રાતરાણી હોય કે સૂરજમુખી,
પ્રેમના નામે સમર્પિત થાય છે.
મેગી આસનાની

રાતને આરે – ઈન્દુલાલ ગાંધી

આજે અમે બધું ભૂલવા બેઠાં.
એક અવાચક રાતને આરે,
તારોડિયા જ્યારે
આવી આવીને આળોટતા હેઠા –
ત્યારે અમે બધું ભૂલવા બેઠાં.

એ વગડાઉ ભૂમિ મનમોહન
જમણી કોર મહા નદી હાંફતી –
ડાબી કોરે હતું તુલસીનું વન;
ઘેઘૂર વડલાની વડવાઈએ
હીંચકતા કદીએ ન ધરાતાં;
પાવાનાં ગીત જ્યાં લાગતાં મીઠાં –
આજે અમે બધું ભૂલવા બેઠાં.

ઊંડી નદી તણી ઊંચેરી ભેખડ
કાંઠે ઊભી હતી બોરડી બેવડ:
વચ્ચે ખેતરવા મારગ ઉજ્જડ,
ખાતાં ધરાઈને બોર ખારેકડી
પાકેલ હીરકચાં, કોઈ રાતાં
પંખીઓએ કર્યા હોય જે એઠાં –
આજે અમે બધું ભૂલવા બેઠાં.

ટોળે ટોળાં ભમતાં હરણાંનાં,
ડોલન-નૃત્ય તરુ-તરણાંનાં,
ગીતલલિત નદી-ઝરણાંનાં;
હસી હસી વનનેય હસાવતાં
એવાં આવળનાં ફૂલને છોડી
કાગળના ફૂલ સૂંઘવા બેઠાં,
જાગવું ભૂલીને ઊંઘવા બેઠાં-
આજે અમે બધું ભૂલવા બેઠાં.

– ઈન્દુલાલ ગાંધી

લોકો જૂની વાતો યાદ કરવા બેસે છે, જ્યારે અહીં તો કવિ બધું ભૂલવા બેઠાં છે ! બચપણની (હવે અલભ્ય એવી) યાદોને તાદ્રશ કરી દેતું વર્ણન કવિની વેદનાને એટલી વધુ તીવ્ર બનાવે છે.

5 Comments »

  1. વિવેક said,

    August 5, 2009 @ 12:37 AM

    સુંદર કાવ્ય… બાળપણને છોડીને પુખ્તતામાં પ્રવેશ કરતી વખતે કે ગામ છોડીને નગરસંસ્કૃતિમાં પ્રવેશતી વખતે કયા કયા અમૂલ્ય રત્નો છોડી દેવા પડે છે અને બદલામાં કાગળનાં ફૂલ – ચલણી નોટો?- સૂંઘવાનો વારો આવે ત્યારે જાગૃતિ સાચા અર્થમાં સુષુપ્તાવસ્થા નથી બની જતી હોતી ?

  2. pragnaju said,

    August 5, 2009 @ 3:59 AM

    એવાં આવળનાં ફૂલને છોડી
    કાગળના ફૂલ સૂંઘવા બેઠાં,
    જાગવું ભૂલીને ઊંઘવા બેઠાં-
    આજે અમે બધું ભૂલવા બેઠાં.
    સરસ અભિવ્યક્તી

    સંભારણાંઓ યાદ જૂની ભૂલવા દેતાં નથી,
    જખ્મને રાખે છે તાજા રૂઝવા
    દેતાં નથી
    ભૂલી જવાની વાતો યાદ ન રહે તો કેવું સારું,
    યાદ રાખવાની વાતો ન ભૂલાય તો કેવું સારું. …

  3. mrunalini said,

    August 5, 2009 @ 4:18 AM

    ખાતાં ધરાઈને બોર ખારેકડી
    પાકેલ હીરકચાં, કોઈ રાતાં
    પંખીઓએ કર્યા હોય જે એઠાં –
    આજે અમે બધું ભૂલવા બેઠાં.
    વાહ્
    ભૂલવા તમને ક્યાં આસાન છે,
    જે ભૂલે તમને એ તો નાદાન છે,
    આપ તો વસો છો દિલ માં અમારા,
    તમે અમને યાદ રાખો છો
    એ તો એહસાન છે…
    ભૂતકાળનાં અઘટિત બનાવો ભૂલો.
    ભૂતકાળ ભૂલવા માટે સર્જાયો છે
    .તેમાં રાચવા માટે નહીં.
    બાકી ભૂલકણાપણાનો આ વિશિષ્ટ રોગ અલ્ઝાઇમર્સ ડિસીઝના નામે ઓળખાય છે. આ એક એવી બીમારી છે જેમાં માણસની સ્મરણશકિત ઓછી થતી જાય છે. તેના મગજના સેલ્સ (કોષ) ધીરે ધીરે નાશ પામે છે. તેથી આ રોગથી પીડાતા દર્દીને કશું સૂઝતું નથી અને સમય જતાં એ ઘણુખરું ભૂલવા માંડે છે. આવા દર્દીને વિચારવામાં અને બોલવામાં પણ મુશ્કેલી પડે છે

  4. Shefali said,

    August 5, 2009 @ 10:39 AM

    very evocative. if only such an exercise would work! enjoyed this piece immensly.

  5. kedar said,

    August 8, 2009 @ 12:05 PM

    ખૂબ ખૂબ સુંદર રચના.. beautiful visualisation….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment