સૂઈ જા, ચાદર ! હવે સળ નહિ પડે,
સાંજનો કંકાસ ચાલુ છે હજી.
વિવેક મનહર ટેલર

(પર્વ ૧૫૦૦) લોકગીત-વિશેષ :૧: કેમ કરી જાશો ચાકરી રે

આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે
કે ઝીણા ઝરમર વરસે મેઘ
ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે !

ભીંજાય હાથી ને ભીંજાય ઘોડલાં રે,
કે ભીંજાય હાથીનો બેસતલ સૂબો
ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે ! – આભમાંo

ભીંજાય મેડી ને ભીંજાય માળિયાં રે
કે ભીંજાય મેડીની બેસતલ રાણી
ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે ! – આભમાંo

ભીંજાય બારી ને ભીંજાય બંગલા રે
કે ભીંજાય બારીનો બેસતલ સૂબો
ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે ! – આભમાંo

ભીંજાય લીલી ઘોડી ને પીળો ચાબખો  રે
ભીંજાય પાતળિયો અસવાર
ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે ! – આભમાંo

તમને વા’લી દરબારી ચાકરી રે,
કે અમને વા’લો તમારો જીવ
ગુલાબી ! નહીં જાવા દઉં ચાકરી રે ! – આભમાંo

સભ્ય સંસ્કૃતિની થોડે બહારના વર્તુળમાં આદિમ જીવન વ્યતીત કરતા લોકો પોતાના દુઃખસુખ, મસ્તી-મજાક, રીતરિવાજ અને સામાજિક પ્રસંગો કે દિનબદિનની ઘટમાળના નાનાવિધ રંગોને લયમાં ઢોળીને જે બહુઆયામી ચિત્ર ઊભું કરે એ લોકગીત. આ ગીતોનો કોઈ સર્જક નહીં. એનું સર્જન ટેબલ-ખુરશી કે ઘરમાં બેસીને થાય નહીં, એ તો પ્રસંગોપાત્ત લોકોની વચ્ચે જ રચાય અને એમાં રચનારનું કોઈ કર્તૃત્ત્વ નહીં. રચાતાની સાથે જ એ તો લોકોની માલિકીનું થઈ જાય. કવિતાની જેમ એ કાગળ પર નહીં પણ સીધું લોકોના દિલમાં જ લખાઈ જાય અને પેઢે દર પેઢી ગળામાં જ સચવાય.આ સંઘોર્મિનું ગાયન છે અને એટલે જ સમય-સમયાંતરે લોકસમૂહ એમાં નવું ઉમેરતો પણ રહે છે અને જૂનું ક્યારેક વાઢતો પણ રહે છે.

પ્રસ્તુત લોકગીતમાં દરબારની ચાકરીને વહાલી ગણતા વહાલમને નોકરીએ ન જવા દેવા માટે લાખ-લાખ વાનાં કાઢતી નવોઢાના મનોભાવોનું ચિત્રણ અદભુત રીતે થયું છે.  એક પછી એક અસબાબને વરસાદમાં ભીંજાતો બતાવી અંતે નાજુક તબિયતનો પાતળિયો અસવાર ભીંજાય તો એના જીવને નાહક જોખમ થાય એમ બહાનું બતાવી છેલ્લે સુધી ‘કેમ કરી જાશો ‘નો ઉપાલંભ કરતી અર્ધાંગિની ‘નહીં જાવા દઉં ‘નો રોકડો રૂપિયો ખણખણાવે છે ત્યારે લોકગીતની મીઠાશ હૈયામાં અંકાઈ જાય છે…

6 Comments »

  1. Jayshree said,

    July 6, 2009 @ 12:48 AM

    અરે વાહ… ઘણા ગુજરાતી ગીતો એવા છે યાદમાં કે એ ક્યારથી યાદ છે એ પણ યાદ નથી..! આ ગીત પણ એવા ગીતોમાંનું એક..! અને વરસાદની મોસમમાં તો આ ગીત યાદ કર્યા વગર ચાલે?

    મને યાદ છે, સ્કૂલમાં આ ગીત ભણાવતી વખતે શિક્ષકે એક જૂની હિન્દી ફિલ્મનું ઘણું જાણીતુ ‘ઝીનત અમાન’ નું ગીત પણ યાદ કરેલુ, અને આખો ક્લાસ ખડખડાટ હસેલો..!!

  2. Girish said,

    July 6, 2009 @ 1:32 AM

    સહેજે પ્રસન્ગ અને પ્રક્રુતિ પંક્તિ બનિ લોકોન મુખે થિ વહે તે લોકગીત્ નિ ધારા
    ગરજે આ મેઘ ધબકે દિલ્ડૂ રે
    નાચે મન મોર તારા ટહુકે ચિત ચોર
    કેમ કરિ મેલી મુને જાશો

  3. Kirtikant Purohit said,

    July 6, 2009 @ 2:04 AM

    સરસ સરલ અને સચા અર્થ્માં લોકોનુંગીત

  4. urvashi parekh said,

    July 6, 2009 @ 4:48 PM

    સરસ લોક્ગીત.ક્યાંક ક્યારેક થોડુ થોડુ સમ્ભળ્યુ હતુ,
    આજે આખુ ગીત મળ્યુ.
    લોકગીતો મુક્વાના છો જાણી સારુ લાગ્યુ,
    ઘણુ જાણવા મળશે.

  5. pragnaju said,

    July 6, 2009 @ 5:24 PM

    આપણા લોકગીતોથી પર્વ ઊજવણીની મઝા કાંઈ ઔર

    જોકે હવે તો ચાકરી કરવા

    ર્સાયબર સફરે મુસાફર કરે માઉસ પરે સવારી

    ઇંટરનેટ કેરે મેળાવડે ભટકે ગોતવાને ગિરધારી

    એક્ષપ્લોરરે યાહૂ ઝંપલાવી અનેરી સર્ચ આદરી

    વિષયી વિજ્ઞાપનો વળગી સઘળી સર્ફમાં પાધરી.

    તો ય મધુરી વેદના તો…

  6. sudhir patel said,

    July 6, 2009 @ 8:50 PM

    લોકગીતના પર્વની ઊજવણી બદલ લયસ્તરોને ખોબે ખોબા અભિનંદન!
    સરસ પસંદગી, મજા આવી ગઈ.
    લોકગીતની સાથે પ્રજ્ઞાબેનના પ્રતિભાવ પણ જમાવટ કરે છે!
    સુધીર પટેલ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment