સદીઓ બાદ મારા ખાલીપાનું પાત્ર ખખડ્યું છે,
આ ઘટના સત્ય છે કે ભ્રમ હતી, સમજાય તો સમજાય.
વિવેક મનહર ટેલર

(પર્વ ૧૫૦૦) લોકગીત-વિશેષ :૮: સૈયર મેંદી લેશું રે

મેંદી લેશું, મેંદી લેશું, મેંદી મોટા ઝાડ,
એક હલાવું ડાળ ત્યારે ડાળાં હલે ચાર,
સૈયર મેંદી લેશું રે.

મારી સાસુએ એમ કહ્યું કે વાસીદાં વાળી મેલ,
મેં ભોળીએ એમ જાણ્યું કે સાવરણી બાળી મેલ,
સૈયર મેંદી લેશું રે.

મારી સાસુએ એમ કહ્યું કે પાણીડાં ભરી મેલ,
મેં ભોળીએ એમ જાણ્યું કે બેડલાં ફોડી મેલ,
સૈયર મેંદી લેશું રે.

મારી સાસુએ એમ કહ્યું કે રોટલા ઘડી મેલ,
મેં ભોળીએ એમ જાણ્યું કે ચૂલો ખોદી મેલ,
સૈયર મેંદી લેશું રે.

મારી સાસુએ એમ કહ્યું કે કોડમાં દીવો મેલ,
મેં ભોળીએ એમ જાણ્યું કે સોડમાં દીવો મેલ,
સૈયર મેંદી લેશું રે.

મેંદી લેશું, મેંદી લેશું, મેંદી મોટા ઝાડ,
એક હલાવું ડાળ ત્યારે ડાળાં હલે ચાર,
સૈયર મેંદી લેશું રે.

આ ગીત અમે નાના હતા ત્યારે એટલું ગાતા, એટલું ગાતા, એટલું ગાતા… કે બસ, પૂછો ન વાત !  ખાસ કરીને અલૂણાં વ્રત વખતે હાથમાં મ્હેંદી મૂકતી વખતે… એમાંયે દરેક પંક્તિનાં છેડે ‘મેલ’ શબ્દનો ઉચ્ચાર તો અમને ખૂબ જ ગમતો.  સાસરે આવેલી સ્ત્રીનાં મનની તરંગી સ્થિતી આ લોકગીતમાં ખૂબ જ સુંદર રીતે આલેખાઈ છે.  મ્હેંદી લેવાની વાત કરતાં કરતાં ઘરમાં પોતે કરેલી મૂર્ખામીની વાત પણ એ કેટલી મજાથી અને ગર્વથી પોતાની સાહેલીને વર્ણવે છે !  🙂

9 Comments »

  1. sapana said,

    July 9, 2009 @ 1:26 PM

    સરસ લોકગીત્!
    સપના

  2. manharmody ('મન' પાલનપુરી) said,

    July 9, 2009 @ 4:31 PM

    જુના જમાનાની યાદ અપાવતાં લોકગીતોનો સુંદર સંગ્રહ.

  3. pragnaju said,

    July 9, 2009 @ 6:40 PM

    મારી સાસુએ એમ કહ્યું કે કોડમાં દીવો મેલ,
    મેં ભોળીએ એમ જાણ્યું કે સોડમાં દીવો મેલ,
    સૈયર મેંદી લેશું રે.

    આ પંક્તી મને ફરી ફરી ગવડાવતા!

    હાલ દરેક વખતે કોઢનો અર્થ પૂછાય અને

    : કોઢ, બળદને બાંધવાનું ઘાસથી ભરેલું સ્થાન

    આ અર્થ ઘણાને સમજાતો નથી!

  4. urvashi parekh said,

    July 9, 2009 @ 7:42 PM

    સરસ લોક્ગીત.
    પુરેપુરા શબ્દો સાથે ગીતો મળે છે.
    આભાર.

  5. ધવલ said,

    July 9, 2009 @ 11:17 PM

    મઝાનું ગીત !

  6. Pinki said,

    July 10, 2009 @ 12:33 AM

    સરખી સહિયરો હાથે મહેંદી લગાવવા સાથે મળી પાન ચૂંટવા જાય છે અને ત્યારે નવી પરણેલી વધુ , સાસુએ કહેલ કામને ગભરાટમાં ઉલ્ટું સાંભળે એવી કલ્પના તળે એક સુંદર ગીત રચાયું છે.
    જોકે, આ generationને જાણ નહીં હોય કે, મેંદીના પાન લાવીને તેને લસોટીને લૂગદી તૈયાર કરવામાં આવે અને તેનાથી હથેળીમાં ભાતભાતની ડિઝાઈન્સ પાડવામાં આવતી’તી.

    જોકે, અમે આવું ગાતા’તાં-

    મારી સાસુએ એમ કહ્યું કે કોડ ( ગોખ )માં દીવો મેલ,
    મેં ભોળીએ એમ જાણ્યું કે સોડમાં દીવો મેલ, – સૈયર મેંદી લેશું રે.

    આગળ,

    સોડ સળગી, સાસુ સળગી, સળગ્યું આખું ઘર,
    મેં ભોળીએ એમ જાણ્યું કે આમ દીવાળી થાય…..સૈયર મેંદી લેશું રે.

  7. deepak said,

    July 10, 2009 @ 1:13 AM

    બહુજ મજામઝાનું ગીત ! હો…

  8. વિવેક said,

    July 10, 2009 @ 1:55 AM

    મજાનું ગીત… પણ મેં તો પહેલીવાર જ “સાંભળ્યું” !!

  9. harikrishna said,

    July 10, 2009 @ 1:11 PM

    બહુજ સરસ ગેીત ધન્યવાદ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment