માણસ કેરા ચ્હેરાઓ છે, માણસ ક્યાં છે ?
ચ્હેરા પણ ક્યાં ? મ્હોરાઓ છે, માણસ ક્યાં છે ?
પદ પ્રતિષ્ઠા પૈસા કેરી હવા ભરીને
ખૂબ ફૂલેલા ફુગ્ગાઓ છે, માણસ ક્યાં છે ?
કિશોર બારોટ

(સાત તાળી લીધી ને) -મનોજ્ઞા દેસાઈ

સાત તાળી લીધી ને પછી ઊંચે જોયું ને ફરી જોયું તો બાળપણું ગુમ,
આખ્ખાય ઘરના હું ખૂણાઓ જોઈ વળી ફેંદી કાઢ્યા બધા રૂમ.

ઢીંગલીની આંખો મેં સાત વાર ખોલી ને પાંચીકા ખખડાવી લીધા,
જે જે જગ્યાએ હું સંતાતી ત્યાંય મેં સાદ જો ને કેટલાય દીધા !
ચૌદે ભાષામાં બોલાવી જોયું- વ્હેર આર યુ ? કહાં ગયે તુમ ?

આંધળિયો પાટો તો રમશે કદાચ ને આવશે કે કરી દઈશ થપ્પો,
રોકી પાડીશ એને ચીતરવા ઘર અને હોડી ને દડો ગોળગપ્પો;
હોળીમાં ફુગ્ગા ને દિવાળી આવતાં શું ફોડીશ લવિંગયા કે લૂમ.

સોનાની ચરકલડી ઊડી ગઈ દૂર ને ભમરડો ભમવાનું ભૂલ્યો,
મોટેથી સાદ મેં જે દીધો આકાશે તે વાદળના ઝૂલણામાં ઝૂલ્યો;
સોનપરી, નીલપરી આવી કહે ‘બાય’ એનું પડઘાતું રૂમઝૂમ રૂમઝૂમ.

-મનોજ્ઞા દેસાઈ (૨૫ મે, ૧૯૫૮ : ૧૩ જાન્યુઆરી, ૨૦૦૯)

કાયમ માટે પિયર છોડીને જતી કન્યાની નાજુક મનોદશા કવયિત્રીએ આ ગીતમાં ખૂબ જ સુંદર રીતે આલેખી છે.  યૌવનનાં મબલખ કંકુવરણા શમણાંઓનો સાદ પણ છે પરંતુ છૂટતા બચપણનું ન છૂટતું વળગણ પણ છે.  આગળ તો જવું છે, પરંતુ પાછળનું બધું છૂટી જવાનો રંજ પણ છે.  પરણીને  સાસરે જતી કન્યા જાણે ફરી એકવાર પોતાના બાળપણાને મન ભરીને માણી લેવા માંગે છે પરંતુ ત્યારે જ એને સમજાય છે કે યૌવનની આંગળી ઝાલતાની સાથે જ એનું બાળપણું તો ક્યાંક ગુમ થઈ ગયું છે… જે હવે એને એની ઢીંગલીની આંખોમાં કે પાંચીકામાં પણ નઈં મળે.  સાસરે જનારી બધી કન્યાઓને અર્પણ કરવા જેવું ખૂબ જ મજાનું ગીત… 🙂

15 Comments »

  1. sapana said,

    September 7, 2009 @ 9:44 PM

    સાવ સાચી વાત ઊર્મિ

    . સાસરે જનારી બધી કન્યાઓને અર્પણ કરવા જેવું

    સપના

  2. pragnaju said,

    September 7, 2009 @ 11:11 PM

    સોનાની ચરકલડી ઊડી ગઈ દૂર ને ભમરડો ભમવાનું ભૂલ્યો,
    મોટેથી સાદ મેં જે દીધો આકાશે તે વાદળના ઝૂલણામાં ઝૂલ્યો;
    સોનપરી, નીલપરી આવી કહે ‘બાય’ એનું પડઘાતું રૂમઝૂમ રૂમઝૂમ….મેં મારી દિકરીઓએ અને તેની દિકરીઓ અનુભવેલી લાગણીનો સુંદર ચિતાર…જેની સાથે જીવનના અમુલ્ય વર્ષો માણ્યા તે અમારી આદિવાસી બેનો યાદ આવી. જંગલમાંથી આદિવાસી સ્ત્રીઓ લગભગ અર્ધનગ્ન દશામાં સાડીનો ટુકડો લંગોટ જેમ પહેરી માથે લાકડાંની ભારી લઈને નજીકના ગામે વેચવા જતી . આદિવાસી કર્મઠ બાઈઓ ઘરે ધાવણાં બાળકને છોડીને ૪ વાગ્યે ઊઠીને લાકડાં કાપવા જતી . આવી કર્મઠ બાઈઓ કે આદિવાસીને પિયર છોડવાની વાત પૂછી હતી…લાગે કે આદિવાસીને જીભ નથી, માત્ર હાથપગ છે. તે બાઈ ચૌદ પંદરની હશે ત્યારે લગ્ન થઈ ગયાં હશે. લગભગ એક પૈસાના ખર્ચ વગરનાં લગ્ન થયાં હશે પણ લાગણી-“પરણીને સાસરે જતી કન્યા જાણે ફરી એકવાર પોતાના બાળપણાને મન ભરીને માણી લેવા માંગે છે પરંતુ ત્યારે જ એને સમજાય છે કે યૌવનની આંગળી ઝાલતાની સાથે જ એનું બાળપણું તો ક્યાંક ગુમ થઈ ગયું છે… જે હવે એને એની ઢીંગલીની આંખોમાં કે પાંચીકામાં પણ નઈં મળે. ”
    આવી, કદાચ આનાથી પ્રબળ જોવા મળે!
    લ્

  3. વિવેક said,

    September 8, 2009 @ 1:09 AM

    આખું ગીત – મુખડું અને ત્રણેય અંતરાઓ- મધુર થયા છે… વારંવાર માણવું ગમે એવું…

  4. Rakesh Thakkar, Vapi said,

    September 8, 2009 @ 1:22 AM

    લાગણીશીલ બનાવી દે એવું ગીત.

  5. manharmody ('મન' પાલનપુરી) said,

    September 8, 2009 @ 2:25 AM

    ‘કહાં ગયા મેરા બચપન ?’ યૌવન પ્રવેશ પછી આપણાથી નાના બાળકોને બાલ-રમતો રમતાં જોઇ હૈયામાં ઉભરાતી લાગણીઓનો તાદ્રશ ચિતાર રજુ કરતી અનોખી રચના. ખૂબ સરસ.

  6. pragnaju said,

    September 8, 2009 @ 4:45 AM

    પ્રેમના ચકડોળમાં બેઠો ‘દિલીપ’,
    ઉમ્રભર અસ્તિત્વ ચકરાતું રહ્યુ.
    સરસ્
    કે હું પ્રેમમાં પડ્યો કે તું પ્રેમમાં પડી;
    કારણમાં આમ કંઈ નહીં બે આંખ બસ લડી, …
    પછી
    ચરર ચરર મારું ચકડોળ ચાલે,
    ચાકડચૂં ચીંચીં ચાકડચૂં ચીંચીં તાલે,

  7. ઊર્મિ said,

    September 8, 2009 @ 9:34 AM

    મનોજ્ઞાબેનનું બીજું એક ગીત પણ અહીં માણો…

    શ્યામ, તું તો ઘાસમાં ખીલેલું એક ફૂલ,
    પીળી આ પાંખડી તે પીળાં પીતાંબર ને ધરતીથી પ્રગટયાં દુફૂલ.

    http://urmisaagar.com/saagar/?p=3314

  8. Kirtikant Purohit said,

    September 8, 2009 @ 11:43 AM

    કોઇ પણ ભાઇ કે બાપને રડાવશે આ ગીત એટ્લી એના શબ્દો અને લયમાં તાકાત છે. અદભૂત ઊર્મી ગીત.

  9. bhav patel said,

    September 8, 2009 @ 5:24 PM

    તમારી પસંદ સારી છે
    વિવેકની જેમ જ લખું સ રસ રચના!!

  10. Pinki said,

    September 9, 2009 @ 12:59 AM

    ચૌદે ભાષામાં બોલાવી જોયું- વ્હેર આર યુ ? કહાં ગયે તુમ ?….. મસ્ત !!

    જોકે, યુવતીઓની જેમ પણ યુવાનો પણ બાળપણું ગુમાવતાં જ હશેને ?
    કારણ BPL કરતાં’તાં ત્યાં લાઇટ બિલ, ફોન બિલ, ગેસ અને
    વળી, પત્નીઓનું shopping list લઈને ફરવું પડે …. તે તો જુદું ….!! 🙂

  11. sudhir patel said,

    September 9, 2009 @ 6:59 AM

    સરસ ભાવપૂર્ણ ગીત!
    સુધીર પટેલ.

  12. Kanubhai Suchak said,

    September 9, 2009 @ 1:41 PM

    સોનાની ચરકલડી ઊડી ગઈ દૂર ને ભમરડો ભમવાનું ભૂલ્યો,
    મોટેથી સાદ મેં જે દીધો આકાશે તે વાદળના ઝૂલણામાં ઝૂલ્યો;
    સોનપરી, નીલપરી આવી કહે ‘બાય’ એનું પડઘાતું રૂમઝૂમ રૂમઝૂમ.

    નાની વયે મનોજ્ઞા દેસાઈની વિદાયને પડઘાવતી આ રચના અનેક ભાવવ્ય્ંજન વ્યક્ત કરે છે.

  13. rajendra m. mundada said,

    November 5, 2010 @ 3:08 AM

    ગીત ખુબજ સુન્દર રચના છે. મારે પણ ઍક દીકરી ની ઝન્ખના છે.

  14. Pancham Shukla said,

    November 5, 2010 @ 10:08 AM

    મધુર, ભાવસભર, ગાઈને ઝૂમી શકાય એવી રચના.

  15. સાત તાળી લીધી ને – મનોજ્ઞા દેસાઈ | "મધુવન" said,

    March 15, 2011 @ 6:25 AM

    […] એનું પડઘાતું રૂમઝૂમ રૂમઝૂમ. સૌજન્ય:લયસ્તરો This entry was posted in ભજન/પદ/કાવ્ય/ગીત/ગઝલ and tagged […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment