શ્વસ અનંતોમાં
ઊડ પતંગોમાં
પોઢ ગઝલોમાં
ઊઠ અભંગોમાં
સંદીપ ભાટિયા

ગઝલ બનતી નથી – પંચમ શુક્લ

બે વિરોધી વાતથી ગઝલ બનતી નથી,
સ્પંદના ઉત્પાતથી ગઝલ બનતી નથી.

ખોખલા જઝબાતથી ગઝલ બનતી નથી,
પાંગળા પરિત્રાતથી ગઝલ બનતી નથી.

શ્યામ કે અવદાતથી ગઝલ બનતી નથી,
ઉષ્ણથી કે શાતથી ગઝલ બનતી નથી.

તુચ્છ તહેકીકાતથી ગઝલ બનતી નથી,
પારકી પંચાતથી ગઝલ બનતી નથી.

છંદની બિછાતથી ગઝલ બનતી નથી,
પ્રાસની તહેનાતથી ગઝલ બનતી નથી.

શેરની તાકાતથી ગઝલ બનતી નથી,
બેતની તાદાતથી ગઝલ બનતી નથી.

મીરની મીરાતથી ગઝલ બનતી નથી,
ખુદાઈ ખેરાતથી ગઝલ બનતી નથી.

ખ્યાત કે અખ્યાતથી ગઝલ બનતી નથી,
જ્ઞાત કે અજ્ઞાતથી ગઝલ બનતી નથી.

સાથ કે બાકાતથી ગઝલ બનતી નથી,
એકથી કે વ્રાતથી ગઝલ બનતી નથી.

અર્થ કે અર્થાત્-થી ગઝલ બનતી નથી,
તર્કના ઉધમાતથી ગઝલ બનતી નથી.

કેમ ને કસ્માત્-થી ગઝલ બનતી નથી,
પ્રશ્નના વરસાતથી ગઝલ બનતી નથી.

બુદ્ધિના ધણિયાતથી ગઝલ બનતી નથી,
ઊર્મિની બારાતથી ગઝલ બનતી નથી.

શબ્દની સોગાતથી ગઝલ બનતી નથી,
મર્મની ઓકાતથી ગઝલ બનતી નથી.

એકલા આઘાતથી ગઝલ બનતી નથી,
રોકડા રળિયાતથી ગઝલ બનતી નથી.

ધ્યાત કે આધ્યાતથી ગઝલ બનતી નથી,
ગુહ્યથી યા વ્યાત્ત્-થી ગઝલ બનતી નથી.

સ્થૂળ યાતાયાતથી ગઝલ બનતી નથી,
પ્રાયઃ ઇષ્ટ સ્યાત્-થી ગઝલ બનતી નથી.

એમ કહીએઃ જાતથી ગઝલ બનતી નથી,
એમ નહિઃ જગ-તાતથી ગઝલ બનતી નથી!

– પંચમ શુક્લ

આ ગઝલમાં ‘ગઝલ’ શબ્દ ગઝલ માટે જ નહીં પણ જીવનમાં જે કાંઈ સૂક્ષ્મ અને સુંદર છે એ બધા માટે વપરાયો છે. જ્યાં સુધી ‘ગઝલ’ની ‘રેસિપી’માં કોઈ અગમ્ય અને અદભૂત રસ ન ભળે ત્યાં સુધી ખરા અર્થમાં સર્જન શક્ય જ નથી.

(ત્રાત=રક્ષણ, બચાવ; અવદાત=શ્વેત, વ્રાત= સંઘ, સમૂહ, કસ્માત્= શાથી, કયે કારણ; વ્યાત્ત્= ખુલ્લું, ઉઘાડું; સ્યાત્= કોઈ પ્રકાર, કોઈ અપેક્ષા, કોઈ માર્ગ)

46 Comments »

  1. વિવેક said,

    May 20, 2009 @ 1:07 AM

    પંચમભાઈની ગઝલની ખાસિયત છે કે એ હંમેશા અરુઢ (અને કવચિત્ ગૂઢ) હોય છે… પ્રવાહમાં વહીને એ કદી લખતા નથી. વપરાશમાં ન હોય એવા છંદ અને રોજબરોજની વાતચીતમાં ન વપરાતા શબ્દપ્રયોગ એ પંચમભાઈની આગવી ઓળખ છે…

    ‘ગઝલ બનતી નથી’ની વાત છે અને શેરની સંખ્યા તો જુઓ!!! મુકુલભાઈની ‘ગઝલ લખાતી નથી- https://layastaro.com/?p=824‘ પણ આ સંદર્ભમાં જોવા જેવી છે..

    ધવલે ત્રણ જ લીટીમાં આખી ગઝલનું જે તારતમ્ય કાઢ્યું એ પણ એવું જ લિજ્જતદાર છે !

  2. Pinki said,

    May 20, 2009 @ 2:31 AM

    સુંદર મત્લા ગઝલ…….. !!

    સત્તર અક્ષર હોય કે સત્તર શેર……
    પંચમભાઈની ગઝલ અનેરી જ હોય …… !!

  3. Dr.jagdip Nanavati said,

    May 20, 2009 @ 3:56 AM

    પચંમભાઈ તમે ગઝલ બનાવવી ખુબ અઘરી કરી દીધી…!!!
    પણ જો બની જાય તો તેને માણવા ચાલો મારી સાથે…..!!!

    ચાલો ’ગઝલ’ ને ગઝલમાં ’માણીએ’
    .
    સવારી શબ્દની કરીએ
    ગઝલને ગામ વિહરીએ
    .
    ઉતારો કોકદિ’ મત્લા
    કદી મક્તા સુધી જઈએ
    .
    નહીં છાલક અછંદાસી
    ધૂબાકા છંદમાં દઈએ

    લયોને સૂરમાં ઢાળી
    સૂરાલયની મઝા લઈએ
    .
    તમે દાદે ખુદા મારા
    અદબથી આપને નમીએ
    .
    લડીને પ્રાસને પાદર
    સ્મરણના પાળીયા થઈએ
    .
    પુન: લેવા જનમ ચાલો
    ગઝલ બીજી હવે લખીએ

  4. jjugalkishor said,

    May 20, 2009 @ 6:21 AM

    પંચમભાઈની ગઝલ તો પચાવવી ભારે પડી જાય તેવી છે. પણ ધવલભાઈએ એને કેટલી ટૂંકમાં મૂકી આપી ! આ લાંબી ગઝલના શબ્દો અને દરેક શેરમાં એના સંદર્ભો જાણવા–સમજવા જેવા છે. બહુ સરસ રજુઆત.

    જ્યારે જગદીપભાઈની ગઝલ તો જુઓ –

    લય, સૂર અને સુરાલયને બહુ સરસ રીતે સાંકળ્યા !! પ્રાસને માટે લડવાની ને પાળિયા થવાની વાત; બે ગઝલ વચ્ચેનો ગાળો બે જનમનો પણ હોઈ શકે એ મૌલિક વાત પણ માણી. …

    લયસ્તરોના સૌને ધન્યવાદ.

  5. Vijay Shah said,

    May 20, 2009 @ 6:58 AM

    મઝા પડી ગઈ
    ઘણા વખત પછી પંચમભાઈની અતિ સુંદર રચના માણી

  6. sapana said,

    May 20, 2009 @ 6:59 AM

    વિવેકભાઈની વાત સાચી છે,ધવલભાઈએ ત્રણ વાક્યમા સરસ તારણ કાઢ્યુ છે.પંચમદા સલામ તમને..
    સપના

  7. mrunalini said,

    May 20, 2009 @ 7:42 AM

    સ્થૂળ યાતાયાતથી ગઝલ બનતી નથી,
    પ્રાયઃ ઇષ્ટ સ્યાત્-થી ગઝલ બનતી નથી.

    એમ કહીએઃ જાતથી ગઝલ બનતી નથી,
    એમ નહિઃ જગ-તાતથી ગઝલ બનતી નથી
    સરસ
    આ નકારાત્મક પધ્ધતિ ઘણાએ વર્ણવી છે પણ તેમની હકારાત્મક પંક્તીઓ
    માણીએ
    કાફિયા, રદીફ ને ગઝલિયત જ્યારે રૂઠે,
    સાદ તારો કાન દઈ સાંભળીને ગઝલ લખ.
    પ્રેમરસ ને ભક્તિરસ બેય થી જા ધરાઈ-
    ખૂબ, ત્યારે સહેજ બસ ટળવળીને ગઝલ લખ.

  8. indravadan g vyas said,

    May 20, 2009 @ 8:53 AM

    ગઝલ ના જન્મ માટેની ફોર્મ્યુલા શોધતા શોધતા જે જે તારણો પંચમભાઈને મળ્યા તે ગઝલ રુપે આપી એક સરસ અઘરી ગઝલ લખીનાખી.ખુબ મઝા આવી.
    ધવલે બે પક્તિમાં ાખી ગઝલ ના રુહ નો પરીચય આપી દીધો.
    ડો.નાણાવટીએ સાત શેરોની સાત તાળી આપી સુન્દર રંગ પુર્યા.
    જુગલકિશોરે બન્ને શાયરોની વાતોને જાન બક્શી સિફત થી બિર્દાવી.છેલ્લે મ્રુણલિનીએ આજ કવિની અન્ય રચનાથી દાદ દીધીઃ
    કાફિયા, રદીફ ને ગઝલિયત જ્યારે રૂઠે,
    સાદ તારો કાન દઈ સાંભળીને ગઝલ લખ.
    પ્રેમરસ ને ભક્તિરસ બેય થી જા ધરાઈ-
    ખૂબ, ત્યારે સહેજ બસ ટળવળીને ગઝલ લખ.
    હુ આ સીધ્ધ કવિઓ ની બધી કરામતો ભાવથી અને વિસ્ફાટીત નયનો થી માણી રહ્યો હતો.
    મારે તો બસ “આફ્રીન! ! ! “કહેવું છે.

  9. mahesh dalal said,

    May 20, 2009 @ 9:31 AM

    વાચ્વિ ગમે.. સમ જ્વા મા જરા ભારે લાગિ.

  10. Jay Gajjar said,

    May 20, 2009 @ 10:07 AM

    Very nice. Good subject. Impressive thought. Good pras.
    Keep the spirit
    Congratulations

  11. યશવંત ઠક્કર said,

    May 20, 2009 @ 10:56 AM

    ગઝલ -રચના અંગેના વિચારોની ગઝલ દ્વારા જ સરસ રજૂઆત.

  12. Harnish Jani said,

    May 20, 2009 @ 12:21 PM

    ફક્ત ગઝલ લખવાથી,ગઝલ બનતી નથી.
    શબ્દોને ગોઠવવાથી,ગઝલ બનતી નથી.

    તમારી ગઝલ ગમી ગઇ.થેંકયુ.

  13. Himanshu said,

    May 20, 2009 @ 1:07 PM

    પંચમ

    આદિલભાઇ અને રાજેન્દ્ર શુકલની યાદ કરાવી તેં. તારો શબ્દભંડોળ અને વિવિધતા ગમી ગયા.

  14. sudhir patel said,

    May 20, 2009 @ 5:08 PM

    પંચમભાઈ ‘ગઝલ બનતી નથી’ નો રદીફ લઈને સારી મત્લા ગઝલ લખી શક્યા છે!
    સુધીર પટેલ.

  15. dr.prdeep pandya said,

    May 20, 2009 @ 5:59 PM

    સરસ ગઝલ છે.અભિનંદન.

  16. રેખા સિંધલ said,

    May 20, 2009 @ 7:58 PM

    ખૂબ સુંદર પંચમભાઈ,

    મોકલવા માટે ઘણો આભાર ! બે વાર વાંચીને માણવાની મજા આવી. સુંદરતા પ્રગટે છે બનતી નથી. આપની ગઝલની જેમ જ સ્તો.

  17. રાજીવ said,

    May 20, 2009 @ 8:17 PM

    ખુબ જ સુંદર અને લાં……….બી રચના…!

  18. urvashi parekh said,

    May 20, 2009 @ 8:23 PM

    ઘણી લાંબી રચના..
    ખરેખર આ બધા વડૅ પણ ગઝલ બનતી નથી..
    તમે ઘણી શક્યતા ઓ વિચારી ને ગઝલ માં ઉતારિ શક્યા છો..
    અભિનંદન..

  19. Tejas Shah said,

    May 20, 2009 @ 8:41 PM

    ખૂબજ સુંદર કલ્પના! કલ્પનાથી વધુ તો આ હકીકત છે પરંતુ એ વિચારવા વાળા તમે નીકળ્યા. કલ્પના ને સચોટ પધ્ધતિથી તમે શબ્દોનુ સ્વરુપ આપ્યુ. આ નવી રચના બદલ હાર્દિક અભિનંદન. આપના વિચારો અમારી સંગે વહેચવા માટે અભાર!
    -તેજસ

  20. sunil shah said,

    May 20, 2009 @ 9:27 PM

    અદભૂત…નવાંજ શબ્દો–કાફિયા વડે પંચમભાઈએ ગઝલ વિશેની મત્લાગઝલનું સરસ બાંધકામ કર્યું છે. અભિનંદન.ધવલભાઈની ફાસ્ટેસ્ટ સેન્ચ્યુરી પણ ગમી ગઈ..

  21. jagdip mehta said,

    May 20, 2009 @ 9:28 PM

    ખુબજ મઝા આવિ આભાર્

  22. BHARAT SUCHAK said,

    May 20, 2009 @ 9:47 PM

    ખુબજ મજા આવી

  23. ઊર્મિ said,

    May 20, 2009 @ 10:24 PM

    વાહ પંચમદા… આટલી લાંબી ગઝલ લખો છો, અને તોયે કહો છો કે ‘ગઝલ બનતી નથી’ ?! 🙂

    વિવેકે સાચું જ કહ્યું… ધવલભાઈનું થોડા શબ્દોનું તારણ પણ લિજ્જતદાર લાગ્યું!

    સુંદર ગઝલ માટે અભિનંદન!

  24. અતુલ જાની (આગંતુક) said,

    May 21, 2009 @ 12:17 AM

    અરે વાહ! કેવી કેવી રીતે ગઝલ બનતી નથી તે કહેતા કહેતા જ ગઝલ બની ગઈ.

    ગઝલ બની જાય છે, તે બનાવી બનતી નથી.

  25. Heena Parekh said,

    May 21, 2009 @ 1:02 AM

    સરસ ગઝલ. ઘણાં નવા શબ્દો પ્રયોજ્યા છે. અભિનંદન.

  26. Niraj said,

    May 21, 2009 @ 1:40 AM

    ખુબ સુંદર ગઝલ..

  27. gopal h parekh said,

    May 21, 2009 @ 1:48 AM

    જલ્સો પડી ગિયો મારા ભૈ

  28. Tejas Shah said,

    May 21, 2009 @ 2:14 AM

    બે ચાર પંક્તિ તમારી ગઝલ ની હજુ તો વાચી ના વાચી ને કાંઇક સ્મિતભર્યો અનુભવ થવા માંડે! ભલે બીજા કામો મારુ ધ્યાન ખેચવા બુમો પાડતા હોય, હુ એમની પાસે સમય માંગી કાંઇક પ્રત્યુત્તરે લખુ ત્યા સુધી ચેન નથી પડતુ…ને’ પછી આંખ બંધ કરુ ત્યાંતો બે-ચાર પંક્તિઓ રચાઈ જાય…

    બંધ આંખે શ્વાસ લઉ ને બની જાય એક ગઝલ,
    પષ્પે બિંદુ ઝાકળનુ જોઉ ને બની જાય ગઝલ;
    બાળસમુ કદી સ્મિત દઉ તો બની જાય ગઝલ,
    એ ચાંદલિયાનુ નૂર જોઉ ને બની જાય ગઝલ;

    ડગલે ડગલે, ધબકારે ધબકારે, પલકે પલકે,
    ધપુ ક્યારેક આગળ કે પછી ફરતો વક્રમારગે;
    વ્યસ્ત ક્યારેક થાઉ એવો કે મન ના કશુયે કલ્પે,
    ને’ પછી માણુ આપની કોઇ ગઝલ,
    -ને બની જાય એક બીજી ગઝલ!
    -તેજસ

  29. jayeshupadhyaya said,

    May 21, 2009 @ 5:20 AM

    તુચ્છ તહેકીકાતથી ગઝલ બનતી નથી,
    પારકી પંચાતથી ગઝલ બનતી નથી.

    છંદની બિછાતથી ગઝલ બનતી નથી,
    પ્રાસની તહેનાતથી ગઝલ બનતી નથી.

    સરસ ગઝલ ઘણી ગમી

  30. Dr.Hitesh Chauhan said,

    May 21, 2009 @ 7:23 AM

    જય શ્રીકૃષ્ણ,

    હવે જ્યારે મિત્રોએ આટલું બધું કહી દીધા બાદ મારી પાસે કોઈ શબ્દો જ નથી રહ્યા જે આપ સર્વે કવિમિત્રોએ એકબીજાને ગઝલ પર જ ગઝલો રચી એકબીજાને જવાબો આપેલા છે તે વાંચી તો દંગ જ અને અભિભૂત થઈ ગયો.
    અને ગઝલ લખાતી નથી લખાતી નથી કહેતા કહેતા તો આજે કેટલી બધી રચનાઓ માણી લીધી.
    બધી જ રચનાઓ ખુબ જ સરસ છે માણીને હું ધન્ય થઈ ગયો.
    આભાર. અન્બે અભિનંદન પંચમભાઈ ને જેમની સાથે મારો હમણાં જ નવો નવો પરિચય થયો છે.

  31. Bina said,

    May 21, 2009 @ 8:14 AM

    સુંદર, ગઝલ ઘણી ગમી.
    અભિનંદન!

  32. ડો.મહેશ રાવલ said,

    May 21, 2009 @ 10:32 PM

    વાહ જનાબ!
    આટલું બધું ભેગું થાય તોય- ગઝલ બનતી નથી……
    હવે એક ગઝલ -બને છે ગઝલ- રદિફ લઈને જો આપો તો, એ પણ જાણીએ કે ગઝલ આમ બની શકે………
    -સુંદર.

  33. Gaurang Thaker said,

    May 21, 2009 @ 10:48 PM

    સરસ વાત કરી ગઝલમા કે આ બધુ જે શેરમા કહેવાયુ તે તો જોઇએ ગઝલ માટે પણ બીજુ એવુ જોઇએ જેના વિશે ના લખાય. માત્ર ગઝલ જ લખાય.
    વાહ પચમભાઈ..સરસ….

  34. rajani [wildlife lover] said,

    May 22, 2009 @ 4:05 AM

    ઘણા બધાયે તમારા વખાણ કર્યા અને ટીકા પણ કરી…..
    પણ ખુબ સુંદર રચના છે…

  35. ashish said,

    May 22, 2009 @ 4:38 AM

    વાહ પંચમભાઈ એકદમ સરસ ગઝલ બનાવી છે. મઝા આવી.

  36. kirankumar chauhan said,

    May 22, 2009 @ 7:13 AM

    વાહ! પંચમભાઇ વાહ! મને મારો એક શેર યાદ આવી ગયો–
    ‘બાગમાં લખવા ગયો પણ ત્યાં લખાયું કાંઇ નહિ,
    તો લખાયું કેમ નહિ એના વિશે કંઇ લખ હવે.”

  37. Vinod Oza said,

    May 22, 2009 @ 8:12 AM

    સરસ. ગઝલ આમ પણ બને છે!
    અભિનંદન.
    વિનોદ ઓઝા

  38. Prabhulal Tataria"dhufari" said,

    May 22, 2009 @ 9:12 AM

    શ્રી પંચમભાઇ
    હું ડૉક્ટર હિતેષ ચૌહાણના અભિપ્રાય સાથે સહમત છુ.
    અસ્તુ
    પ્રભુલાલ ટાટારીઆ”ધુફારી”

  39. Gandabhai Vallabh said,

    May 22, 2009 @ 3:04 PM

    ખુબ સરસ. હાર્દીક આભાર પંચમભાઈ.
    “વાહ પંચમદા… આટલી લાંબી ગઝલ લખો છો, અને તોયે કહો છો કે ‘ગઝલ બનતી નથી’ ?!”

    ઊર્મિબહેન, ‘પંચમદા’ કદાચ કહેવા માગે છે કે ગઝલ ‘બનતી’ નથી, ‘અવતરે’ છે.

    આ બધું વાંચીને ગુજરાતી ભાષાને સમૃદ્ધ કરનારા આપ સહુને અભીનંદન.

  40. જય said,

    May 22, 2009 @ 6:00 PM

    પંચમભાઈ,

    તમારી ગઝલ ખુબ જ ગમી.
    સાથે સાથે મને વિચાર આવ્યો કે
    મારે તમે વાપરેલા શબ્દો વિષે વધારે માહિતી મેળવવી હોય
    તો એવી કોઈ વેબ સાઈટ છે કે જ્યાંથી મને એ મળી શકે?
    ગુજરાતી લેક્ષીકોનની સાઈટમાં આ શબ્દો એના અર્થ સાથે ઉમેરી
    શકાય?

  41. vishwadeep said,

    May 22, 2009 @ 9:02 PM

    “ગઝલ બનતી નથી” ગઝલ વિશે ઘણું બધું કહીઁ દીધુ…સુંદર…

  42. પંચમ શુક્લ said,

    May 25, 2009 @ 9:51 AM

    સહુ પ્રથમ દરેક મિત્રોના સ્નેહભાવને વંદન. આગવી છટા અને આગવી ભ્રમણક્ક્ષા મુજબ પ્રતિભાવ-વર્ષણ કરવા બદલ દરેક પ્રતિભાવક/વાચકનો આભાર.

  43. Pancham Shukla said,

    May 30, 2009 @ 2:25 PM

    મુશાયરામાં મહિમા પામતી ગઝલ પુસ્તકાલયમાં કેમ પાછી પડે છેઃ (રઘુવીર ચૌધરી નો દિવ્યભાસ્કરમાં લેખ, Sunday, March 15, 2009 )

    http://www.divyabhaskar.co.in/2009/03/15/0903152028_raghuvir_chaudhri_gujarti_column.html

  44. હેમંત પુણેકર said,

    June 6, 2009 @ 12:26 AM

    પંચમભાઈ,

    કંઈ લખવા જઈએ અને ન લખાય ત્યારે આવતાં ફ્રસ્ટ્રેશનનો સુંદર રચનાત્મક ઉપયોગ! આનંદ, આનંદ!!!

  45. mahendra shah said,

    December 25, 2010 @ 8:59 PM

    સુંદર્!

  46. saurabh shah said,

    December 30, 2010 @ 1:00 AM

    પંચમદા, ક્યા બાત હૈ!
    તમારા દરેક શેર સાથે દસ-દસ જાણીતી ગઝલ મૂકીને કહી શકીએ કે જુઓ આ ગઝલ લોકપ્રિય ભલે થઈ પણ પંચમ શુક્લના આ શેર મુતાબિક અહીં ગઝલ બનતી નથી!
    સલામ!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment