ચરણે કવિ નર્મદનું સુંદર શબ્દફૂલ અર્પણ કરું છું. જય ગુજરાત.

1 Comment »

  1. નર્મદ, Narmad « ગુજરાતી સારસ્વત પરિચય said,

    January 17, 2007 @ 8:41 PM

    […] નર્મદ, Narmad Filed under: નિબંધકાર, કવિ — સુરેશ જાની @ 3:45 am “જય જય ગરવી ગુજરાત.” […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment