માળિયું ખાલી કરું હું લાખ, ખાલી થાય નહિ,
કંઈનું કંઈ ઘસડી જ લાવે યાદનો વંટોળિયો.
વિવેક ટેલર

હાથને ચીરો તો – રમેશ પારેખ

હાથને ચીરો તો ગંગા નીકળે
છેવટે એ વાત અફવા નીકળે

બૉમ્બની માફક પડે કાયમ સવાર
એ જ કચ્ચરઘાણ ઘટના નીકળે

કોઇ સપનું છીછરું વાગ્યું હતું
ને જનોઇવઢ સબાકા નીકળે

સ્તબ્ધ આંખોની કરો ખુલ્લી તપાસ,
ભોંયરાઓ એના ક્યાં ક્યાં નીકળે ?

એ શું ક્બ્રસ્તાનનું ષડયંત્ર છે ?
મુઠ્ઠીઓ ખૂલે ને મડદાં નીકળે

દાબડીમાં એક માણસ બંધ હોય
ઢાંકણું ખોલો તો લાવા નીકળે

વક્ષની ખંડેર ભૂમિ ખોદતાં
કોઇ અશ્મીભૂત શ્રધ્ધા નીકળે

માર્ગમાં આવે છે મૃત્યુની પરબ
જ્યાં થઇ હરએક રસ્તા નીકળે

‘ર’ નિરંતર મેશ-માં સબડે અને
સૂર્ય પણ નીકળે તો કાળા નીકળે.

– રમેશ પારેખ

ગુજરાતી ગઝલને રમેશ પારેખે કઈ ઊંચાઈ પર પહોંચાડી દીધેલી એની એક વધુ સાબિતિ જેવી ગઝલ.

19 Comments »

  1. sapana said,

    June 29, 2009 @ 10:29 PM

    સરસ ગઝલ્

    સપના

  2. Jayshree said,

    June 29, 2009 @ 10:38 PM

    રમેશ પારેખની ઘણી બધી રચનાઓ ઘણી ઘણી જ ગમે છે… એમાં આ પણ..!
    અને આશિત-હેમાની જોડીએ એને સ્વર આપીને વારંવાર રમેશ પારેખની સન્મુખ જવાનો વધુ એક મોકો આપ્યો છે..!

  3. mrunalini said,

    June 29, 2009 @ 10:52 PM

    હાથને ચીરો તો ગંગા નીકળે
    છેવટે એ વાત અફવા નીકળે
    ફરી ફરી ગમે
    અફવા તો ઘણાનો વિષય!

    દર્દને દવા મળી
    અગ્નિને હવા મળી
    તમારી હા છે, એવી
    અમને અફવા મળી.
    ————
    સુંદર, બુદ્ધિશાળી, સમજદાર, કાળજી રાખનારી કયારેય ઇર્ષા ન કરનારી અને સ્વાદિષ્ટ વાનગી બનાવી ખવડાવનારી પત્નીને શું કહેશે?
    અફવા! …

  4. pragnaju said,

    June 29, 2009 @ 11:04 PM

    એ શું ક્બ્રસ્તાનનું ષડયંત્ર છે ?
    મુઠ્ઠીઓ ખૂલે ને મડદાં નીકળે
    કવિ હ્રુદયને કેવી વેદના બાદ આ શેર લખાયો હશે?
    ફાઝલી યાદ આવ્યો.

    બધીજ લાશો

    બધીજ અંખો_મારા જેવી

    બધા પગો_ તારા જેવા

    બધી બાળ લાશો_બાળકો જેવી

    બધી વૃધ લાશો _વૃધ્ધો જેવી

    બધાજ મ્રુત દેહો

    નિ:શબ્દ હતા

    ..

  5. Pinki said,

    June 30, 2009 @ 12:27 AM

    દાબડીમાં એક માણસ બંધ હોય
    ઢાંકણું ખોલો તો લાવા નીકળે….. ર.પા.ની મને વધુ ગમતી ગઝલ !!

  6. વિવેક said,

    June 30, 2009 @ 12:31 AM

    સુંદર રચના… ટૂંકી બહેરમાં ઝીણું નક્શીકામ…

  7. ડો.મહેશ રાવલ said,

    June 30, 2009 @ 1:09 AM

    આખી ગઝલનાં એક-એક શૅર ઉપર પાના ભરીને લખીએ તોય ઓછાં પડે
    એવી ઊંડી ગઝલ.
    સલામ છે એ છ અક્ષરનાં નામને.

  8. Dinesh Pandya said,

    June 30, 2009 @ 2:18 AM

    રમેશ પારેખની સુંદર ગઝલ! જ્યારે જ્યારે એમની કોઈ રચના વાંચીએ છીએ કે કોઈ ગાયક (ખાસ કરીને – આસિતભાઈ-હેમાબેનના કંઠે – ત્યારે આ કવિની વિદાય બહુ વસમી લાગે છે.

    માર્ગમાં આવે છે મૃત્યુની પરબ
    જ્યાં થઇ હરએક રસ્તા નીકળે

    આ સાથે આસિતભાઈ-હેમાબેને ગાયેલ આ ગઝલની ઓડીયો-ક્લીપ પણ મુકી શકાત તો સારું.

  9. deepak said,

    June 30, 2009 @ 2:40 AM

    આખી ગઝલનાં એક-એક શૅર ખુબજ સરસ છે… આફરીન…

    બૉમ્બની માફક પડે કાયમ સવાર
    એ જ કચ્ચરઘાણ ઘટના નીકળે

    સ્તબ્ધ આંખોની કરો ખુલ્લી તપાસ,
    ભોંયરાઓ એના ક્યાં ક્યાં નીકળે ?

    માર્ગમાં આવે છે મૃત્યુની પરબ
    જ્યાં થઇ હરએક રસ્તા નીકળે

  10. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

    June 30, 2009 @ 6:45 AM

    આ ર.પા.ને પાર પામવા એ હવાને ધાર કાઢવા જેવું છે.
    એકવીસ માળની હવેલીને ઉપરથી નીચે ચણવા જેવું છે.

  11. કુણાલ said,

    June 30, 2009 @ 9:16 AM

    દાદની સીમાઓ વામણી પડે એવી ગઝલ …

    સ્તબ્ધ આંખોની કરો ખુલ્લી તપાસ,
    ભોંયરાઓ એના ક્યાં ક્યાં નીકળે ?

    વક્ષની ખંડેર ભૂમિ ખોદતાં
    કોઇ અશ્મીભૂત શ્રધ્ધા નીકળે

    અને મહેશઅંકલની વાત સાથે હું પણ સહમત થઈશ…

  12. M.Rafique Shaikh said,

    June 30, 2009 @ 11:56 AM

    રમેશ પારેખને અને તેમની આ ગઝલને હજારો-લાખો સલામ. સાથે સાથે આ તકે આ અદભુત્ website ‘લયસ્તરો’નાં નિર્માણ અને સંચાલન સાથે સંકળાયેલ તમામ સાક્ષરોને પણ હું મારા હાર્દિક નમસ્કાર્ પાઠવું છું.

    ડો.મહેશ રાવલની comment વાંચીને વરસો પહેલાં ‘નવનીત’માં માણેલી એક કવિતા યાદ આવી. મને કર્તા યાદ નથી પણ કોઇ ‘રમેશ પારેખ’ કહે તો નવાઇ નહીં પામું! મારી યાદદાસ્તમાં એ આમ અડધી પડધી સંઘરાયેલી છે.

    હું મારી ઓસરીને કાંઠે વસેલ એક પાંચ સાત અક્ષરનું નામ!
    હું મારી ઓસરીને કાંઠે વસેલ કોઇ પાંચ સાત અક્ષરનું ગામ!

    અહીં મકાન નથી, કોઇ ઝાડપાન નથી, હોવાનું ભાન નથી એટલે
    નેજવું કરીને કોણ જુવે કે કોણ અમે, કોનાથી દૂર છીએ કેટલે ?

    પગરવનાં ઝાંઝવાંય જ્યાંથી સુકાઇ ગયાં, એવો કરપીણ હું મુકામ!
    હું મારી ઓસરીને કાંઠે વસેલ ….

    સુજ્ઞ સંચાલકો અને વાંચકોમાંથી કોઇ આ કવિતાથી વધુ પરિચિત હોય તો એક વિનંતીઃ Please present this beautiful poem in its complete form, for the rest of us to enjoy. Thank you.

  13. M.Rafique Shaikh said,

    June 30, 2009 @ 2:12 PM

    વધુ એક ફરમાઇશ;

    છઠઠા ધોરણની ‘સાહિત્ય પરિચય’માં વાંચેલી/ભણેળી અને થોડીઘણી યાદ રહી ગયેલી આ કવિતા પણ કોઇ પૂરી કરી આપે તો ખૂબ આભાર.

    દિસત જંગલ મંગલકારી રે !
    મનુષ્યનાં પરિતાપ નિવારી રે !

    બહુ સુકોમળ ચાંદની શી ખીલે !
    તરુવરો સહુ અમ્રુતને ઝીલે!

    નદી મહીં જળ નાવડી કાપતી;
    સઢ સફેદ …….
    As usual, I don’t know the name of the poet who created this sweet poem. I can still hear it the way my father used to sing it to us kids. That was around years 1968-70.

  14. Sakhi said,

    June 30, 2009 @ 6:23 PM

    ખૂબ જ સુંદર્ ગઝલ – દરેક શેર એની સાથે ઊંડાણ લયી ને આવે છે…

  15. પંચમ શુક્લ said,

    June 30, 2009 @ 6:47 PM

    Just Superb !!!

  16. sudhir patel said,

    July 1, 2009 @ 6:24 AM

    ગુજરાતી અમર ગઝલોમાંની એક! ફરી ફરી વાંચો અને માણૉ એવી.
    સુધીર પટેલ.

  17. Bharat Trivedi said,

    September 8, 2010 @ 12:24 PM

    આ ગઝલ વિષે તો ઘણી બધી વાતો થઈ છે એટલે વધારે શું કહેવું ? આ ગઝલ પાછળ તેનો પણ એક ઈતિહાસ છે. આ ગઝલ રમેશભાઈએ તેમના એક કવિ-મિત્રને માટે એક ખાસ સમયે લખી હતી. મિત્રો એક-મેકનાં દર્દ કેવાં સમજે અને કેવી રીતે મલમપટ્ટી પણ કરે તેનો આ નમૂનો છે. થાય છે કવિને તો કવિ માત્ર માટે પ્રેમ હોવો જોઈએ. પ્રેમથી નિતરતું હ્રદય ના હોય તો કવિ થવાય જ શી રીતે!

    ભરત ત્રિવેદી

  18. Hemal Pandya said,

    September 2, 2011 @ 2:12 PM

    સુર્ય કે સૂર્ય?

  19. ધવલ શાહ said,

    September 2, 2011 @ 2:28 PM

    સુર્ય કે સૂર્ય?

    – સૂર્ય.

    સુધારી લીધુ છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment